Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

૧ જુલાઇએ જીએસટીની બીજી વર્ષગાંઠની ઉજવણી

દિલ્હીના આંબેડકર ભવન ખાતે ભવ્ય કાર્યક્રમઃ નાણાપ્રધાન સંબોધન કરશે

નવી દિલ્હી તા.૨૯: સરકાર ગુડ્સ એન્ડ સર્વિસ ટેકસ (જીએસટી)ની બીજી વર્ષગાંઠ ૧ જુલાઇના રોજ ધામધૂમપૂર્વક ઊજવશે. આ માટે ૧ જુલાઇના રોજ એક મોટા સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમારોહને કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમન અને તેમના ડેપ્યુટી અનુરાગ ઠાકુર સંબોધન કરશે.

એક સત્તાવાર નોટિફિકેશન અનુસાર જીએસટીની બીજી વર્ષગાંઠની ઉજવણીના કાર્યક્રમનું આયોજન નવી દિલ્હી ખાતે આંબેડકર ભવનમાં કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં કેન્દ્ર અને રાજ્યના ટેકસ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ પણ જોડાશે. આંબેડકર ભવનમાં આયોજિત આ કાર્યક્રમમાં એક પ્રેઝન્ટેશન રજુ થશે. જીએસટી રિટર્ન ફાઇલ કરવાની નવી પહેલ જે જીએસટીઆર ૩-બી અને જીએસટીઆર-૧નું સ્થાન લેશે અને તે પહેલ ૧ જુલાઇના રોજ શરૂ કરવામાં આવશે.

આ નોટિફિકેશનમાં જણાવાયું છે કે જીએસટી ચોરી પર લગામ કસવા માટે હવે રૂ.૫૦ હજારથી વધુ રકમના માલ પરિવહન માટે ઇ-વે બિલ ફરજિયાત જનરેટ કરવું પડશે. સંસદના સેન્ટ્રલ હોલમાં આયોજિત એક સમારોહમાં ૧૭ સ્થાનિક કર નાબુદ કરીને તેના સ્થાને જીએસટીનો ૩૦ જુન અને ૧ જુલાઇ ૨૦૧૭ની મધરાતથી અમલ કરવામાં આવ્યો હતો. જીએસટીએ ભારતને વન નેશન વન ટેક્ષમાં પરિવર્તિત કરેલ છે.

(4:14 pm IST)