Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

યુપીમાં જે પક્ષને મળ્યો બ્રાહ્મણોનો સાથ તેની જ બની સરકાર

યુપીમાં વોટ બેંકઃ ૧૨ ટકા બ્રાહ્મણો ઉપર તમામ પક્ષની નજર

લખનૌ તા ૨૯: યુપીમાં વિધાનસભાની ૨૦૨૨ની ચૂંટણી  પહેલા ફરી એક વાર તમામ પક્ષોની નજર ૧૨ ટકા બ્રાહ્મણ મતદાતાઓ ઉપર છે. છેલ્લી ૩ વિધાનસભા ચૂંટણી જોઈએ તો જે પાર્ટીના સૌથી વધુ બ્રાહ્મણ ધારાસભ્યો જીત્યા છે તે જ પક્ષની સરકાર બની છે. માટે બ્રાહ્મણોને રીઝવવા માટે બહુજન સમાજ પાર્ટીએ અયોધ્યાથી બ્રાહ્મણ સંમેલનની શરૂઆત કરી છે. ત્યાં જ સમાજવાદી પાર્ટીએ પણ મંગલ પાંડેની ધરતી પરથી પ્રબુદ્ધ સંમેલનનું આયોજન કરવા જઈ રહી છે. સામેલનો દ્વારા બ્રાહ્મણો માટે કરવામાં આવેલા કાર્યોને પણ ગણાવવામાં આવી રહ્યા છે. ચર્ચા છે કે કોંગ્રેસ પણ તેમના દિગ્ગજ નેતા પ્રમોદ તિવારીને મુખ્યમંત્રી પદના દાવેદાર જાહેર કરી માસ્ટર સ્ટ્રોક આપવાની તૈયારીમાં છે.

વર્ષ  ૨૦૧૭માં યુપી વિધાનસભામાં કુલ ૫૮ બ્રાહ્મણ ધારાસભ્યો બન્યા છે. જેમાં ૪૬ ધારાસભ્યો ભાજપના છે. ૨૦૧૨ની ચૂંટણીમાં જયારે અખિલેશ યાદવની પૂર્ણ બહુમતીની સરકાર બની હતી ત્યારે ૨૧ બ્રાહ્મણ ધારાસભ્યો હતા. રાજ્યમાં ૧૧ થી ૧૨ ટકા બ્રાહ્મણ મતદારો છે. જો કે અમુક જિલ્લામાં તેની સંખ્યા ૨૦ ટકા પણ છે. પશ્ચિમ યુપીના હાથરસ, બુલંદ શહેર, મેરઠ, અલીગઢ, પૂર્વાંચલ અને આસપાસના કેટલાક જિલ્લામાં બ્રાહ્મણ મતદાતાઓ નિર્ણાયક રહે છે. હાલમાં મંત્રીમંડળમાં ઉચિત અને મહત્વપૂર્ણ મંત્રાલયનું પ્રતિનિધિત્વ ના હોવું, કથિત એન્કાઉન્ટરમાં કેટલાક બ્રાહ્મણોના મૃત્યુ  અને તમામ સરકારી નિયુકિતમાં પણ બ્રાહ્મણોને નજરઅંદાજ કરવામાં આવી રહ્યા હોવાને લઇ  ભાજપથી બ્રાહ્મણો નારાજ છે.

 યુપીમાં ૬ બ્રાહ્મણ મુખ્યમંત્રી બન્યા

આઝાદી પછી વર્ષ ૧૯૮૯ સુધીમાં યુપીના રાજકારણમાં બ્રાહ્મણોનું વર્ચસ્વ રહ્યું છે. ગોવિંદ વલ્લભ પંત, સુચેતા કૃપલાણી, કમલાપતિ ત્રિપાઠી, હેમવતી નંદન બહુગુણા, શ્રીપતિ મિશ્ર અને નારાયણ દત્ત તિવારી સહીત ૬ નેતા મુખ્યમંત્રી પદ પર રહી ચુક્યા છે. આ તમામ કોંગ્રેસ પક્ષના હતા. ઉલ્લેખનીય છે કે નારાયણ દત્ત તિવારી ૩ વાર યુપીના મુખ્યમંત્રી રહી ચુક્યા છે.

યુપીમાં સક્રિય બ્રાહ્મણ નેતા

ભાજપ - હૃદયનારાયણ દીક્ષિત, ડો. દિનેશ શર્મા, સતીશ દ્વિવેદી, શ્રીકાંત શર્મા, રીતા બહુગુણા જોશી, મહેન્દ્રનાથ પાંડેય, બ્રજેશ પાઠકઃ સપા - માતા-સાદ પાંડેય, અભિષેક મિશ્રા, મનોજ પાંડે, તેજ નારાયણ પાંડેય, પવનઃ બસપા - સતીશચંદ્ર મિશ્ર, વિનય તિવારી, નકુલ દુબેઃ કોંગ્રેસ - પ્રમોદ તિવારી, આરાધના શુકલા.

(3:31 pm IST)