Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

મહારાષ્ટ્રની ઠાકરે સરકારને મોટો ફટકો :આવતીકાલે થશે ફ્લોર ટેસ્ટ : સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર સરકારની ફ્લોર ટેસ્ટ ન કરવાની અરજી ફગાવી

રાજ્યપાલ કોશિયારીના ફ્લોર ટેસ્ટ કરવાના આદેશને બહાલી : શિવ સેનાના બાગી નેતા શિંદે અને તેના સાથી ધારાસભ્યોને મોટી રાહત : ભાજપ પણ પોતાનું જોર દેખાડવા તત્પર :CM ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપે તેવી સંભાવના

મુંબઈ :  મહારાષ્ટ્રમાં ફ્લોર ટેસ્ટ કરાવવાના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીના ઓર્ડર પર સુપ્રીમમાં સુનાવણી થઈ હતી. શિવસેનાના વકીલ અભિષેક મનુ સિંઘવીએ ફ્લોર ટેસ્ટના રાજ્યપાલના ઓર્ડર પર સ્ટે મૂકવાની સુપ્રીમને વિનંતી કરી હતી.

શિવસેનાના વકીલ અભિષેક મનુ સિંઘવીએ દલીલ કરી હતી કે રાજ્યપાલે ઉતાવળમાં ફ્લોર ટેસ્ટનો આદેશ આપ્યો છે એવા સમયે કે ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાની સુનાવણી 11 જુલાઈએ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહી છે. જો આ ધારાસભ્યોને 11 જુલાઈએ ગેરલાયક ઠેરવવામાં આવે તો શું થશે? "જ્યારે સુપ્રીમ કોર્ટ આ મામલાની સુનાવણી કરી રહી છે, તો પછી ફ્લોર ટેસ્ટ શા માટે? ગેરલાયકાતનો કેસ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. સિંઘવીએ કહ્યું, રાજ્યપાલ શોર્ટ સર્કિટ કરી રહ્યા છે. ન તો સુપ્રીમ કોર્ટ ચુકાદાની રાહ જોઈ રહી છે કે ન તો સ્પીકરના નિર્ણયની રાહ જોઈ  છે.

સુપ્રીમ કોર્ટમાં અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે આટલા ઓછા સમયમાં ફ્લોર ટેસ્ટ કરાવવાનો રાજ્યપાલનો આદેશ ખોટી રીતે કે ખોટા ક્રમમાં કરવા જેવું છે. અભિષેક મનુ સિંઘવીએ કહ્યું, શિવસેનાના 34 ધારાસભ્યના પત્રની ચકાસણી કરવામાં આવી નથી. એ પત્રની સચ્ચાઈ જાણી શકાઈ નથી. શું કોઈએ તેમને આ પ્રકારનો પત્ર લખવા માટે દબાણ કર્યું હતું, જેના માટે રાજ્યપાલે ચકાસણી કરી ન હતી? એક અઠવાડિયા પછી, તેણે કહ્યું કે પત્ર આવી ગયો છે. આના પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે, પરંતુ અમે રાજ્યપાલના વિવેક પર કેવી રીતે સવાલ ઉઠાવી શકીએ.

સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન અભિષેક મનુ સિંઘવીએ કહ્યું, રાજ્યપાલે મુખ્યમંત્રીની સલાહ પર કામ કરવું જોઈએ. પરંતુ તેઓ વિપક્ષના નેતાની સલાહ પર કામ કરી રહ્યા છે. વિપક્ષના નેતા સાંજે તેમને મળે છે અને બીજા દિવસે પત્ર આવે છે કે એક દિવસમાં ફ્લોર ટેસ્ટ છે. રાજ્યપાલે પોતાના પત્રમાં અમને લખ્યું છે કે 7 અપક્ષ ધારાસભ્યો અને વિપક્ષે રાજ્યપાલને પત્ર આપ્યો છે. આ સાથે જ શિવસેનાના 34 ધારાસભ્યોએ રાજ્યપાલને પત્ર લખીને પાર્ટી પર અસંતોષ વ્યક્ત કર્યો છે.

શિવસેનાના વકીલ અભિષેક મનુ સિઁઘવીની દલીલ બાદ એકનાથ શિંદે જૂથના વકીલ એનકે કૌલે પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. કૌલે કહ્યું કે ઉદ્ધવ ઠાકરેની આગેવાની વાળી શિવસેના સરકાર નિરાશ લઘુમતીમાં છે. તેમણે કહ્યું કે ડાન્સ ઓફ ડેમોક્રસી (લોકશાહીનો નાચ) ગૃહમાં જ થાય છે અને આવું કરવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. શિંદેના વકીલે કહ્યું કે સ્પીકર સામે ગેરલાયકાતની દરખાસ્ત પેન્ડીંગ હોય તેટલે કંઈ ફ્લોર ટેસ્ટ ન રોકી શકાય

(10:26 pm IST)