Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

‌હરિયાણાના ફરીદાબાદમાં પ્રદેશ કોંગ્રેસ કમિટીના પ્રવક્તા વિકાસ ચૌધરીની હત્યામાં મહિલા સહિત બે વ્‍યક્તિની ધરપકડ

નવી દિલ્હી: હરિયાણાના ફરીદાબાદમાં 27 જૂનના રોજ હરિયાણા પ્રદેશ કોંગ્રેસ કમિટીના પ્રવક્તા વિકાસ ચૌધરીની હત્યા મામલે પોલીસે આજે બે લોકોની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યાં મુજબ બે આરોપીઓમાંથી એક મહિલા છે. જો કે હજુ મુખ્ય આરોપીની શોધ ચાલુ છે. અત્રે જણાવવાનું કે 27 જૂનના રોજ ફરીદાબાદના સેક્ટર 9માં વિકાસ ચૌધરીની ગોળી મારીને હત્યા કરી દેવાઈ હતી. તે વખતે  તેઓ જીમમાં ગયા હતાં.

ફરીદાબાદના એસીપી જયવીર રાઠીએ ઘટનાની જાણકારી આપતા કહ્યું હતું કે ચૌધરી પર હુમલો તે સમયે થયો જ્યારે તેઓ સેક્ટર 9 સ્થિત પીએચસી જીમની બહાર પોતાની ગાડી  પાર્ક કરી રહ્યાં હતાં. આ ફાયરિંગમાં કોંગ્રેસના નેતાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. હુમલાખોરોએ ગાડીની બંને તરફથી ફાયરિંગ કર્યું હતું. તેમણે જણાવ્યું કે ઘટનાને અંજામ આપનારા હુમલાખોરો સફેદ રંગની ગાડીમાં આવ્યાં હતાં.

તેમના જણાવ્યાં મુજબ ઘટનાસ્થળ પર 12 ગોળીઓના ખોખા મળ્યાં હતાં. જ્યારે સીસીટીવી કેમેરાના ફૂટેજમાં હુમલાખોરો જોવા મળી રહ્યાં છે. રાઠીએ જણાવ્યું હતું કે આ મામલે એવું લાગે છે કે હત્યાનું ષડયંત્ર બહુ પહેલા રચાયું હતું. એટલું જ નહીં તેના માટે કદાચ રેકી પણ કરાઈ હશે કારણ કે વિકાસ ચૌધરીના જીમ જવાની વાત હત્યારાને પહેલેથી ખબર હતી.

પોલીસે જણાવ્યું કે ચૌધરી પર લગભગ 12થી 15 ગોળીઓ છોડાઈ હતી. તેઓ પોતે ગાડી ચલાવીને જીમ પહોંચ્યા હતાં. તેમની સાથે કોઈ નહતું. ગોળી તેમના ગળા, છાતીના ભાગે મારવામાં આવી હતી. હત્યાની આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ. ગોળીનો અવાજ સાંભળતા જ જીમમાં હાજર પૃથલા ગામના નવીન સિંહ સેક્ટર 9ના કેટલાક દુકાનદારોની મદદથી ચૌધરીને સર્વોદય હોસ્પિટલ લઈ ગયાં જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યાં. પોલીસે સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાવીને મૃતદેહ પરિજનોને સોંપી દેવાયું હતું.

(4:44 pm IST)