Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

પત્રકારોને તેમના લખાણ, ટ્વીટ અને કહેવા માટે જેલ ન થવી જોઈએઃ યુનોના પ્રવક્તા

ઓલ્ટ ન્યૂઝના સહ-સંસ્થાપક મોહમ્મદ ઝુબેરની ધરપકડને વખોડી કાઢી : સ્ટીફન દુજારિકે કહ્યું કે, વિશ્વ ભરમાં કોઈ પણ સ્થળ પર એ ખૂબ જ મહત્વપૂર્ણ છે કે, લોકોને પોતાને સ્વતંત્ર રીતે વ્યક્ત કરવાની અનુમતિ આપવામાં આવે

નવી દિલ્હી,તા.૨૯ : સંયુક્ત રાષ્ટ્ર પ્રમુખ એન્ટોનિયો ગુતારેસના એક પ્રવક્તાએ ભારતમાં ઓલ્ટ ન્યૂઝના સહ-સંસ્થાપક મોહમ્મદ ઝુબેરની ધરપકડ પર મંગળવારે કહ્યું હતું કે, પત્રકારોને તેમના લખાણ, ટ્વીટ અને કહેવા માટે જેલ ન થવી જોઈએ.

તેમણે જણાવ્યું કે, તે મહત્વપૂર્ણ છે કે, લોકોને કોઈ પણ પ્રકારની સતામણીની ધમકી વગર અભિવ્યક્તિની સ્વંતત્રતા હોવી જોઈએ. ફેક્ટ-ચેકિંગ વેબસાઈટ ઓલ્ટ ન્યૂઝના સહ-સંસ્થાપક ઝુબેરની ૨૦૧૮માં ટ્વીટ દ્વારા ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાના આરોપમાં સોમવારે દિલ્હી પોલીસે ધરપકડ કરી હતી.

તેમને મજિસ્ટ્રેટ સામે હાજર કરવામાં આવ્યા હતા ત્યાંથી તેમને એક દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. પત્રકાર ઝૂબેરની ધરપકડ પર પ્રતિક્રિયા આપતા મહાસચિવના પ્રવક્તા સ્ટીફન દુજારિકે કહ્યું કે, વિશ્વ ભરમાં કોઈ પણ સ્થળ પર એ ખૂબ જ મહત્વપૂર્ણ છે કે, લોકોને પોતાને સ્વતંત્ર રીતે વ્યક્ત કરવાની અનુમતિ આપવામાં આવે. પત્રકારોને ખુદને સ્વતંત્ર રૃપે વ્યક્ત કરવાની અનુમતિ આપવામાં આવે- કોઈ પણ જોખમ અને અત્યાચાર વગર.

દુજારિક ત્યાં ઝૂબેરની ધરપકડ પર જણાવ્યું કે, પત્રકાર જે લખે છે, જે ટ્વીટ કરે છે અને જે કહે છે તેના માટે તેમને જેલ ન થવી જોઈએ. અને તેઓ આ રૃમ સહિત વિશ્વમાં ક્યાંય પણ જઈ શકે છે. સંયુક્ત રાષ્ટ્ર માનવઅધિકાર એજન્સીએ સામાજિક કાર્યકર્તા સીતલવાડની ધરપકડને લઈને ચિંતા વ્યક્ત કરી હતી તથા તેમને તાત્કાલિક મુક્ત કરવાની માગણી કરી હતી.

તેમણે મંગળવારે ટ્વીટ કર્યું હતું કે, અને તીસ્તા સીતલવાડ અને ૨ પૂર્વ પોલીસ અધિકારીઓની ધરપકડ અને કસ્ટડીથી ખૂબ જ ચિંતિત છીએ અને તેમને તાત્કાલિક મુક્ત કરવાની માગણી કરીએ છીએ. ૨૦૦૨ના ગુજરાત રમખાણોના પીડિતો સાથે તેમની સક્રિયતા અને એકતા માટે તેમની સાથે અત્યાચાર ન કરવો જોઈએ.

(8:07 pm IST)