Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

ઇંધણ - LPG બાદ હવે ટેલીકોમ સેવા મોંઘી થશે

મોબાઇલ યુઝર્સ માટે 'બુરી ખબર' : આવતા ૬ મહિનામાં ફોનનું બિલ ૩૦ ટકા વધી જાય તેવી શકયતા : એરટેલે તો શ્રીગણેશ કરી દીધા : પ્રીપેડ યુઝર્સ માટે એન્ટ્રી પ્લાન ૬૦ ટકા મોંઘો કર્યો : વોડાફોન - આઇડીયાએ અમુક સર્કલમાં ટેરિફ પ્લાન મોંઘા કર્યા : અન્ય કંપનીઓ અનુસરશે : એરટેલે રૂ. ૪૯નો પ્લાન બંધ કર્યો : હવે રૂ. ૭૯નું મીનીમમ રીચાર્જ કરવાનું

નવી દિલ્હી તા. ૨૯ : દેશના કરોડો મોબાઇલ યુઝર્સ માટે સારા સમાચાર નથી. આવતા ૬ મહિનામાં તેના ફોનનું ઓછામાં ઓછું ૩૦ ટકા વધશે. તેનું કારણ એ છે કે ભારતી એરટેલ અને વોડાફોન ઇન્ડિયા તેમના ટેરીફ ઓફર વધારવાની યોજના બનાવી રહ્યા છે. એરટેલે તેમના પ્રીપેડ યુઝર્સ માટે એન્ટ્રી પ્લાન ૬૦ ટકા મોંઘો કરી દીધો છે. પહેલા તે ૪૯ રૂપિયાનો પ્લાન હતો તે હવે ૭૯ રૂપિયા કરી દીધો છે. આવતા ટુંક સમયમાં ટેલીકોમ કંપનીઓ ટેરિફ પ્લાનમાં વધારાની તૈયારીઓ કરી રહ્યું છે.

ઇન્ડસ્ટ્રીના અધિકારીઓ મુજબ વોડાફોન આઇડિયાએ પણ કેટલાક સર્કલ્સમાં આ પ્રકારનો તેનો ટેરિફ પ્લાન મોંઘો કર્યો છે અને ટુંક સમયમાં દેશભરમાં લાગુ કરવાની યોજના છે. ભારે દેણામાં ડુબેલી વોડાફોન ઇન્ડિયાને તેમનું અસ્તિત્વ બચાવા માટે આવું કરવું ખૂબ જ જરૂરી બન્યું છે. ટેલિફોન ઇન્ડસ્ટ્રીના સબ્સક્રાઇબ બેસમાં ૯૦ ટકાથી વધુ પ્રીપેડ યુઝર્સ છે. અગાઉ એરટેલે ગયા સપ્તાહે તેમના એન્ટરપ્રાઇઝ કસ્ટમર્સ માટે એન્ટ્રી લેવલ પોસ્ટપેડ પ્લાનની રકમ વધારવા અને રિટેલ યુઝર્સ માટે પણ ઓફર્સમાં બદલાવ કરવાનો નિર્ણય કર્યો હતો.

વોડાફોન આઇડિયાએ પણ તેમના કોર્પોરેટ કસ્ટમર્સ માટે બિઝનેસ પ્લસ પોસ્ટપેડ પ્લાન હેઠળ ડેટા બેનિફિટસમાં ઘટાડો કર્યો હતો. બંને કંપનીઓ ખાસ કરીને વોડાફોન આઇડિયા ટેરીફ અને એવરેજ રેવેન્યુ પર યુઝર વધારવા પર જોર આપી રહી છે. વિશેષજ્ઞોના જણાવ્યા મુજબ તેનું કારણ એ છે કે ટેલિફોન માર્કેટની સૌથી મોટી કંપની રિલાયન્સ જિયો એઆરપીયુ ગ્રોથની કિંમત પર તેજીથી યુઝર્સને જોડવામાં લાગી છે.

તેઓનું કહેવું છે કે વોડાફોન આઇડિયાને ડિસેમ્બર ૨૦૨૧થી એપ્રિલ ૨૦૨૨ સુધી ૨૨ હજાર કરોડ રૂપિયાથી વધુની ચુકવણી કરવાની છે તેના માટે રોકડની જરૂર છે અને તાત્કાલીક ટેરીફ વધારવાથી જ રોકડ મળી શકે છે. એરટેલનો શેર બીએસઇ પર ૫.૦૮ ટકાની તેજી સાથે ૫૬૭.૯૦ રૂપિયા પર બંધ થયો. જ્યારે વોડાફોન આઇડિયાનો શેર ૦.૪૮ ટકાના ઘટાડાની સાથે ૮.૩૭ રૂપિયા પર બંધ થયો.

એનાલીસીસી મેસનમાં પાર્ટનર તથા ભારત અને મધ્યપૂર્વના હેડ રોહન મખીજાએ કહ્યું કે, ટેરીફ ૩૦ થી ૩૫ ટકા ઉપર જશે. ઇકોનોમીમાં સુધારો આવી રહ્યો છે. કોરોનાની બીજી લહેરની અસર ઓછી થઇ રહી છે. એફોર્ડિબિલિટીમાં કોઇ સમસ્યા થવી જોઇએ નહિ કારણ કે ભારતમાં ટેરિફ ગ્લોબલ બેન્ચમાર્કસથી ઓછો છે. એરટેલ, વોડાફોન - આઇડિયા અને જીયોએ આ અંગે ઇટીના સવાલોનો જવાબ આપ્યો નથી.

(10:47 am IST)