Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

અમરનાથ યાત્રા : પહેલા દિવસે ૧૦૦૭ શ્રધ્‍ધાળુઓએ કર્યા દર્શન

બીજા જથ્‍થાને ન મળી મંજૂરી

જમ્‍મુ તા. ૨૯ : કડક સુરક્ષા વચ્‍ચે અમરનાથ યાત્રાનો ગુરૂવારથી વિધિવત પ્રારંભ થઇ ગયો છે. યાત્રાના પ્રથમ દિવસે વરસાદ તેમજ ખરાબ વાતાવરણ વચ્‍ચે શ્રધ્‍ધાળુઓના પ્રથમ જથ્‍થાએ દર્શન કર્યા. જો કે રાજયપાલ દર્શને આવતાં મોડું થતા શ્રધ્‍ધાળુઓને પવિત્ર ગુફા સુધી પહોંચ્‍યા બાદ પણ રાહ જોવી પડી હતી.

અમરનાથ યાત્રાના રૂટ પર છેલ્લા ૩૨ કલાકથી ધીમી ધારે વરસાદ અવારનવાર દસ્‍તક આપી જાય છે. જેના કારણે ઘણી વખત અમરનાથ યાત્રાનો રસ્‍તો બંધ કરવો પડે છે. હાલમાં પણ વરસાદના કારણે બીજા જથ્‍થાને યાત્રાની મંજૂરી આપવામાં આવી નથી.

ખરાબ હવામાનને લઇને અમરનાથ યાત્રાના પ્રથમ દિવસે માત્ર ૧૦૦૭ શ્રધ્‍ધાળુઓ ગુફા મંદિરમાં બાબાના દર્શન કરી શક્‍યા હતા. શ્રી અમરનાથા સાઇન બોર્ડના પ્રવક્‍તાએ જણાવ્‍યું કે ગઇકાલે સવારથી જ વરસાદ પડી રહ્યો હોવાથી યાત્રા મોડી શરૂ કરવામાં આવી હતી.

યાત્રાના બંને માર્ગો, બાલટાલથી ૧૩૧૬ શ્રધ્‍ધાળુ અને પહલગામથી માત્ર ૬૦ શ્રધ્‍ધાળુઓ યાત્રા શરૂ કરી શક્‍યા હતા. તેમણે જણાવ્‍યું કે ગઇકાલે સાંજ સુધીમાં માત્ર ૧,૦૦૭ શ્રધ્‍ધાળુ જ દર્શન કરી શક્‍યા હતા.

(10:53 am IST)