Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

મુંબઈમાં ભારે વરસાદનો દોર જારી : અલર્ટની થયેલી ઘોષણા

મુંબઈના ભરચક રહેતા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ : ભારે વરસાદના પરિણામસ્વરૂપે મુંબઈ અને પુણેની વચ્ચે દોડતી અનેક ટ્રેનો રદ્દ કરાઈ : કેટલીક ટ્રેન ડાયવર્ટ થઈ : મુંબઈમાં નવ ઈંચથી પણ વધુ વરસાદ

મુંબઈ,તા. ૨૯  : દેશના વાણિજ્ય પાટનગર ગણાતા મુંબઈમાં આજે સતત બીજા દિવસે પણ ભારે વરસાદ જારી રહ્યો હતો. મુંબઈ અને આસપાસના વિસ્તારો તથા મહારાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ વરસાદી માહોલ આજે અંકબંધ રહ્યો છે. મુંબઈમાં વરસાદના પરિણામ સ્વરૂપે જનજીવનને અસર થઈ હતી. પરંતુ ટ્રેન સેવાને કોઈ અસર થઈ ન હતી. ઘાટકોપરમાં આસલફા ગામમાં વરસાદના કારણે ભેખડ ધસી પડવાની ઘટના બની હતી. જ્યારે થાણેમાં અને અન્ય કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વચ્ચે કેટલીક જગ્યાએ વૃક્ષો ધારાશાયી થયા હતા. થાણેમાં વિજળીના કરંટથી એકનુ મોત થયું હતું. હવામાન વિભાગ તરફથી મુંબઈમાં આજે હજુ ભારેથી અતિભારે વરસાદ પડવાની ચેતાવણી જારી કરવામાં આવી છે છેલ્લા ચોવીસ કલાકના ગાળામાં મુંબઈમાં ૨૩૫ મીમીથી વધુ વરસાદ પડી ચુક્યો છે. જે છેલ્લા ૧૦ વર્ષના ગાળામાં છેલ્લા ૨૪ કલાકના ગાળામાં શહેરમાં નોંધાયેલો બીજો સૌથી વધુ વરસાદ છે. મુંબઈ શહેર વરસાદની કરવામાં આવેલી આગાહી મુજબ ૪૯૩ મીમીના સરેરાશ વરસાદમાં માસિક આંકડાને પાર કરે તેવી શક્યતા દેખાઈ રહી છે. ભારે વરસાદના લીધે અનેક જગ્યાએ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ છે. વિમાની સેવાને પણ હાલ કોઈ અસર થઈ નથી. જોકે, ભારે વરસાદ વચ્ચે મુંબઈ અને પુણે વચ્ચે દોડતી કેટલીક યાત્રી ટ્રેનોને રદ્દ કરવામાં આવી ચુકી છે. જે ટ્રેનોને રદ્દ કરવામાં આવી છે તેમાં મુંબઈ-પુુણે પ્રગતિ એક્સપ્રેસ, મુંબઈ-પુણે સિહગઢ એક્સપ્રેસ, ભુસાવાલ-મુંબઈ પેસેન્જર અને પુણે-પાનવેલ પેસેન્જરનો સમાવેશ થાય છે. આ તમામ ટ્રેનો રવિવારના દિવસે ચાલશે નહીં. કેટલીક ટ્રેનોને ડાયવર્ડ કરવામાં આવી છે. જ્યારે મુંબઈ-ભુસાવલ પેસેન્જર ટ્રેનને ૧લી જુલાઈ સુધી રદ્દ કરવામાં આવી છે. શોર્ટસકીટમાં ૨૪ કલાકમાં ૩૯ બનાવો અને વૃક્ષો ધરાશાયી થવાના ૧૦૪ બનાવ નોંધાઈ ચુક્યા છે. મુંબઈમાં જળબંબાકારની સ્થિતિ રહેતા આજે શનિવારના દિવસે પણ અંધાધુની રહી હતી. હવામાન વિભાગના કહેવા મુજબ મુંબઈમાં ભારેથી અતિભારે વરસાદ સોમવારના દિવસે પડી શકે છે. જોકે, વિરામથી સ્થિતિ પણ જોવા મળી શકે છે. કેટલાક વિસ્તારોમાં જ્યા જળબંકાળની સ્થિતિ સર્જાઈ ગઈ છે તેમાં અંધેરી સબવે વિસ્તારનો સમાવેશ થાય છે. પશ્વિમી દરિયાકાંઠા પર મોનસુન જોરદાર રીતે સક્રિય છે. બંગાળના અખાતમાં ઓછા દબાણના લીધે નવી સ્થિતિ સર્જાઈ રહી છે જેથી ૪ જુલાઈ બાદ ફરીવાર ભારે વરસાદ થઈ શકે છે.  હવામાન વિભાગે મુંબઇ અને આસપાસના વિસ્તારો માટે ભારે વરસાદને લઇને એલર્ટની જાહેરાત કરવામાં આવી છે. બીજી બાજુ બીએમસી દ્વારા કોઇ પણ ઘટનાથી બચવા માટે લોકોને મેનહોલ ન ખોલવા માટે સુચના આપી છે. મુંબઇની લાઇફલાઇન સમાન ગણાતી લોકલ ટ્રેન સેવાને કોઇ વધારે અસર થઇ નથી. જો કે કેટલાક સ્થળો પર યાત્રીઓ અટવાઇ ગયા હતા. મુંબઇ મેટ્રોની સેવા યથાવત રીતે જારી રહી હતી. સેન્ટ્રલ લાઇન પર ટ્રેનો ૩૦ મિનિટ મોેડેથી દોડી રહી છે. વેસ્ટર્ન રેલવે દ્વારા ટ્વિટ કરીને કહેવામાં આવ્યુ  છે કે મુંબઇમાં મોનસુનની એન્ટ્રી થઇ ગઇ છે. વેસ્ટર્ન રેલવેના ઉપનગરીય વિસ્તારોમાં ભારે વરસાદ થઇ રહ્યો છે. લોકલ ટ્રેનો સામાન્ય રીતે ચાલી રહી છે. લાંબા સમયથી વરસાદની રાહ જોઇ રહેલા લોકોને વરસાદના કારણે મોટી રાહત થઇ છે. જો કે પાણી ભરાઇ જવાના કારણે તકલીફ પણ આવી રહી છે. અંધેરી અને સાયનમાં ભારે વરસાદ થયો છે. આ ઉપરાંત એરપોર્ટ, પવઇ, એસવી રોડ, વીરા દેસાઇ રોગ વિસ્તારમાં પાણી ભરાઇ ગયા છે. જુહુમાં પણ પાણી ભરાઇ ગયા છે.  જે વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઇ હતી તેમાં તમામ ભરચક રહેતા વિસ્તારોનો પણ સમાવેશ થાય છે. વરસાદના પરિણામ સ્વરુપે ઉપનગરીય વિસ્તારોમાં લોકલ ટ્રેન સ્ટેશનો ઉપર જોરદાર ભીડ જામી હતી. વરસાદ બાદ ટ્રાફિકની હાલત કફોડી બની હતી. હવામાન વિભાગના કહેવા મુજબ આગામી ૩૬ કલાક સુધી મુંબઈના દરિયાકાંઠાના વિસ્તારો અને ખાસ કરીને મુંબઈ, થાણે, રત્નાગીરી અને આસપાસના વિસ્તારોમાં અતિભારે વરસાદ થઇ શકે છે. ભારે વરસાદની ચેતવણી બાદ તંત્ર સાબદુ થઇ ગયું છે.

કઈ ટ્રેનો રદ્દ કરવી પડી

લોકલ ટ્રેન સેવા યથાવત જારી

મુંબઈ, તા. ૨૯  : વાણિજ્ય પાટનગર મુંબઈમાં સતત બીજા દિવસે ભારે વરસાદના લીધે મધ્ય રેલ્વે દ્વારા કેટલીક ટ્રેનોને રદ્દ કરવી પડી હતી. જ્યારે લોકલ ટ્રેન સેવાને મોટાભાગે કોઈ અસર થઈ નથી. મુંબઈ અને પુણે વચ્ચે દોડતી ટ્રેનોને રદ્દ કરવામાં આવી છે. જે ટ્રેનો રદ્દ કરવામાં આવી છે. તે નીચે મુજબ છે.

*    મુંબઈ-પુણે પ્રગતિ એક્સપ્રેસ

*    મુંબઈ-પુણે સિહગઢ એક્સપ્રેસ

*    ભુસાવલ-મુંબઈ પેસેન્જર

*    પુણે-પાનવેલ પેસેન્જર

(7:35 pm IST)