Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

હજુ છે તમારી પાસે ૫૦૦ - ૧૦૦૦ની જૂની રદ્દ થયેલી ચલણી નોટો?

સરકારે જારી કર્યા નવા આદેશ

નવી દિલ્હી તા. ૨૯ : કેન્દ્ર સરકારે આવકવેરા વિભાગ અને એન્ફોર્સમેન્ટ ડાઈરેકટોરેટ (ઈડી)ની પરેશાનીને દૂર કરતા તેમને નક્કી સમય કરતા વધુ સમય સુધી ચલણમાંથી રદ કરવામાં આવેલી ચલણી નોટો રાખવાની મંજૂરી આપી છે. આ માટે નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યાં છે. નાણા મંત્રાલયે આ અંગે નોટિફિકેશન જારી કરીને કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ (સીબીડીટી), કેન્દ્રીય અપ્રત્યક્ષ કર બોર્ડ (સીબીઆઈસી) તથા ઈડીને બંધ થયેલી ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની નોટો રાખવાની પરવાનગી આપી છે.

નિર્દિષ્ટ બેંક નોટ કાયદા ૨૦૧૭ હેઠળ બંધ કરાયેલી બેંક નોટ એક નિશ્ચિત મર્યાદા કરતા વધુ ફકત રિઝર્વ બેંક, તેની એજન્સીઓ અને તેના ધ્વારા અધિકૃત વ્યકિત કે કોર્ટના આદેશ મુજબ જ રાખી શકે છે. વ્યકિતગત રીતે કોઈ પણ વ્યકિત પોતાની પાસે ૧૦થી વધુ જૂની બંધ થયેલી નોટો રાખી શકે નહીં. રિસર્ચ, સંશોધન માટે ૨૫થી વધુ આવી નોટો રાખી શકાય નહીં.

નાણા મંત્રાલયના નોટિફિકેશન મુજબ વિવિધ પ્રવર્તન એજન્સીઓએ કોર્ટ કે કોઈ વિશિષ્ટિ આદેશ વગર ૩૦ ડિસેમ્બર, ૨૦૧૬ (બંધ નોટો બદલવાની છેલ્લી તારીખ)ના રોજ અથવા તેના પહેલા ૫૦૦-૧૦૦૦ની જે પ્રતિબંધિત નોટો જપ્ત કરી હોય. જપ્તિ માટે અધિકૃત દસ્તાવેજો રજુ કરાય ત્યારે  તેમણે આ નોટ જમા કરાવવા કે બદલાવવાની જરૂર હોય છે.

જો કે આ નવા કાયદામાં એવી કોઈ જોગવાઈ નથી કે જેમાં પ્રવર્તન એજન્સીઓ દ્વારા જપ્ત કરાયેલી આ રદ ચલણી નોટોને જમા કરાવવા માટે અધિકાર આપી શકાય. આ પરેશાનીને પહોંચી વળવા માટે સરકારે નિર્દિષ્ટ બેંકનોટ સંબંધિત મુશ્કેલીઓનો અંત લાવવા માટે આદેશ ૨૦૧૮ જારી કર્યો છે. આ માટે સરકારે કાયદાની કલમ ૧૨ હેઠળ પોતાના પાવરનો ઉપયોગ કર્યો છે.

હવે આ આદેશ બાદ અન્ય લોકો સાથે વિવિધ પ્રવર્તન એજન્સીઓ જેમ કે સીબીડીટી, સીબીઆઈસી અને ઈડી જપ્તિને અધિકૃત કરવા સંબંધી દસ્તાવેજ પ્રસ્તુત કરીને બંધ નોટોને રાખી શકશે. સરકારે કાળા નાણા પર અંકુશ લગાવવા માટે અને આતંકવાદીઓને ધન પહોંચતી ગતિવિધિઓને રોકવા માટે ૮ નવેમ્બર ૨૦૧૬ના રોજ ૫૦૦ અને ૧૦૦૦ની નોટો બંધ કરી હતી. લોકોને ત્યારે તેમની પાસે રહેલી નોટો બદલવા માટે ૩૦ ડિસેમ્બર ૨૦૧૬ સુધીનો સમય અપાયો હતો. એનઆરઆઈ લોકોને વધુ સમય અપાયો હતો. (૨૧.૧૨)

 

(11:38 am IST)