Gujarati News

Gujarati News

News of Friday, 29th May 2020

મેરઠ લેબમાંથી વાંદરુ કોરોના ટેસ્ટના સેમ્પલ લઇ ભાગી ગયું

વધુ એક બેદરકારીનો કિસ્સો સામે આવ્યો : ટેકનિશિયન અને હોસ્પિટલ સ્ટાફે મનાવવા છતાં વાંદરુ પેકેટ ચાવીને જતુ રહ્યું : મેડિકલ કોલેજને નોટિસ અપાઈ

મેરઠ, તા. ૧૧  : ભારતમાં કોરોના બીમારી અંગે સરકારી તંત્ર દ્વારા કેટલી બેદરકારી દાખવવામાં આવી રહી છે તેના અનેક કિસ્સા સામે આવી ચુક્યા છે પણ ઉત્તરપ્રદેશમાં બનેલી ઘટનાએ તો દરેકને ચોંકાવી દીધા છે.  કંઈક વિચિત્ર અને ભયભીત કરનારા આ કિસ્સામાં મેરઠની એક મેડિકલ કોલેજમાં સ્થિતિ લેબમાંથી એક વાંદરુ લેબ ટેકનિશયન પાસેથી કોરોના ટેસ્ટ માટે શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ્સનું પેકેટ છીનવીને ભાગી ગયુ હતું.  હોસ્પિટલના સ્ટાફે સેમ્પલ્સનુ પેકેટ લેવાના ઘણા ઉપાયો કર્યા પરંતુ વાંદરુ કોરોના ટેસ્ટ માટે લેવાયેલા શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ્સના પેકેટને લઉને ઝાડ પર ચડી ગયુ અને ચાવવા લાગ્યુ હતું. હોસ્પિટલ સ્ટાફે તેનો વીડિયો બનાવ્યો છે જોકે વીડિયો બનાવનાર લેબ ટેકનિશયનને મેડિકલ કોલેજે નોટિસ પાઠવી છે.

                   ઘટના દરમિયાન તાત્કાલિક ધોરણે વન વિભાગ ટીમને જાણ કરવામાં આવી હતી, પરંતુ ટીમ આવે ત્યાં સુધી વાંદરુ કોરોના ટેસ્ટ સેમ્પલ્સનું પેકેટ ચબાવીને ભાગી ગયુ હતું. જેના કારણે સમગ્ર વિસ્તારમાં કોરોના સંક્રમણ ફેલાવાનો ભયથી પ્રશાસન અને લોકોમાં ચિંતા વધી છે. વન વિભાગ માટે એ વાંદરાને શોધીને પકડવુ એ મોટો પડકાર બની ગયો છે. આ પ્રકરણમાં યૂપી કોંગ્રેસે ઝંપલાવતા યોગી સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. યૂપી કોંગ્રેસે ટ્વીટ કરી હતી કે મેરઠ મેડિકલ કોલેજમાં એક વાંદરુ કોરોના દર્દીઓના સેમ્પલ્સ લઇને ભાગી ગયુ, હવે અહીં કોરોના સંક્રમણ ફેલાવાનો ખતરો વધી ગયો છે. રાજ્ય સરકાર આ મુદ્દે નવુ જૂઠ શોધી લાવશે.

(8:01 pm IST)