Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

ઈરાનની સાથે ટેન્શન વચ્ચે અમેરિકાના વિમાનો તૈનાત

કતારમાં અમેરિકાએ યુદ્ધ વિમાનો ગોઠવી દીધા :કેટલા વિમાનો ગોઠવ્યા તેને લઈને ભારે સસ્પેન્સની સ્થિતિ

નવી દિલ્હી, તા. ૨૯ :  ઈરાન સાથે વધતી જતી તંગદિલી વચ્ચે પ્રથમ વખત અમેરિકાએ કતારમાં એફ-૨૨ યુદ્ધ વિમાનો તૈનાત કરી દીધા છે. અમેરિકાએ કતારમાં કેટલા વિમાનો તૈનાત કર્યા છે તે સંદર્ભમાં માહિતી મળી શકી નથી. પરંતુ યુદ્ધ વિમાનોની તૈનાતીને ખુબ મહત્વપૂર્ણ જોવામાં આવે છે. અમેરિકાની સેના દ્વારા આ મુજબની માહિતી આપવામાં આવી છે કે, અમેરિકા અને ઈરાનની વચ્ચે યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે. અમેરિકાની વાયુસેનાએ કહ્યું છે કે, અમેરિકા સેના અને તેના હિતોને ધ્યાનમાં લઈને આ નિર્ણય કરાયો છે. ઈરાન સાથે નવેસરના ઘટનાક્રમ બાદ અમેરિકાએ મધ્ય પૂર્વમાં પોતાની સેનાને વધારી દીધી છે. અમેરિકાના યુદ્ધ વિમાન કતારના પાટનગર દોહાની બહાર અલ ઉદીદ બેઝ ખાતે પહોંચી ચુક્યા છે. અધિકારીઓના કહેવા મુજબ યુદ્ધ વિમાન મધ્યપૂર્વમાં નવી સેનાની તૈનાતીનો હિસ્સો છે. ઈરાક અને સિરિયામાં પોતાની સેનાની સુરક્ષા માટે આ તૈનાતી કરવામાં આવી છે. ઈરાની સેના અને તેના સમર્થક દેશોનુ કહેવુ છે કે, અમેરિકા બિન જરૂરી રીતે ઉશ્કેરીજનક કૃત્ય કરી રહ્યુ છે. બીજી બાજુ અમેરિકી અધિકારીઓનુ કહેવુ છે કે, ઈરાની સેના આ ક્ષેત્રમાં અમેરિકી લોકો પર હુમલા કરવાની યોજના ધરાવે છે. ગયા સપ્તાહમાં આ તગદિલી એ સમય વધી ગઈ હતી જ્યારે ઈરાને અમેરિકાના માનવ રહિત ડ્રોન વિમાનને તોડી પાડ્યો હતો. ત્યારબાદથી અમેરિકાએ ઈરાન પર હુમલા કરવાના આદેશ જારી કર્યા હતા. જોકે, છેલ્લી ઘડીએ આદેશને પાછા ખેચી લેવામાં આવ્યા હતા. કટોકટીના કારણે દુનિયાના દેશો ચિતાતુર દેખાઈ રહ્યા છે.

(9:18 pm IST)