Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

જીએસટીઃ ટર્નઓવરની વિગત પોર્ટલ પર જ દેખાશે

આ સુવિધા ઉભી કરવામાં જીએસટી લાગુ કર્યા પછી ચાર વર્ષ લાગ્યાં : કરદાતાને રિટર્ન ભરવામાં સુવિધા માટે પોર્ટલ પર ૩.૧ નામનું કોષ્ટક જ આવી જશે

નવી દિલ્હી, તા.૨૯: જીએસટીમાં કરદાતાઓ દ્વારા ભરવામાં આવતા દર મહિનાના રિટર્નના આધારે વાર્ષિક ટર્નઓવર કેટલું થાય છે તેની સીધી જ ગણતરી સિસ્ટમ દ્વારા જ કરી દેવામાં આવશે. તેમજ કરદાતાઓને પણ તેની જાણકારી મળી રહે તે માટે કરદાતા જીએસટી પોર્ટલ પર લોગીન થતાની સાથે જ ૩.૧ નામના ટેબલમાં તેની જાણકારી સરળતાથી મળી રહે તેવી સુવિધા ઊભી કરી દેવામાં આવી છે.

જીએસટીમાં કરદાતાઓને ટર્નઓવરના આધારે હવે અલગ અલગ કેટેગરીમાં ઝડપથી તારવી શકાય તે માટેની સુવિધા ઊભી કરવામાં આવી છે. તેમાં કરદાતાઓ દ્વારા ભરવામાં આવતા માસિક અથવા તો ત્રિમાસિક રિટર્નમાં ભરવામાં આવતા ડેટાના આધારે સિસ્ટમ જ તેઓના ટર્નઓવરની ગણતરી કરી દેશે.

તેમજ આ ટર્નઓવર કેટલા રૂપિયાનું છે તેની જાણકારી કરદાતાઓને પણ મળી રહે તે માટે જીએસટીના પોર્ટલ પર જીએસટીઆર ૩બી રિટર્નની સાથે બાજુમાં ૩.૧ નામનું ટેબલ બનાવીને મૂકયું છે, જેથી તે ટેબલમાં કેટલા રૂપિયાનું ટર્નઓવર માસિક અને વાર્ષિક થાય છે તેની જાણકારી સરળતાથી કરદાતાઓને મળી રહેશે.

વેપારીઓને સરળતાથી જાણકારી મળતા રિટર્ન ભરવામાં ભૂલ નહીં થાય

વેપારીઓના ટર્નઓવરની વિગતો હવે ઓનલાઇન જીએસટીના પોર્ટલ પર જ મળી રહેવાના કારણે તેઓને રિટર્ન ભરવામાં પણ સરળતા રહેશે. સાથે સાથે

વેપારીઓના ટર્ર્નઓવરના આધારે સરકારને પણ સારો એવો લાભ થવાનો છે. ટર્નઓવર કરતા ઓછુ રિટર્ન ભયું હશે તો તાત્કાલિક તેને નોટિસ ફટકારીને ખુલાસો પૂછાશે. - અતીત દિલીપ શાહ (સીએ)

રિટર્ન ભરતી વખતે ડેટા મિસમેચ થયા તો નોટિસ પણ મળશે

હાલ તો જીએસટી વિભાગ દ્વારા કરદાતાઓને ટર્નઓવરની જાણકારી મળી રહે તે માટેની સુવિધા ઊભી કરી છે. પરંતુ આગામી દિવસોમાં તે માટેની નોટિસ મળવાની પણ શકયતા નકારી શકાય તેમ નથી, કારણ કે ૧.૫૦ કરોડથી ઓછું ટર્નઓવર ધરાવનારાઓ કપોઝિશન સ્કીમ એટલે કે પાંચ ટકા જ જીએસટી ભરે છે. જેની સામે કેડિટ પરત લેતા નથી. જયારે તેના કરતાં વધુ અને પાંચ કરોડ સુધીનું ટર્નઓવર હોય તેવા કરદાતા ત્રિમાસિક રિટર્ન ભરતા હોય છે. જયારે પાંચ કરોડથી વધુ ટર્નઓવર ધરાવનારા માસિક રિટર્ન ભરતા હોય છે. હવે જે કરદાતાના ટર્નઓવરમાં વધારો થવા છતાં રિટર્ન ભરવામાં તકેદારી નહીં રાખે તો આગામી દિવસોમાં નોટિસ મળવાની પણ શકયતા રહેલી છે.

ટર્નઓવરમાં ઘટાડો થાય તો અધિકારીને જાણ કરવાની રહેશે

જીએસટીના ટર્નઓવરની જાણકારી ઓનલાઇન થવાને કારણે જે વેપારની ટર્નઓવરમાં ઘટાડો થયો હશે તો તેણે જીએસટીના અધિકારીને તેની લેખિતમાં પુરાવા સાથે જાણ કરવાની રહેશે, કારણ કે વેપારીને નોટિસ આપવામાં આવે તે પહેલાં અધિકારીને જાણ કરવામાં આવી હોય તો નોટિસની કાર્યવાહીથી બચી શકે તેમ છે.

(12:58 pm IST)