Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

અનંતનાગમાં સર્ચ ઓપરેશન દરમિયાન બે આતંકી ઠાર

સેના અને સુરક્ષા દળોના ઓપરેશનના કારણે મોટી સફળતા : ઇન્ટરનેટ સેવા બંધ : સર્ચ ઓપરેશન શરૂ

શ્રીનગર તા. ૨૯ : જમ્મુ કશ્મીરનાં અનંતનાગ જિલ્લામાં આજે સવારે સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઇ હતી. સુરક્ષાદળોએ બે આતંકીઓને ઠાર કર્યા છે. આ આતંકીઓ પાસેથી ભારે માત્રામાં હથિયાર અને દારૂ ગોળા સહિત અનેક વિસ્ફટકો મળી આવ્યા છે. સર્ચ ઓપરેશન હજુ પણ ચાલુ છે.

પોલીસે જણાવ્યું કે, ખાનબલનાં મુનિવાદ ગામમાં આતંકીઓ છૂપાયેલા હોવાની બાતમી મળી હતી, ત્યારબાદ આજે સુરક્ષાદળો દ્વારા નાકાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું કે, આતંકીઓએ સર્ચ ઓપરેશન દરિમયાન ફાયરિંગ શરૂ કર્યું હતુ, ત્યારબાદ સુરક્ષાદળોની જવાબી ફાયરિંગમાં બે આતંકી ઠાર કરાયા હતા.

પોલીસે વધુમાં જણાવ્યું કે, આતંકીઓ પાસેથી ભારે માત્રામાં હથિયાર અને જિહાદી સામગ્રી મળી આવી છે. મળી આવેલા દસ્તાવેજો પરથી સ્પષ્ટ થાય છે કે આતંકીઓ પાકિસ્તાનનાં નાગરિક હતા અને આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા હતા.

સેના અને સુરક્ષા દળો દ્વારા હાલમાં હાથ ધરવામાં આવેલા ઓપરેશનના કારણે ત્રાસવાદીઓ ફફડી ઉઠ્યા છે. ત્રાસવાદીઓ હવે તેમની હાજરી પુરવાર કરવા માટેના પ્રયાસ કરી રહ્યા છે. સુરક્ષા દળોને જમ્મુ કાશ્મીરમાં અગાઉ રવિવારે ૨૬મી ઓગષ્ટના દિવસે મોટી સફળતા હાથ લાગી હતી.

જમ્મુ કાશ્મીરના કુપવારા જિલ્લાના હેન્ડવારા વિસ્તારમાં સવારે અથડામણ બાદ ચાર ત્રાસવાદીઓને પકડી પાડવામાં આવ્યા હતા. ઝડપાયેલા ત્રાસવાદીઓ પાસેથી મોટી સંખ્યામાં હથિયારો અને વિસ્ફોટકો પણ જપ્ત કરવામાં આવ્યા હતા.

 ઝડપાયેલા તમામ ત્રાસવાદીઓ નવા આતંકવાદી સંગઠનમાં હાલમાં જ ભરતી થયા હતા અને એલઓસી પાર કરીને પાકિસ્તાન જવાની તૈયારી કરી રહ્યા હતા. સેનાને માહિતી મળ્યા બાદ આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

(3:54 pm IST)