Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

સંસદીય સમિતિનો રિપોર્ટ : મોદી સરકારનો નોટબંધીનો નિર્ણય ખોટો

નોટબંધીના નિર્ણયના કારણે દેશના જીડીપીને ૧ ટકાનું નુકસાન થયું: નોટબંધીના કારણે દેશને થયેલા નુકસાનની વિગતો મોદી સરકાર બહાર આવે તેવું ઇચ્છતી નથી

નવી દિલ્હી તા. ૨૯ : નોટબંધીના કારણે દેશને થયેલા નુકસાનની વિગતો મોદી સરકાર બહાર આવે તેવું ઈચ્છતી નથી. નાણા બાબતોની સંસદીય સમિતિના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે મોદી સરકારનો નોટબંધીનો નિર્ણય ખોટો હતો. નોટબંધીના નિર્ણયના કારણે દેશના જીડીપીને ૧ ટકાનું નુકસાન થયું છે. પરંતુ મોદી સરકાર નથી ઇચ્છતી કે આ અહેવાલ સંસદમાં રજૂ થાય અને તેના પર ચર્ચા હાથ ધરાય.

સમિતિમાં ભાજપના સાંસદોની સંખ્યા વધુ હોવાથી આ અહેવાલ નકારી કાઢવામાં આવ્યો છે. આ સમિતિ કોંગ્રેસના સાંસદ વિરપ્પા મોઇલીના નેતૃત્વમાં રચાઇ છે. પૂર્વ વડા પ્રધાન મનમોહનસિંહ પણ આ સમિતિના સભ્ય છે. જોકે આ સમિતિમાં ભાજપના સાંસદોની સંખ્યા વધુ હોવાથી કોઇપણ નિર્ણયમાં ભાજપનો દબદબો રહે છે. હવે ૨૦૧૯માં લોકસભાની ચૂંટણી આવે તે પહેલાં સમિતિમાં ભાજપના સાંસદોના દબાણને કારણે આ રિપોર્ટ સંસદમાં રજૂ થતો અટકાવી દેવાયો છે.

સમિતિના રિપોર્ટને અધ્યક્ષ વિરપ્પા મોઇલીએ માર્ચ ૨૦૧૮માં લીલી ઝંડી આપી હતી. તેમ છતાં રિપોર્ટને સંસદીય સમિતિમાં ચર્ચા માટે રજૂ કરાયો નહોતો. આ સમિતિની રચના એક વર્ષ માટે ૧ સપ્ટેમ્બર ૨૦૧૭ના રોજ કરાઇ હતી. તેની મુદત ૩૧ ઓગસ્ટ ૨૦૧૮ના રોજ પૂરી થઇ રહી છે. નોટબંધી પરના આ રિપોર્ટને સમિતિનો કાર્યકાળ પૂરો થાય તે પહેલાં ચર્ચા માટે હાથ નહીં ધરાય તો આગામી સમિતિમાં તેનું કોઇ મહત્ત્વ રહેશે નહીં.

સૂત્રોના જણાવ્યા અનુસાર સમિતિના અધ્યક્ષ વિરપ્પા મોઇલીએ આ મુદ્દા પર ભાજપના સભ્યો સાથે વાત કરી હતી જેથી નોટબંધીના નિર્ણય પર તૈયાર થયેલા આ રિપોર્ટ પર ચર્ચા થાય અને પ્રસ્તાવ લાવી શકાય પરંતુ ૩૧ સાંસદ ધરાવતી સમિતિમાં ભાજપના ૧૭ સાંસદોએ વિરોધ કરતાં સમિતિમાં ચર્ચા માટે રિપોર્ટ રજૂ કરી શકાયો નહોતો. સમિતિમાં રિપોર્ટ પર ચર્ચા માટે સર્વસંમતિ સાધવામાં નિષ્ફળતા મળી હતી.(૨૧.૬)

(9:41 am IST)