Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

બંગાળમાં NRC કવાયતને બહાલી નહીં અપાય : મમતા

૨૦૧૯ ચૂંટણીમાં ભાજપનો સફાયો થઇ જશે : ભારતીય નાગરિકોને વિદેશી તરીકે ગણવા માટે પ્રયાસો

નવીદિલ્હી, તા. ૨૮ : કેન્દ્રમાં ભાજપ સરકાર ઉપર તેજાબી આક્ષેપ કરતા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું હતું કે, પશ્ચિમ બંગાળમાં એનઆરસી કવાયતને કોઇ કિંમતે મંજુરી આપવામાં આવશે નહીં. મમતાએ કહ્યું હતું કે, આગામી ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં ભાજપનો સંપૂર્ણપણે સફાયો થશે. મમતાએ કહ્યું હતું કે, બંગાળમાં અમે આ કવાયતને મંજુરી આપીશું નહીં. ભાજપના નેતાઓ અમને પડકાર ફેંકી રહ્યા છે. જો તેઓ આગળ વધશે તો જવાબ આપવામાં આવશે. રાજ્યમાં હાલની પંચાયત ચૂંટણીનો ઉલ્લેખ કરતા મમતાએ આક્ષેપ કર્યો હતો કે, પાર્ટી રાજ્યમાં શાંતિ સ્થાપિત કરવાની દિશામાં કામ કરી રહી છે. ભાજપને માત્ર થોડીક સીટો મળી છે જેના લીધે તેમની પરેશાની વધી ગઈ છે. સીપીઆઈએમના ગુંડાતત્વો હવે તેમના માટે કામ કરી રહ્યા છે. તૃણમુલ છાત્ર પરિષદ સ્થાપના દિવસ પ્રસંગે આયોજિત એક રેલીને સંબોધતા મમતાએ આ મુજબના આક્ષેપ કર્યા હતા. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, જો નાગરિકોને અહીં વિદેશી તરીકે ગણવામાં આવશે તો તેઓ ચલાવી લેશે નહીં. અમે બંગાળી ટાઇગર છીએ. અમે ભારતીય નાગરિકને વિદેશી ગણવામાં આવે તેને ચલાવીશું નહીં. આસામના એનઆરસી ડ્રાફ્ટનો ઉલ્લેખ કરતા બેનર્જીએ કહ્યું હતું કે, બંગાળી, બિહારી અને હિન્દુઓને અલગ કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આસામમાં ૪૦ લાખ લોકોને અસર થઇ છે. આગામી દિવસોમાં અન્ય રાજ્યોમાં પણ આવી કવાયત હાથ ધરવામાં આવી શકે છે. ઐતિહાસિક એનઆરસી દસ્તાવેજો જારી કરવામાં આવ્યા બાદ બેનર્જીએ કહ્યું હતું કે, ૪૦.૦૭ લાખ લોકોના નામ યાદીમાંથી ગાયબ થઇ ગયા છે.

(7:43 pm IST)