Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

મમતાનો ખતરનાક નિર્ણય

મુસ્લિમ વિદ્યાર્થીઓ અલગ ડાઈનિંગ હોલમાં જમશેઃ ભારે વિવાદ

કોલકાત્તા, તા.૨૯: પશ્વિમ બંગાળ સરકારે ફરી એક વખત વિવાદાસ્પદ નિર્દેશ જાહેર કર્યો છે. જેને લઈને રાજકારણ ગરમાયું છે અને ભાજપ દ્વારા તીખી પ્રતિક્રિયા આપવામાં આવી છે. મમતા સરકારના અલ્પસંખ્યક મંત્રાલયના મદરેસા વિભાગ દ્વારા એક નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સરકારી સ્કૂલોને નિર્દેશ આપવામાં આવ્યાં છે કે, તે મિડ ડે મીલ માટે મુસ્લિમ વિદ્યાર્થીઓ માટે અલગથી ડાઇનિંગ હોલ રિઝર્વ કરે. આ આદેશ એ જ સરકારી સ્કૂલો પર લાગુ થશે જેમાં મુસ્લિમ વિદ્યાર્થીઓની સંખ્યા ૭૦ ટકા અથવા તેનાથી વધારે હોય.

આ યોજના માટે મમતા બેનર્જીની સરકારે જે સ્કૂલો ૭૦ ટકાથી વધારે મુસ્લિમ વિદ્યાર્થીઓ હોય તેવી તમામ સ્કૂલો પાસેથી વિદ્યાર્થીઓનો ડેટા મંગાવ્યો છે. આદેશને લાગુ કરવા માટેની જવાબદારી મદરેસા શિક્ષણ વિભાગ અને અલ્પસંખ્યક આયોગને આપવામાં આવી છે.

બીજી તરફ પશ્યિમ બંગાળમાં ભાજપ અધ્યક્ષ દિલિપ દ્યોષે કહ્યું છે કે, ધર્મના આધારે વિદ્યાર્થીઓ સાથે આ પ્રકારનો ભેદભાવ કેમ કરવામાં આવી રહ્યો છે? આ પ્રકારના ભેદભાવ પાછળ સરકારનો કોઈ બદઈરાદો હોય તો નવાઈ નહી. મમતા સ્કૂલો મારફતે ધર્મ આધારિત ભેદભાવને પ્રોત્સાહન આપી રહી છે.

ઘોષે ટ્વિટ કર્યું કે, પશ્યિમ બંગાળ સરકારે એક પરિપત્ર જાહેર કર્યો છે જેના હેઠળ તેમણે સ્કૂલ અધિકારીઓને નિર્દેશ આપ્યો છે કે, જયાં ૭૦ ટકાથી વધુ વિદ્યાર્થીઓ મુસ્લિમ સમુદાયના હોય તેમના બેસવા માટે અલગ ડાઇનિંગ હોલ આરક્ષિત કરવામાં આવે.

મહત્વનું છે કે, બંગાળના મુખ્યપ્રધાન અવારનવાર ભાજપ પર તુષ્ટિકરણ કરવાનો આરોપ લગાવતી આવી છે, પરંતુ આજે જાહેર કરેલા નિર્દેશ બાદ ભાજપને મમતા વિરુદ્ઘ મોરચો ખોલવાની તક મળી ગઈ છે.

(10:03 am IST)