Gujarati News

Gujarati News

News of Friday, 29th May 2020

આવ રે વરસાદ... ચોમાસાનું ૧ જૂને કેરળમાં, ૮મીએ મુંબઈમાં અને ૧૫મીએ ગુજરાતમાં આગમન

દરિયામાં સિસ્ટમ્સ બની રહી હોય, દક્ષિણ પશ્ચિમ ચોમાસાનું વ્હેલુ આગમન થવાની સંભાવના : હવામાન ખાતુ : ગુજરાતમાં પ્રિ-મોન્સુન એકટીવીટીની અસર જોવા મળશે : દરિયાકિનારાના વિસ્તારોમાં વરસાદની આગાહી

નવી દિલ્હી : આકરો તાપ ગરમી સહન કરી રહેલા લોકો માટે આનંદના સમાચાર છે. દક્ષિણ પશ્ચિમ ચોમાસાનું ૧લી જૂને કેરળમાં આગમન થશે. જયારે ૮ જૂને મુંબઈમાં બેસી જશે તેમ હવામાન વિભાગ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. દરિયામાં સિસ્ટમ્સ બની રહી હોય દક્ષિણ પશ્ચિમ ચોમાસુ ૧લી જૂને કેરળમાં બેસી જાય તેવી પૂરી સંભાવના છે. ગુજરાતમાં હવે પ્રિ-મોન્સુન એકટીવીટી જોવા મળશે. દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદની આગાહી કરાઈ છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચોમાસુ સૌ પહેલા કેરળમાં એન્ટ્રી કરશે. આજથી કે આવતીકાલથી કેરળમાં વરસાદ શરૂ થઈ જશે. જયારે ચોમાસુ દિલ્હીમાં થોડુ મોડુ બેસશે. ત્યાં ૨૫ થી ૩૦ જૂન દરમિયાન બેસે તેવી શકયતા છે.

દરિયામાં વાવાઝોડાની સ્થિતિ ઉદ્દભવતા દક્ષિણ પશ્ચિમ ચોમાસુ કેરળમાં ૧ જૂને દસ્તક આપશે. ચાર દિવસ વ્હેલુ આગમન થાય તેવી શકયતા છે.

બંગાળની ખાડીમાં વાવાઝોડાની સ્થિતિ ઉદ્દભવતા ચોમાસાને વેગ મળ્યો છે. દક્ષિણ પૂર્વ અને પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં ૩૧ મે થી ૪ જૂન દરમિયાન દરિયામાં ઓછુ દબાણ થઈ શકે છે. આ સ્થિતિ કેરળમાં ૧ જૂને ચોમાસાને મદદરૂપ બનશે. હવામાન વિભાગે એમ પણ કહ્યુ છે કે આ વર્ષે ચોમાસુ નોર્મલ રહેશે.

કેરળમાં ૧ જૂને ચોમાસાનું આગમન થયા બાદ ૫ જૂને ગોવા, કર્ણાટક, આંધ્રપ્રદેશ, આસામ અને પૂર્વોત્તર  રાજયોમાં દસ્તક દેશે. ૧૦ જૂને મહારાષ્ટ્ર, તેલંગણા, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં પ્રવેશ કરશે. ત્યારબાદ ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઓડીસ્સા, ઝારખંડ અને બિહારમાં ૧૫મી જૂને બેસે તેવી શકયતા છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મધ્યપ્રદેશના ઉત્તરના ભાગો, પૂર્વ યુ.પી. અને ઉત્તરાખંડમાં ૨૦ જૂને ચોમાસુ દસ્તક દેશે. ૨૫ જૂન સુધી ઉત્તરપ્રદેશ, જમ્મુ કાશ્મીર, ગુજરાત અને હિમાચલમાં ચોમાસુ બેસી જાય તેવી શકયતા છે.

(3:54 pm IST)