Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

ભારતના જરૂરિયાતમંદ બાળકોની સેવા માટે યુ.એસ.માં ' શેર એન્ડ કેર ' ના ફાઉન્ડર અરુણભાઈ કે.ભણશાલીનું દુઃખદ અવસાન : 21 ઓગ.2018 ના રોજ 76 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા

(દિપ્તીબેન જાની દ્વારા) : ન્યુજર્સી: છેલ્લા 50 વર્ષ ઉપરાંત સમયથી   અમેરિકામાં સ્થાયી થયેલા શ્રી અરુણભાઈ કીર્તિલાલ ભણશાલીનો જન્મ 20 ડિસેમ્બર 1941 ના રોજ ભારતના કલકત્તામાં થયો હતો.જેઓ 1966 ની સાલથી અમેરિકામાં સ્થાયી થયા હતા.  અહીં ઇન્ડિયન ડાયમન્ડ એન્ડ કલરસ્ટોન એસોસિયેશનના સ્થાપક સભ્ય તરીકે, ભારતીય વિદ્યા ભવનના સચિવ તરીકે અને ગુજરાતી લિટરરી એકેડમીના સભ્ય તરીકે અહીંના વેપારી સમુદાય તથા સમગ્ર ભારતીય સમુદાયમાં આદરણીય સ્થાન પામ્યા 

  મધ્યમ વર્ગના પરિવારમાંથી આવેલ  શ્રી ભણસાલીની હંમેશની તમન્ના હતી જરૂરતમંદ લોકોની, ખાસ કરીને ભારતનાં બાળકોની સેવા કરવી તેથી  ૧૯૮૨માં એમણે તથા એમના નજીકના મિત્રોએ સાથે મળીને 'શેર એન્ડ કેર ફાઉન્ડેશન'ની સ્થાપના કરી. ત્યારથી એમના મિત્રો જાણે એમનો પરિવાર બની ગયા હતા.અકિંચન લોકોની સહાય તે એમના જીવનનું લક્ષ્ય અને તેવા લોકોને  સમ્માનભેર જીવવામાં સહાયરૂપ થવું તે એમનો જીવનમંત્ર બની ગયાં. સ્વભાવથી કુતૂહલપ્રિય અરુણભાઈની જ્ઞાનપિપાસા અનેરી હતી. એમને પ્રવાસ, લેખન અને ચિત્રકામનો શોખ હતો પરંતુ શેર એન્ડ કેરનું સ્થાન  એમના હૃદયમાં હંમેશાં સર્વોચ્ચ રહેલું.

   એમના સ્વપ્ન અને નિષ્ઠાને કાર્યરૂપ બક્ષતો એમનો હવે પછીનો પ્રકલ્પ હતો ધ બ્રેકફાસ્ટ રેવોલ્યુશન યુએસએના પ્રમુખ બનવાનો, જેના થકી વંચિત બાળકોને જીવનઘડતરમાં આધારરૂપ થવાની શ્રી ભણસાલીની પ્રતિબદ્ધતા હવે ભવિષ્યમાં પણ જારી રહેશે  શ્રી અરુણભાઈ  એમનાં પત્ની સુધાબેન, પુત્રો મનન અને મૌલિક તથા પૌત્રી કેયા અને પૌત્ર આરન સહિત વિશાળ ચાહકવર્ગને  પોતાની પાછળ વિલાપ કરતા મૂકી ગયા છે.તેવું તેજલ પારેખની યાદી જણાવે છે.

(10:33 pm IST)