Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

અનેક પ્રકારના ઝંઝાવતો તથા અનહદ પ્રકારની ટીકાને પાત્ર બનેલા એવા અમેરીકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરીકાનો ધ્વજ સોમવારથી એરીઝોનાના સેનેટર સ્વર્ગસ્થ જોન મેકેનના માનમાં અર્ધી કાઠીએ ફરકાવવાનો બહાર પાડેલો વહીવટી હુકમઃ સ્વ. જોન મેકેનના પરિવારના સભ્યોએ તેમની અંતિમયાત્રામાં જોડાવા માટે અમેરીકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને આમંત્રણ ન આપવાનો કરેલો નિર્ણયઃ જયારે ભૂતપૂર્વ પ્રમુખો બરાક ઓબામા, જયોર્જ ડબલ્યુ બુશ તથા ભૂતપૂર્વ ઉપપ્રમુખ જો બાયડનને આમંત્રણ પાઠવતાં તેઓ હાજર રહી શ્રધ્ધાંજલી અર્પણ કરશેઃ ર જી સપ્ટેમ્બર ને રવીવારે સ્વ. જોન મેકેનની દફનવિધી કરવામાં આવશે

 (કપિલા શાહ દ્વારા ) શિકાગોઃ એરીઝોનાના રીપબ્લીકન પાર્ટીના સેનેટર જોન મેકેનનું ૮૧ વર્ષની વયે બ્રેઇન ટયુમરને લઇને રપમી ઓગસ્ટ ને શનિવારના રોજ તેમનું તેમના નિવાસસ્થાને નિધન થયાના સમાચારો અચાનક  બહાર આવતાં અમેરીકામાં  વસવાટ કરતા તમામ રહીશોમાં  ઘેરા શોકની લાગણીઓ પ્રસરી જવા પામી હતી. અને તેમના માનમાં અમેરીકન ધ્વજ અર્ધી કાઠીએ ફરકાવવામાં  આવ્યો હતો પરંતુ આ ધ્વજ સોમવારના રોજ અર્ધી કાઠીએ  ન ફરકતા સમગ્ર અમેરીકામાં વસવાટ કરતા પ્રજાજનોમાં આ પ્રશ્ન એક ચર્ચાનો વિષય બની જવા પામ્યો હતો.

સામાન્ય રીતે જયારે કોઇપણ ચૂંટાયેલા પ્રતિનિધિનું  અવસાન થાય ત્યારે જે દિવસે નિધન થયું હોય તે દિવસે અને તેના બીજા દિવસે ધ્વજ અર્ધી કાઠીએ ફરકાવવામાં  આવે છે અને અમેરીકાના પ્રમુખને મળેલી સત્તાને અન્વયે તેઓ મરનારની અંતિમ વિધીના દિવસો સુધી એક વહીવટી હુકમ બહાર પાડીને  તે ધ્વજ અર્ધી કાઠીએ ફરકતો રહે તેવું જાહેરનામું પ્રગટ કરી શકે છે પરંતુ  ઓગષ્ટ માસની ર૭મી તારીખને સોમવારના રોજ વહેલી સવારે આ ધ્વજ અર્ધી કાઠીને બદલે પોતાના અસલ સ્થાને ફરકતો થતા આ પ્રશ્ન  સમગ્ર અમેરીકામાં  એક ચર્ચાનો વિષય બનવા પામ્યો હતો.

 અમેરીકાના પ્રમુખે આ અંગે એક અલગ રીતે જાહેરનામું પ્રસિદ્ધ કરવું જોઇતું હતુ પરંતુ તેમ  ન કરતા તેઓ સખત પ્રમાણમાં ટીકાને પાત્ર બન્યા હતા. અને અનેક પ્રકારની  ઝંઝાવતોમાંથી પસાર થયા હતા પરંતુ તેમના વિરોધમાં  ટીકાઓ ઉગ્ર બનતા  સત્તાવર રીતે એક જાહેરનામું પ્રસિદ્ધ કરી મરનાર સેનેટર જોન મેકેનની અંતિવિધી થાય તે દિવસ સુધી અમેરીકાનો ધ્વજ અર્ધી કાઠીએ ફરકાવવાનો હુકમ કરતો એક વહીવટી હુકમ  આ અહેવાલ લખાઇ  રહ્યો છે તે દિવસે બહાર પડાતા હવે આ ધ્વજ અર્ધી કાઠીએ  તે દિવસ સુધી ફરકશે.

અમેરીકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તથા એરીઝોનાના સેનેટર જોન મેકેન વચ્ચે રાજકીય વિચાર ધારા અને નિતિઓ અંગે ભારે મતભેદો હતા અને સેનેટર પોતે રાષ્ટ્રિય હિત ધ્યાનમાં રાખીને  સેનેટના ફલોર  અગર પ્રજામાં પોતાના વિચારો રજુ કરતા હતા. તેમના હૈયામાં અને કાર્યમાં હંમેશ  રાષ્ટ્રિય હિત જળવાયેલું રહેતું. અને તેથી  તેઓ અમેરીકાના પ્રમુખની નિતિ તથા  કાર્યવાહીઓના ભારે પ્રમાણમાં ટીકાકાર રહેવા પામ્યા હતા. એક એવો સદગુણ હતો કે તેઓ વિરોધપક્ષના ચુંટાયેલા સભ્યોને સાથે લઇને ચાલવામાં માનતા હતા અને પ્રજા તેમજ રાષ્ટ્ર નું જો સાચુ હિત જળવાયેલું હોય તો  પોતાની પાર્ટીની વિરોધી બની સામે પક્ષ મતદાન કરતા લેશમાત્ર ખચકાતા ન હતા. આવા ઉત્તમ અને ઉચ્ચ પ્રકારની વિચારધારા ધરાવતા સેનેટર જોન મેકેનને આજે અમેરીકાની સમગ્ર પ્રજા યાદ કરે છ અને તેમના તરફ આદરની ભાવના કેળવે છે.

એરીઝોનાના સેનેટર જોન મેકેનની અંતિમ વિધીમાં  અમેરીકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ને હાજર રહેવા માટે તેમના પરિવારના સભ્યો દ્વારા આમંત્રણ અપાનાર નથી અને ભૂતપૂર્વ પ્રમુખો બરાક ઓબામા તથા જર્યોજ ડબલ્યુ બુશ તથા ભૂતપૂર્વ ઉપપ્રમુખ જો બાયડનને ખાસ આમંત્રણ આપવામાં આવેલ છે અને તેઓ તે દિવસે હાજર રહેશે અને પ્રાસંગીક પ્રવચનો કરશે તથા તેમના તરફથી  સેનેટર જોન મેકેનને શ્રધ્ધાંજલી અર્પણ કરશે અને આ સમગ્ર કાર્યક્રમ ૧લી સપ્ટેમ્બર ને શનિવારે યોજવામાં આવનાર છે. અને બીજા દિવસે રવિવારે મેરીલેન્ડ રાજયના અન્નાપોલીસ ટાઉનમાં આવેલ યુએસ નેવી એકાડમીની ભૂમિમા તેમની દફતવિધી કરવામાં આવશે.

સેનેટર જોન મેકેન એરીઝોના રાજયમાંથી  બે વખત હાઉસમાં ચૂંટાયા હતા અને ત્યારબાદ છેલ્લી છ ટર્મથી તેઓ સેનેટર તરીકે પ્રતિનિધિત્વ કરતા આવેલ છે. અને હાલમાં પ ણ તેઓ સેનેટર તરીકે પોતાની ફરજ બજાવતા હતા. તમામ રાજકીય નેતાઓ તથા તેમના મિત્રો તેમના નિધનથી  અત્યંત શોકમગ્ન બની ગયેલ છે અને તેમના આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થનાઓ  કરી રહ્યા છે.

વધારામાં  જાણવા મળેલ છે તેમ આવતા શુક્રવારે અમેરીકાના પાટનગર વોશીંગ્ટનમાં જયારે તેમના મૃતદેહને લાવવામાં આવશે ત્યારે માઇક પેન્સ ઉપપ્રમુખ હાજરી આપશે અને તેમને શ્રધ્ધાંજલી  અર્પણ કરશે  તેમ તેમના ચીફ ઓફ સ્ટાફ જોન કેલી, સરંક્ષણ પ્રધાન જીમ મેટીસ  અને પ્રતિનિધી જોન બોલ્ટન પણ જુદી જુદી ક્રિયાઓમાં હાજરી આપશે.

(10:38 pm IST)