Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

જુનના મહિનામાં વરસાદ સરેરાશથી ૩૫ ટકા ઓછો

૧૦૦ વર્ષમાં પાંચમી વખત આવી સ્થિતિ સર્જાઈ : સામાન્ય રીતે જુન મહિનામાં ૧૫૧ મીમી વરસાદ નોંધાય છે : આ મહિનામાં આંકડો ઘટીને ૯૭.૯ મીમી નોંધાયો

નવી દિલ્હી,તા. ૨૯ : મોનસુનની સ્થિતી હજુ પણ દેશ માટે નિરાશાજનક દેખાઇ રહી છે. આ વર્ષે જુન મહિનામાં ખુબ ગરમી નોંધાઇ હતી. સમગ્ર દેશમાં જુનના મહિનામાં વરસાદ સરેરાશ કરતા ૩૫ ટકા ઓછો રહ્યો છે. મહિનાના અંત થવામાં કલાકોનો ગાળો રહ્યો છે ત્યારે આ બાબતની શક્યતા ઓછી દેખાઈ રહી છે કે, વરસાદમાં જે ઘટ રહી છે તે રીકવર થઈ જશે. સામાન્ય રીતે જુનના મહિનામાં ૧૫૧ મીમી વરસાદ નોંધાય છે. પરંતુ આ મહિનામાં હજુ સુધી ૯૭.૯ મીમી વરસાદ નોંધાયો છે. આ મહિનાની પૂર્ણાહુતિ ૧૦૬થી ૧૧૨ મીમી વરસાદની સાથે થવાની શક્યતા છે. ૧૯૨૦ બાદથી આવા ચાર વર્ષ જ આવ્યા છે જ્યારે આ પ્રકારની સ્થિતી રહી છે. વર્ષ ૨૦૦૯માં સૌથી ઓછો ૮૫.૭ મીમી વરસાદ થયો હતો. વર્ષ ૨૦૧૪માં ૯૫.૪ મીમી વરસાદ થયો હતો. વર્ષ ૧૯૨૩માં ૧૦૨ મીમી વરસાદ થયો હતો. વર્ષ ૨૦૦૯ અને ૨૦૧૪ આ બે વર્ષ એવા રહ્યા હતા જ્યારે મોનસુન અલનીનોના કારણે પ્રભાવિત થયો હતો. આ વર્ષે પણ આવી સ્થિતી સર્જાઇ શકે છે. રવિવારના દિવસે એટલે કે આવતીકાલે બંગાળના અખાતમાં ઓછા દબાણના કારણે સ્થિતી સર્જાઇ રહી છે. જેના કારણે જુલાઇ મહિનાના પ્રથમ સપ્તાહમાં ભારે વરસાદ થઇ શકે છે. ૩૦મી જુન બાદ મોનસુનની સ્થિતી વધારે મજબુત બની શકે છે. જુલાઇ મહિનામાં સારો વરસાદ થઇ શકે છે.વરસાદી માહોલ જુલાઇમાં રહી શકે છે. સારા સમાચાર એ છે કે, ૩૦મી જુન સુધી બંગાળના અખાતમાં ઓછા દબાણની સ્થિતિ સર્જાઈ રહી છે. જેના પરિણામ સ્વરૂપે જુલાઈના પ્રથમ સપ્તાહમાં ઓરિસ્સા, મધ્ય ભારત, ઉત્તર-પશ્વિમ ભારતમાં સારો વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગના વરિષ્ઠ અધિકારીનુ કહેવુ છે કે, અમે ૩૦મી જુન બાદ મોનસુનમાં મજબુતીની આશા ધરાવીએ છીએ. આ બાબતની શક્યતા ઓછી છે કે, મોનસુન મધ્ય ભારત, ગુજરાતના બાકીના હિસ્સાઓમાં આગળ વધશે. જુલાઈમાં ઓછા દબાણની પરિણામ સ્વરૂપે મોનસુન શાનદાર રહી શકે છે. ખરીફ પાક માટે પણ જુલાઈ મહિનો મહત્વપૂર્ણ રહે છે. મોનસુનના સૌથી વધુ વરસાદ દ્વારા મહિના તરીકે જુલાઈ મહિનો ગણવામાં આવે છે. ખરીફ પાક સાથે જોડાયેલા ખેડુતો આને લઈને ઉત્સુક રહે છે. જુન મહિનામાં સરેરાશ વરસાદ નહી થવાની શક્યતા છે.

જુનમાં ઓછો વરસાદ

નવી દિલ્હી, તા. ૨૯ : આ વર્ષે જુન મહિનામાં ભીષણ ગરમી પડી હતી. સમગ્ર દેશમાં જુનના મહિનામાં વરસાદ સરેરાશ કરતા ૩૫ ટકા ઓછો રહ્યો છે. આ મહિને વરસાદ ૧૦૬થી ૧૧૨ મીમી સુધી રહી શકે છે. માત્ર ચાર  વખત એવુ બન્યુ છે કે સરેરાશ કરતા ઓછો વરસાદ રહ્યો છે. કયા વર્ષે જુનમાં કેટલો વરસાદ રહ્યો તે નીચે મુજબ છે.

વર્ષ............................. જુન માસમાં વરસાદ (મીમી)

૨૦૦૯......................................................... ૮૫.૭

૨૦૧૪......................................................... ૯૫.૪

૧૯૨૬......................................................... ૯૭.૭

૧૯૨૩.......................................................... ૧૦૨

૨૦૧૯.................................................. ૧૦૬-૧૧૨

(7:36 pm IST)