Gujarati News

Gujarati News

News of Friday, 29th May 2020

ભેજનું પ્રમાણ ૭૦ ટકા થશે ત્યારે કોરોના મરશે

ગરમીમાં કોરોના ગુજરી જશે તેવી આશા ઠગારી નીવડયા બાદ નવી થીયરી : વિવિધ અભ્યાસોનું તારણ : ભેજથી કોરોના વાયરસ નાશ પામશે : ગુજરાતમાં ૧૫ જુન બાદ વાતાવરણમાં ભેજ વધી શકે છે

નવી દિલ્હી તા. ૨૯ : કોરોના અંગે દરરોજ જુદા-જુદા અભ્યાસ રજૂ થાય છે. તાજેતરમાં થયેલા એક અભ્યાસના તારણ પ્રમાણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૦ ટકાથી વધશે ત્યારે કોરોના વાયરસ નાશ પામશે.

કોવિડ ૧૯ વાઈરસે જાન્યુઆરીના અંતમાં જયારે ભારતમાં એન્ટ્રી લીધી હતી ત્યારે એવા દાવા થયાં હતા કે ૩૫ ડિગ્રીથી વધુ ઉષ્ણતામાનમાં વાઈરસનો ખાત્મો બોલાઈ જાય છે પરંતુ ગુરુવારે લગભગ ૪૨ ડિગ્રીના પ્રકોપ સાથે ગુજરાતની ધરતી ધગધગી રહી છે. આમ છતાં પણ કોરોના વાઈરસનો નાશ થવાના બદલે વધુ આક્રમક રીતે ફેલાઈ રહ્યો છે.

તાજેતરમાં થયેલાં સર્વેક્ષણ પ્રમાણે કોરોનાના સુક્ષ્મ વાઈરસ ૫૬ ડિગ્રી ઉષ્ણતામાન સુધી જીવંત રહી શકે છે અને હવે એક નવી થીયરી સામે આવી છે જુન મહિનાના અંતમાં ઋતુચક્ર બદલાશે, આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાશે અને વાતાવરણમાં ૭૦ ટકાથી વધુ માત્રામાં ભેજનું પ્રમાણ વધશે ત્યારે વાઈરસ નાશ પામશે.

આપણે જેને કોરોના તરીકે ઓળખીએ છીએ તે કોઈ એક વાઈરસ નથી પરંતુ વાઈરસનો સમુહ છે. જેમાં ઘણાં પ્રકારના વાઈરસ છે આમા એક નવા વાઈરસનો ઉમેરો થયો છે છેલ્લે સાર્સ વૈશ્વીકરૂપે ફેલાયો હતો.

નિષ્ણાંતોના મતે વિશ્વના વિકસીત રાષ્ટ્રોની લેબોરેટરીમાં થયેલાં ટેસ્ટીંગમાં એવું સાબીત થયું છે કે, અતિ સુક્ષ્મ કોરોના વાઈરસનું બાહ્ય આવરણ મેડિકલ ભાષામાં લાઈપિડ એટલે સાદી ભાષામાં ચરબીનું બનેલુ હોય છે એટલા માટે વારંવાર સાબુથી વારંવાર હાથ ધોવાનો આગ્રહ રાખવામાં આવે છે. કોરોના વાઈરસે જયારે ભારતમાં દસ્તક આપી હતી ત્યારે એવો વૈજ્ઞાનિક તર્ક હતો કે વિશ્વમાં મહામારી ફેલાવનારો આ વાઈરસ ૩૫ ડિગ્રી ઉષ્ણતામાનમાં ટકી શકે નહીં, આજે ગુજરાતમાં સરેરાશ ૪૨ ડિગ્રી ગરમી વરસી રહી છે છતાં કોરોના વાઈરસ સક્રીય છે અને વધુ આક્રમક બની રહયો છે.

લેબોરેટરી ટેસ્ટમાં તાજેતરમાં થયેલાં સર્વેક્ષણ મુજબ કોરોના વાઈરસ લગાતાર ૫૬ ડિગ્રી સુધી જીવંત રહી શકે છે પરંતુ નવી આશા એવી જન્મી છે કે, ચોમાસામાં હવામાં ભેજનું પ્રમાણ સરેરાશ ૭૦ ટકાની આસપાસ વધે એટલે કોરોના વાઈરસનો ખાત્મો બોલાઈ શકે છે. ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થવાની તૈયારી છે. હવામાન નિષ્ણાંતો કહે છે કે સામાન્ય રીતે ૧૫ જૂન બાદ ગુજરાતમાં ભેજનું પ્રમાણ વધે છે.

(3:05 pm IST)