Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

સુસાઇડ એટેક કરવા ભયાનક યોજના : બાળકોના શરીર પર વિસ્‍ફોટકો બાંધી ફૂંકી મરાશે?

છોકરીઓને ભણાવતી સંસ્‍થાઓ આંતકીઓના નિશાન પર : મદરેસામાં ભણી રહેલ બાળકોનો ઉપયોગ કરવાનું શરૂ?

યુનો તા. ૨૯ : પાકિસ્‍તાનમાં આતંકી સંગઠનોએ બાળકોને આતંકી તાલીમ આપવાનું ચાલુ રાખ્‍યું છે અને તેમનો આત્‍મઘાતી હુમલામાં ઉપયોગ કરી રહ્યાં છે તેમ સંયુક્‍ત રાષ્ટ્રના અહેવાલમાં જણાવવામાં આવ્‍યું છે. આ અહેવાલ મુજબ આતંકી સંગઠનો મદરેસામાં ભણતા બાળકોનો પણ આતંકી પ્રવૃત્તિઓમાં ઉપયોગ કરી રહ્યાં છે.

યુએન સેક્રેટરી જનરલ ઓન ચિલ્‍ડ્રન એન્‍ડ આર્મ્‍ડ કોન્‍ફિલક્‍ટના વાર્ષિક અહેવાલમાં જણાવવામાં આવ્‍યું છે કે પાકિસ્‍તાનના આતંકી સંગઠનોએ આત્‍મઘાતી હુમલો કેવી રીતે કરવો તે અંગેનો વીડિયો જારી કર્યો છે. જાન્‍યુઆરીથી ડિસેમ્‍બર, ૨૦૧૭ સુધીના સમયગાળા માટે જાહેર કરવામાં આવેલા આ અહેવાલમાં જણાવવામાં આવ્‍યું છે કે પાકિસ્‍તાનમાં યુનાઇટેડ નેશન્‍સને આતંકી સંગઠનો દ્વારા બાળકોની ભરતી કરવાના અહેવાલ મળતા રહે છે.

આતંકી સંગઠનો દ્વારા જે બાળકોને તાલીમ આપવામાં આવી રહી છે તેમાં મદરેસાના બાળકો પણ સામેલ છે. અહેવાલ મુજબ જાન્‍યુઆરીમાં તેહરિકે તાલિબાન પાકિસ્‍તાને એક વીડિયો જાહેર કર્યો હતો જેમાં છોકરીઓ સહિતના બાળકોને આત્‍મઘાતી હુમલો કરવાની તાલીમ આપવામાં આવી રહી હતી. સંયુક્‍ત રાષ્ટ્ર મહાસચિવ એન્‍ટોનિયો ગુટેર્સે પાકિસ્‍તાનમાં આતંકી સંગઠનો દ્વારા શાળાઓને નિશાન બનાવવા અંગે ચિંતા વ્‍યક્‍ત કરી હતી.

ઉલ્લેખનીય છે કે આતંકી સંગઠનો છોકરીઓને શિક્ષણ આપતી સંસ્‍થાઓને નિશાન બનાવી રહ્યાં છે. તેમણે પાકિસ્‍તાન સરકારને નિર્દેશ આપ્‍યા છે કે તે શાળાઓને આતંકીઓથી સુરક્ષિત બનાવવા માટે તાત્‍કાલિક જરૂરી પગલાં ભરે. ઉલ્લેખનીય છે કે ફેબુ્રઆરી મહિનામાં સિંધ પ્રાંતમના સેહવાનમાં કરાયેલા આત્‍મઘાતી હુમલામાં ૨૦ બાળકો સહિત ૭૫ લોકોનાં મોત થયા હતાં. ૨૦૧૭માં આતંકીઓએ આઠ શૈક્ષણિકસંસ્‍થાઓને નિશાન બનાવી હતી જે પૈકી ચાર છોકરીઓને શિક્ષણ આપતી હતી.

(12:50 pm IST)