Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

સર્જિકલ સ્ટ્રાઇકનો નિર્ણય સંપૂર્ણ રીતે રાજનીતિક નેતૃત્વનો હતોઃ આ નિર્ણય ઉપર સેના સંપૂર્ણ રીતે સહમત હતી, ભવિષ્‍યમાં પણ પાકિસ્‍તાનને જડબાતોડ જવાબ આપીશુંઃ સર્જિકલ સ્‍ટ્રાઇકનું નેતૃત્‍વ કરનાર અધિકારીનો ખુલાસો

નવી દિલ્હીઃ 2016માં કરાયેલી સર્જિકલ સ્ટ્રાઇકનો વીડિયો સામે આવતાં રાજનીતિમાં ગોળીબારી શરૂ થઇ છે. કોંગ્રેસ આને ભાજપની ચાલ ગણાવી રહ્યું છે તો ભાજપ કોંગ્રેસના નેતાઓના નિવેદનો બદલ માફી માંગવા કહી રહ્યું છે. પરંતુ સર્જિકલ સ્ટ્રાઇકને અંજામ આપનારા સેનાના અધિકારીએ આ મામલે મહત્વનો ખુલાસો કર્યો છે. સર્જિકલ સ્ટ્રાઇકનું નેતૃત્વ કરનાર અધિકારી પૂર્વી નોર્ધન આર્મી કમાન્ડર લેફ્ટિનેન્ટ જનરલ (રિટાયર્ડ) ડીએસ હુડાએ કહ્યું કે આ નિર્ણય રાનીતિક નેતૃત્વનો હતો. 

આ મામલે સતત ખેંચતાણ ચાલી રહી છે. તમામ રાજકીય પક્ષો પોતાની રીતે આ મામલે આગળ રજૂ કરી રહ્યા છે. વિપક્ષી દળે આ વીડિયોના સમય પર સવાલ ઉઠાવતાં ભાજપ સામે નિશાન સાધ્યું છે. ભાજપ નેતા કોંગ્રેસની આ મામલે ટીકા કરી રહ્યા છે. જોકે અત્યાર સુધી એ વાત સામે નથી આવી રહી કે છેવટે આ વીડિયો સામે આવ્યો કેવી રીતે અને ક્યાંથી આવ્યો

ચર્ચા અને વિવાદના આ ઝંઝાવાત વચ્ચે આર્મી કમાન્ડર જનરલ (રિટાયર્ડ) ડીએસ હુડાએ કહ્યું કે આ નિર્ણય સંપૂર્ણ રીતે રાજનીતિક નેતૃત્વનો હતો. આ નિર્ણય પર સેના સંપૂર્ણ રીતે સહમત હતી. કારણ કે અમે કંઇક કરવા ઇચ્છતા હતા. હુડ્ડાએ કહ્યું કે, આપણો ભવિષ્યમાં પણ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવા ઇચ્છીએ છીએ તો સર્જિકલ સ્ટ્રાઇક બીજી વખતે પણ કરી શકીએ છીએ. 

બુધવારે રાતે સામે આવેલા વીડિયો બાદ આરોપ પ્રત્યારોપણનો દોર શરૂ થયો છે. કોંગ્રેસ તરફથી પ્રવક્તા રણદીપ સુરજેવાલે આ માટે સેનાના વખાણ કર્યા પરંતુ ભાજપને આડે હાથ લેતાં કહ્યું કે, તે સૈનિકોની શહાદત અને બલિદાન પર રાજકારણ રમી રહ્યા છે. 

તો બીજી તરફ ભાજપે આ આરોપો મામલે જવાબ આપતાં કેન્દ્રિય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે, કોંગ્રેસ સતત સર્જિકલ સ્ટ્રાઇક અંગે સવાલ ઉઠાવી રહી છે. જેમાં પાકિસ્તાની આતંકવાદીઓને ખુશી મળી રહી હશે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સર્જિકલ સ્ટ્રાઇકને લોહીની દલાલી જેવા શબ્દો પણ કહ્યા હતા. એમના માતા સોનિયા ગાંધી અગાઉ મોતના સોદાગર જેવા શબ્દો પ્રયોગ પણ કરી ચૂક્યા છે. 

(6:11 pm IST)