Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

વન નેશન વન કાર્ડને લાગૂ કરવા મોદી સરકાર તૈયાર

દેશમાં કોઇપણ જગ્યાએ રેશનિંગનો લાભ મળશે : ભ્રષ્ટાચાર ઉપર અંકુશ મુકાશે : ગરીબોને સબસિડીવાળા રેશનિંગથી વંચિત રહેવાની જરૂર પડશે નહીં : રામવિલાસ પાસવાન

નવી દિલ્હી, તા. ૨૮ : મોદી સરકાર  વન નેશન વન કાર્ડ નારાની સાથે એક મોટુ પગલુ લેવા જઈ રહી છે. આનાથી ભ્રષ્ટાચાર ઉપર સંપૂર્ણપણે અંકુશ મુકાશે. સાથે સાથે રોજગાર અથવા તો અન્ય કારણોસર એક સ્થળથી બીજા સ્થાન પર જતાં ગરીબોને સબસિડીવાળા રાશનથી વંચિત રહેવાની જરૂર પડશે નહીં. કેન્દ્ર સરકારે આ અંગેની જાહેરાત કરી દીધી છે.

આ પરિવર્તનથી એકથી વધારે કાર્ડ ધરાવતા લોકો ઉપર બ્રેક મુકાશે. આવી તમામ શક્યતા ખતમ થઇ જશે. કેન્દ્રીય ખાદ્યમંત્રી રામવિલાસ પાસવાનના નેતૃત્વમાં ખાદ્ય સચિવોની બેઠકમાં આ નિર્ણયને ઝડપથી અમલી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પ્રવાસી મજુરોને આનો સૌથી વધારે લાભ મળશે. પાસવાને દાવો કરતા કહ્યું છે કે, આવા લોકોને પૂર્ણ ખાદ્ય સુરક્ષા મળશે. આનાથી લાભાર્થીઓને સ્વતંત્રતા પણ મળશે. કારણ કે, આ લોકો એક જ પીડીએસ દુકાન સાથે બંધાયેલા રહેશે નહીં. આનાથી ભ્રષ્ટાચાર ઉપર પણ અંકુશ મુકાશે. આ લક્ષ્યને હાંસલ કરવા માટે ખાદ્ય મંત્રાલય દ્વારા તમામ કાર્ડ એક કેન્દ્રીય ડેટાબેઝમાં તૈયાર કરવામાં આવશે જે ડુપ્લીકેટ કાર્ડને દૂર કરવામાં મદદરુપ થશે. ખાદ્ય મંત્રાલયનું કહેવું છે કે, રિયલ ટાઇમ ઓનલાઈન ડેટાબેઝ આંધ્રપ્રદેશ, ગુજરાત, હરિયાણા, ઝારખંડ, કર્ણાટક, કેરળ, રાજસ્થાન જેવા રાજ્યોમાં પહેલાથી જ અમલી છે. રેશનિંગ કાર્ડના રિયલ ટાઈમ ઓનલાઇન ડેટાબેઝ (ઇન્ટીગ્રેટેડ મેનેજમેન્ટ ઓફ પીડીએસ) તૈયાર કરવાની યોજના ચાલી રહી છે. તેલંગાણા અને આંધ્રપ્રદેશના લાભાર્થી બે મહિનામાં બંનેમાંથી કોઇ રાજ્યમાં રેશનિંગનો લાભ ઉઠાવવાની સુવિધા મેળવી શકશે. હાલમાં એફસીઆઈ, સીડબલ્યુસી અને એસડબલ્યુસી મારફતે ગોડાઉનમાં મુકવામાં આવતા ૬.૧૨ કરોડ ટન અનાજનો જથ્થો દર વર્ષે ૮૮ કરોડ લાભાર્થીઓને આપવામાં આવે છે.

 

(8:59 am IST)