Gujarati News

Gujarati News

News of Friday, 29th May 2020

જિઓમાં માઈક્રોસોફ્ટ કરશે ૨ અબજ ડોલરનું મૂડીરોકાણ

રિલાયન્સ જિઓમાં ઈન્વેસ્ટર્સની લાગી લાઈન : ભારતીય કંપની રિલાયન્સ જિઓમાં માઇક્રોસોફ્ટ ૨.૫ ટકા ભાગીદારી ખરીદવા માટે તૈયાર છે : અહેવાલ

નવી દિલ્હી, તા. ૨૯ : કોરોના સંકટ કાળનો ઉપયોગ મુકેશ અંબાણી પોતાની નેટ ડેટ ફ્રી કરવાની દિશામાં કર્યાે. પાંચ સપ્તાહની અંદર જિઓને પાંચ રોકાણકારો મળ્યા અને આ રોકાણકારોએ કંપનીમાં ૧૦ અબજ ડોલર (લગભગ ૭૫ હજાર કરોડ રૂપિયા)નું ઇન્વેસ્ટમેન્ટ કર્યું. હવે મળતી જાણકારી મુજબ, માઈક્રોસોફ્ટ પણ જિઓમાં ૨ અબજ ડૉલર(લગભગ ૧૫ હજાર કરોડ રૂપિયા) ઇન્વેસ્ટ કરી શકે છે. આ ડીલને લઈને હાલ વાતચીત ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, માઈક્રોસોફ્ટ ડિજિટલ પેમેન્ટ સર્વિસ સ્પેસમાં ઇન્વેસ્ટમેન્ટની શક્યતા શોધી રહી છે. રિલાયન્સ જિઓમાં કંપની ૨.૫ ટકા ભાગીદારી ખરીદવામાં રસ બતાવી રહી છે. ફ્રેબુઆરીમાં માઈક્રોસોફ્ટના સીઈઓ સત્ય નાડેલાએ કહ્યું હતું કે, તેઓ રિલાયન્સ જિઓની સાથે ડેટા સેન્ટર બિઝનેસમાં પાર્ટનરશીપ કરવા ઈચ્છે છે.

          જિઓ માઈક્રોસોફ્ટના અઝૂરે ક્લાઉડ સર્વિસની સાથે સમગ્ર દેશમાં ડેટા સેન્ટર સ્થાપિત કરવા ઇચ્છે છે. જિઓની આ પ્લાન પોતાના એન્ટરપ્રાઈસીઝ ક્લાયન્ટ્સ માટે છે. એપ્રિલમાં ફેસબુકે જિઓની ૯.૯૯ ટકા ભાગીદારી ૫.૭ અબજ ડોલરમાં ખરીદી હતી. તે પછી સિલ્વર લેકે ૭૫૦ મિલિયન ડોલર, વિસ્ટા ઇક્વિટીએ ૧.૫ અબજ ડોલરનું રોકાણ કર્યું. ૧૭મેએ જનરલ એટલાન્ટિકએ ૮૭૦ મિલિયન ડોલરનું રોકારણ કર્યું. ૨૨મેએ કેકેઆરએ ૧૧,૩૬૭ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું અને જિઓમાં ૨.૩૨ ટકા ભાગીદારી ખરીદી.લોકડાઉનની વચ્ચે પણ રિલાયન્સ જીઓમાં મૂડીરોકાણ કરવા અનેક કંપનીઓ તૈયાર છે.

(8:03 pm IST)