Gujarati News

Gujarati News

News of Wednesday, 29th July 2020

૭ કલાક સુધી ચાલી મથામણ

યુવક રાત્રે સુતો હતો અને પેન્ટમાં કોબ્રા સાપ ઘૂસી ગયો

ઉત્તરપ્રદેશના મિર્ઝાપુરમાં, કોબ્રા સાપ એક વ્યકિતના જિન્સ પેન્ટમાં ઘૂસી ગયો : ત્યાર બાદ આખી રાત યુવાન એક સ્તંભને પકડી ગભરામણમાં ઉભો રહ્યો

લખનૌ,તા.૨૯:જો કે આ પ્રદેશના કેટલાંય જિલ્લાઓમાં વરસાદી માહોલમાં સાપની ઘટના સામાન્ય છે. સાપ ઘરમાં કયાંક અને કયાંક ખેતરોમાં જોવા મળે છે. પરંતુ મિર્ઝાપુરમાં, કોબ્રા સાપ માણસની જિન્સ પેન્ટમાં ઘૂસી ગયો. આ પછી, યુવક ત્યાં આખી રાત કલાકો સુધી ગભરાઈને ઉભો રહ્યો. સવારે એકસપર્ટની મદદથી યુવકના પેન્ટમાંથી સાપને બહાર કાઢવામાં આવ્યો હતો. આ દરમિયાન પોલીસ અને પ્રશાસનની ટીમો સાથે સેંકડો ગ્રામજનો પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પોલીસે સાવચેતીરૂપે એમ્બ્યુલન્સ પણ બોલાવી હતી, જેથી કોઈ પણ અનિચ્છનીય પરિસ્થિતિનો સામનો કરી શકાય.

હકીકતમાં સંપૂર્ણ મામલો જમાલપુર પોલીસ સ્ટેશન વિસ્તારના સિકંદરપુર ગામનો છે. અહીં પ્રાથમિક શાળાના કેટલાક વીજ મજૂરો સૌભાગ્ય યોજના હેઠળ કામ કરી રહ્યાં હતા. અલ્હાબાદમાં રહેતો લવલેશ પણ અહીં હતો. લોકોએ જણાવ્યું કે, રાત્રે ૧૨ વાગ્યાની આસપાસ સૂતા સમયે કોબ્રા સાપ લવલેશની પેન્ટમાં ઘૂસી ગયો હતો. યુવકને જાણ થતાં તે ડરીને કાંપવા લાગ્યો હતો. પણ તેણે સમજણ બતાવી અને ધીરે ધીરે ઊભો થઈને ઘરના થાંભલાના સહારે ઊભો રહી ગયો.

આ પછી, તે આખી રાત લગભગ ૭ કલાક સુધી થાંભલા સાથે ઊભો રહ્યો હતો. સવારે યુવકની સમસ્યા અંગે લોકોને જાણ થઈ હતી. આ દરમિયાન પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.  આ દરમિયાન યુવકને જોવા માટે ગામલોકોનું ટોળું ઘટના સ્થળે એકઠા થઈ ગયું હતું. ઘણા લોકોએ વીડિયો બનાવવાનું શરૂ કર્યું હતું.

પોલીસે કોઈ પણ અનિચ્છનીય ઘટનાને પહોંચી વળવા સ્થળ પર એમ્બ્યુલન્સ પણ બોલાવી હતી. આ પછી, સાપે યુવકની પેન્ટમાંથી મહામહેનતે સાપને બહાર કઢાયો. ધીરે ધીરે જીન્સ કાપવામાં આવ્યું અને પછી સાપ બહાર કાઢવામાં આવ્યો હતો. સદનસીબે આ દરમ્યાન સાપે ડંખ માર્યો ન હતો.

(10:16 am IST)