Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

શિમલાના છૈલામાં બસ ડ્રાઇવરની લાપરવાહીથી ૮ મુસાફરોનો ભોગ લેવાયોઃ બાયપાસને બદલે જુના રોડ ઉપરથી બસ લઇ જતા અકસ્માત સર્જાયો

શિમલાઃ હિમાચલ પ્રદેશના શિમલામાં છૈલામાં બસ દુર્ઘટનામાં મોટી લાપરવાહી સામે આવી છે. જાણકારી મળી રહી છે કે, ડ્રાઈવરે મનમાની કરી રૂટ બદલી દીધો હતો અને તે બાયપાસ જવાને બદલે જુના રોડ પરથી બસ લઈને જઈ રહ્યો હતો. કેટલાક પ્રત્યસદર્શિયોનું કહેવું છે કે, જ્યારે બસ વળાંક લઈ રહી હતી ત્યારે બસનું ટાયર ખુલી ગયું હતું. આ દુર્ઘટનામાં બસ ચાલકનું પણ મોત નિપજ્યું છે.

શિમલાથી ચાલીસ કિલોમીટર દુર છૈલા પાસે આ દુર્ઘટના સર્જાઈ છે. દુર્ઘટનામાં કુલ આઠ લોકોના મોત નિપજ્યા છે. અને 20 લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેમાં 12 લોકોને શિમલાની આઈજીએમસી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. 8 ઈજાગ્રસ્તોને ઠિયોગ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. મરનાર લોકોમાં 5 પુરૂષ અને ત્રણ મહિલા છે.

HRTCની આ બસ શિમલાથી રોહ્ડના ટિક્કર જઈ રહી હતી. શિમલાના એએસપી પ્રવીર શર્માએ જણાવ્યું કે, સવારે સાડા આઠ કલાકે આ દુર્ઘટના સર્જાઈ છે. જેમાં આઠ લોકોના ઘટના સ્થળ પર જ મોત નિપજ્યા છે. બસમાં કુલ 28 લોકો સવાર હતા. હિમાચલના સીએમએ પણ ટ્વીટ કરી શોક વ્યક્ત કર્યો છે.  

(5:56 pm IST)