Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

અમરનાથ યાત્રીઓનો પહેલો સંઘ કાલે રવિવારે રવાના

જમ્મુઃ રવિવાર ૩૦ જૂને સવારે અમરનાથની પવિત્ર યાત્રા માટેનો પહેલો જથ્થો રવાના થશે. જો વાતાવરણ સાથ આપશે તો ૩૦ જૂનની સાંજે જ પહેલા જથ્થાના શ્રધ્ધાળુઓ ૧૪૫૦૦ ફુટની ઉંચાઈએ બનતા હિમલીંગના પહેલા દર્શન કરશે. યાત્રામાં સામેલ થનારા લાખો શ્રધ્ધાળુઓની સેવા માટે લખનપુરથી શરૂ કરીને પવિત્ર ગુફા સુધીમાં ૧૫૦થી વધારે લંગરોની વ્યવસ્થા સ્વયંસેવી સંસ્થાઓ દ્વારા કરવામાં આવી છે. એટલુ જ નહિ, સૈન્ય સહિત એક લાખથી વધારે સુરક્ષા કર્મીઓ લગભગ ૬૦ દિવસ સુધી લખનપુરથી માંડીને ગુફા સુધી શ્રધ્ધાળુઓની સેવામાં લાગેલા રહેશે.

રોજ ૧૫૦૦૦ શ્રધ્ધાળુઓને પહેલગામ અન્ે બાલતાલના રસ્તે યાત્રામાં સામેલ થવાની પરવાનગી અપાઈ છે. અત્યાર સુધીમાં લગભગ અઢી લાખ શ્રદ્ધાળુઓએ રજીસ્ટ્રેશન કરાવ્યુ છે અને ઓન ધ સ્પોટ રજીસ્ટ્રેશન પણ એકાદ દિવસમાં ચાલુ થશે.

યાત્રાનો મેઈન બેઝ કેમ્પ જમ્મુના યાત્રા ભવનમાં બનાવાયો છે. જ્યાં છેલ્લા ઘણા દિવસોથી તૈયારીઓને અંતિમરૂપ અપાઈ ચુકયુ છે. જો કે આ વખતે ચોમાસુ અને યાત્રાની શરૂઆત સાથે સાથે થવાથી શ્રદ્ધાળુઓમાં ચિંતા છે કે ખરાબ હવામાનના કારણે યાત્રામાં હેરાનગતિ થશે. બન્ને માર્ગો પર હવામાન વારેઘડીએ બદલાઈ રહ્યુ છે.

જમ્મુથી લઈને બાલતાલ અને પહેલગામ સુધીના યાત્રા માર્ગની સુરક્ષા કેરીપુબને સોંપી દેવાઈ છે. પહેલગામથી ગુફા અને બાલતાલથી ગુફા સુધીના રસ્તાઓ પર સેના અને બીએસએફ પણ સ્થાનિક પોલીસની મદદમાં છે. એક અંદાજ પ્રમાણે કુલ એક લાખથી પણ વધારે સુરક્ષા કર્મીઓ યાત્રા માર્ગ પર તહેનાત કરાઈ ચૂકયા છે. એટલુ જ નહિ રાજ્ય પ્રશાસનથી માંડીને કેન્દ્રીય ગૃહપ્રધાન સુધીના બધાનું ધ્યાન હવે અમરનાથ યાત્રા પર એટલા માટે છે કે તે હવે ધાર્મિકમાંથી રાષ્ટ્રીય યાત્રા બની ચુકી છે અને એટલે જ આતંકવાદીઓની નજર પણ તેના પર છે.

આવનારા લગભગ ૫ થી ૮ લાખ શ્રધ્ધાળુઓ માટે ૧૫૦થી વધુ લંગરોની સ્થાપનાની સાથે સાથે તેમના રહેવાની વ્યવસ્થા પણ અંતિમ ચરણમાં છે. આરોગ્ય સેવાઓને હાઈએલર્ટ પર મુકી દેવાઈ છે કેમ કે છેલ્લા કેટલાક વર્ષોથી દર વર્ષે ૧૦૦થી વધારે યાત્રાળુઓ હૃદય બંધ પડી જવાના કારણે મોતને ભેટે છે.

અધિકારીઓ અનુસાર વાયરલેસ સંદેશા અને માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી મળેલા દસ્તાવેજો દર્શાવે છે કે આતંકવાદીઓનો ડોળો પ્રવાસીઓ અને અમરનાથ યાત્રીઓને નિશાન બનાવવા પર છે. એટલા માટે આ વખતે પહેલાથી જ એમએસજી કમાન્ડોની સાથે સાથે ડ્રોનની પણ મદદ લેવાય રહી છે. આતંકવાદીઓ અને તેમની હરકતો પર નજર રાખવા વાયુસેનાની મદદ પણ માંગવામાં આવી. આવુ કરવાનું કારણ એ છે કે અમરનાથ યાત્રા કેટલાય પહાડો પરથી પસાર થાય છે અને પહાડોમાં દરેક જગ્યાએ સૈનિકો તહેનાત ન થઈ શકે. આ જ રીતે નેશનલ હાઈવે પર પણ અમરનાથ યાત્રાના જથ્થાની સુરક્ષા માટે વાયુ સેનાના લડાયક હેલીકોપ્ટરો પણ તહેનાત કરવામાં આવ્યા છે.

(3:25 pm IST)