Gujarati News

Gujarati News

News of Friday, 29th May 2020

૫-૬ જૂને સૌરાષ્ટ્રના કાંઠાળા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડશે

લક્ષદ્વીપ પાસે સાયકલોનીક સરકયુલેશન બનશે, જે લોપ્રેશર બાદ ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ વાવાઝોડામાં પરિવર્તિત થશે : આજે અને કાલે ગરમીનું જોર યથાવત રહેશે : એવરેજ ૩૦ થી ૩૫ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાના ચાલુ રહેશે

રાજકોટ, તા. ૨૯ : અરબી સમુદ્રમાં ઉદ્દભવનાર વાવાઝોડુ સૌરાષ્ટ્ર - ગુજરાત ઉપર આવવાનું નથી જે ઓમાન તરફ ફંટાઈ જશે. જયારે લક્ષદ્વીપ પાસે એક સિસ્ટમ્સ બની રહી છે જે આગામી સમયમાં વાવાઝોડામાં પરિવર્તિત થનાર છે. જેની અસરરૂપે તા.૫-૬ જૂને સૌરાષ્ટ્રના કાંઠાળા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડશે.

વેધરની એક ખાનગી સંસ્થાએ જણાવ્યુ છે કે હાલમાં દેશભરમાં ભયંકર ગરમીનો દોર ચાલુ છે. જે આજે અને આવતીકાલે પણ ચાલુ રહેશે. દેશના અમુક ભાગોમાં સિવિયર હિટવેવની કન્ડીશન જોવા મળશે તો સૌરાષ્ટ્ર - ગુજરાતમાં પણ ગરમીનો દોર જારી રહેશે. ૪૨-૪૩ ડિગ્રી આસપાસ તાપમાન જોવા મળશે. ગરમીની સાથોસાથ હાલમાં પવનનું જોર પણ જોવા મળી રહ્યુ છે. જે યથાવત જ રહેશે. એવરેજ ૩૦ થી ૩૫ કિ.મી.ની ઝડપે પવનો ફૂંકાતા જ રહેશે.

લક્ષદ્વીપ નજીક એક સાયકલોનીક સરકયુલેશન બની રહ્યુ છે જે લો પ્રેસર બનશે. ત્યારબાદ ડિપ્રેશન બની વાવાઝોડાના રૂપમાં પરિવર્તિત થશે. આ સિસ્ટમ્સ તા.૫-૬ જૂને સૌરાષ્ટ્રના દરિયાકિનારા નજીકથી પસાર થશે. જેની અસરથી દરિયાકાંઠાના વિસ્તારોમાં મધ્યમ તો અમુક જગ્યાએ ભારે વરસાદની સંભાવના હાલના વેધરના મોડલોમાં જોવા મળી રહી છે.

દરમિયાન રાજકોટ શહેરમાં પણ ગરમી સાથે અસહ્ય બફારાનો અનુભવ થઈ રહ્યો છે. દિવસ દરમિયાન ગરમી સાથે પવનનું જોર પણ જોવા મળે છે. સાંજના સમયે પવનનું જોર રહેતા રાત્રીના ઠંડકનો અહેસાસ થઈ રહ્યો છે. આમ આખો દિવસ ગરમીથી ત્રસ્ત રહેતા શહેરીજનોને રાત્રીના રાહત મળે છે. હજુ બે દિવસ ગરમી સાથે પવનનું જોર યથાવત રહેશે.

(11:47 am IST)