Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

યુનિફોર્મ વગર કોર્ટમાં જવાનું એન્જીનીયરને પડયું મોંઘુ

જજે પ હજારનો દંડ ફટકાર્યો

અલ્હાબાદ તા.૨૯: હાઇકોર્ટમાં કેઝયુઅલ ડ્રેસ પહેરીને જવાનું વારાણસી સિંચાઇ વિભાગના એન્જીનીયર વિજય કુશવાહાને મોંઘુ પડી ગયું હતું. કોર્ટે યુનિર્ફોમ પહેર્યા વગર આવવા બદલ તેના પર પાંચ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. સાથે જ તેના સર્વિસ રેકોર્ડમાં પણ તેની નોંધ કરવાનો આદેશ આપ્યો છે. આ એન્જીનીયર પોતાના વિભાગના નિવૃત કર્મચારીના પેંશન કેસ મામલામાં કોર્ટમાં ગયા હતા. કેસની સુનાવણી જસ્ટીસ બી અમિત સ્થાલેકર અને જસ્ટીસ જયંત બેનર્જીની પીઠ કરી રહી છે. એન્જીનીયર જયારે કોર્ટમાં દાખલ થયા ત્યારે તેણે ગુલાબી રંગનો હાફ શર્ટ અને જીન્સનું પેન્ટ પહેર્યું હતું. તેને જોઇને કોર્ટે સવાલ કર્યો કે શું રાજય સરકારના પ્રથમ વર્ગના અધિકારીઓ આ પ્રકારના કપડા પહેરે છે. શું આ સરકાર દ્વારા નક્કી કરાયેલો ડ્રેસ કોડ છે. અમને આશા છે કે સરકારી અધિકારીને એટલી તો ખબર હશે જ કે હાઇકોર્ટમાં હાજર થતા સમયે તેમણે કેવો ડ્રેસ પહેરવો જોઇએ.

કોર્ટે વિજય કુશવાહા પર વ્યકિતગત રૂપે પાંચ હજારનો દંડ ફટકારીને આ રકમ એક મહિનામાં જમા કરાવવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે કહયું કે અમે વિજય કુશવાહાના આ કામની કડક શબ્દોમાં ટીકા કરીએ છીએ. કોર્ટે તેના સર્વિસ રેકોર્ડમાં તેની વિરૂધ્ધની નોંધ કરવા અને સિંચાઇ વિભાગના સચિવને તેની વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે.(૧.૧૦)

 

(11:36 am IST)