Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

સાઈબર હુમલાનું નવુ નિશાન મોબાઈલ એપ

૭૦ ટકા સાઈબર હુમલા મોબાઈલ એપ્લીકેશન ઉપર થઈ રહ્યા છેઃ ગૃહ મંત્રાલયનો રિપોર્ટ

નવી દિલ્હી, તા. ૨૯ :. સાઈબર હુમલાનું નવુ નિશાન મોબાઈલ એપ બને છે. ગૃહ મંત્રાલયને મળેલ એક રીપોર્ટમાં ચેતવણી અપાઈ છે કે લગભગ ૭૦ ટકા સાઈબર હુમલા મોબાઈલ એપ્લીકેશન પર થાય છે. જ્યારે ૨૮ ટકા બનાવો આવી એપ અથવા ફીશીંગ (ખોટા ઈમેલ, લીંક અથવા કલોનીંગ) દ્વારા છેતરપીંડીના છે. કેન્દ્ર સરકારને મળેલા એક નવા રીપોર્ટમાં આ જાહેર થયુ છે.

આ રીપોર્ટમાં સુરક્ષા એજન્સીઓએ મોબાઈલ એપની સુરક્ષા અને ફીશીંગ બાબતે ચેતવણી આપી છે. ગૃહ મંત્રાલયે જુદી જુદી એજન્સીઓ પાસેથી મળતા રીપોર્ટની જાણકારી મેળવી છે. સંબંધિત એજન્સીઓ અને મંત્રાલયોને કહેવાયુ છે કે તેઓ એપ પરના સાઈબર હુમલાથી બચાવવા માટે સુરક્ષા પ્રબંધોનો ઈન્તજામ કરે. આવી શંકાસ્પદ એપ દ્વારા હેકરો માહિતી મેળવે છે અને પછી છેતરપીંડી કરે છે. એજન્સીઓએ અંગત માહિતી અને ડાટા ચોરીને તેના દુરૂપયોગની શંકા પણ વ્યકત કરી છે. લોકોમાં જાગૃતિ ફેલાવવાની સૂચનાઓ પણ અપાઈ છે.

- સરેરાશ ૩૦ એપ દરેકના મોબાઈલમાં હોય છે.

- ગુગલ પ્લે સ્ટોર પર ૩૮ લાખ એપ

- એપલ સ્ટોર પર ૨૦ લાખ એપ

જ્યાં મોબાઈલ એપની ફીશીંગ, નુકસાનકારક એપ અને ઓછી સુરક્ષાના કારણે એપને નિશાન બનાવાતી હોય તેવા દસ દેશોમાં ભારતનું નામ પણ સામેલ છે.

આટલી સાવધાની રાખવાની જરૂર

(૧) જો તમારા ફોનમાં એન્ટી વાયરસ ન હોય તો ફોન બેંકીંગનો ઉપયોગ ન કરો. જો ફોન હેક થાય અથવા તો વાયરસ એટેક થાય તો અગત્યની જાણકારી લીક થઈ શકે છે.

(૨) જ્યારે તમે કોઈ એપ ડાઉનલોડ કરો ત્યારે કઈ વસ્તુની પરમિશન માંગવામાં આવે છે તેનુ ધ્યાન રાખો. કોઈ એપના એડમીન રાઈટ એટલે કે નિયંત્રણનો અધિકાર કદી પણ ન આપવો.

(૩) એપ હંમેશા વિશ્વસનિય જગ્યાએથી જ ડાઉનલોડ કરો. થર્ડ પાર્ટી સ્ટોરથી એપ ડાઉનલોડ ન કરો અને શંકાસ્પદ લીંકને કયારેય ન ખોલવી.

(૪) કોઈપણ વેબસાઈટ પર જતા પહેલા તપાસી લો કે તેના ડોમેન નામની આગળ એચટીટીપીએસ લખેલ હોય તે સાઈટ પર લેવડદેવડ સુરક્ષિત છે.

(૫) નિષ્ક્રીય એપને મોબાઈલમાં ન રાખવી, કારણ કે તે સ્પેસ તો રોકે જ છે સાથે સાથે તે હેકર્સ માટે સહેલુ ટાર્ગેટ બને છે.

છેતરપીંડીની નવી પદ્ધતિઓ...

- મોબાઈલ બેંકિંગ એપ હેક કરીને પૈસા લુંટવાના બનાવ બેંગ્લોર સહિત ઘણા શહેરોમાં બન્યા છે.

- સોશીયલ મીડીયા ઉપર ખોટા સંદેશ દ્વારા ધર્માર્થે દાન દેવાની અપીલ.

- ઘણી ડેટીંગ અને યાત્રા એપ એવી છે જે સાથી મેળવી આપવાના અથવા ટૂર કરાવવાના બહાને છેતરપીંડી કરે છે.

ઓગષ્ટ-૧૭માં ગૂગલ - એપ્પલ સતર્ક

- ગૂગલ પ્લે સ્ટોર અને એપલ સ્ટોરમાંથી ૩૩૦ મોબાઈલ એપ હટાવી દેવાઈ હતી.

- ઓગષ્ટ ૨૦૧૮માં ફેસબુકે ઓમાવો ડાટા સિકયુરીટી એપ પણ સુરક્ષાના કારણે પાછી ખેંચી હતી.(૨-૧)

(11:39 am IST)