Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

આવતા મહિને આવશે ઓબીસી સબ કેટેગરીનો રિપોર્ટ

કેટલી કેટેગરી બનાવવી તેના પર ચાલી રહી છે વિચારણા

નવી દિલ્હી, તા. ૨૯ :. ઓબીસીમાં સબ કેટેગરી નક્કી કરવા માટે રચવામાં આવેલ કમિશન ૨૦ જુલાઈ સુધીમાં પોતાનો અંતિમ રિપોર્ટ કેન્દ્ર સરકારને સોંપી દેશે. સુત્રો અનુસાર સરકારે રીપોર્ટ જલ્દી આપવા માટે કમિશનને કહ્યું છે. આ કમિશનની રચના ૨ ઓકટોબર ૧૯૧૭ના રોજ કરાઈ હતી અને અત્યાર સુધીમાં તેને સાત વાર એકસ્ટેન્શન અપાઈ ચુકયુ છે. જસ્ટિસ રોહિણીના નેતૃત્વવાળા આ કમિશનના રિપોર્ટના આધારે ઓબીસીને મળતા ૨૭ ટકા કવોટાની અંદર અલગ અલગ કેટેગરી બનાવવાનો રસ્તો સાફ થઈ શકે છે. સૂત્રો અનુસાર, રિપોર્ટ રજૂ થયા પછી સરકાર તેની કાયદાકીય, સામાજીક અને રાજકીય બારિકીઓનો અભ્યાસ કરવા માટે ગ્રુપ ઓફ મિનીસ્ટર્સને મોકલશે. આ રિપોર્ટની બહુ મોટી રાજકીય અસર ઉભી થઈ શકે છે.

સૂત્રો અનુસાર ઓબીસી કેટેગરીને કેટલી સબ કેટેગરીમાં વહેંચવી તે અંગે વિચારણા ચાલી રહી છે. કમિશનને જાણવા મળ્યુ છે કે ઓબીસીની લગભગ ૫૦૦ નાની મોટી એવી જાતિઓ છે જેને અત્યાર સુધીમાં ૨૭ ટકા અનામતમાંથી માત્ર ૨ થી ૩ ટકા જ લાભ મળ્યો છે. જ્યારે ૫૦૦ એવી જાતિઓ છે જેને આ લાભ લગભગ શૂન્ય જેવો જ મળ્યો છે. આ લગભગ એક હજાર જાતિઓને અલગ કરીને તેમની એક સબ કેટેગરી બનાવવી કે તેમની પણ અલગ સબ કેટેગરી બનાવવી તે અંગે મથામણ ચાલે છે.

આની સૌથી વધુ અસર યુપી, રાજસ્થાન, તમિલનાડુ અને મધ્યપ્રદેશમાં થઈ શકે છે. બિહાર, મહારાષ્ટ્ર, કર્ણાટક જેવા રાજ્યોમાં સબ કેટેગરીનું કામ થઈ ચુકયુ છે. બિહારમાં નિતીશકુમારે જ્યારે આવી સબ સેકેટરીઓ બનાવી હતી ત્યારે તેને તેમનો સૌથી મોટો રાજકીય દાવ માનવામાં આવ્યો હતો

(11:39 am IST)