Gujarati News

Gujarati News

News of Friday, 29th May 2020

હવે ૩ મહિના પહેલા કરાવી શકાશે એડવાન્સ બુકીંગ

રેલવે ટિકિટ રિઝર્વેશન નિયમોમાં થયો મહત્વનો ફેરફાર

નવી દિલ્હી, તા.૨૯: ૧ જૂનથી ભારતીય રેલવે મુસાફરો માટે ૨૦૦ વધુ ટ્રેનો દોડાવવા જઈ રહ્યું છે. આવામાં દરેકને કન્ફર્મ ટિકિટની ઈચ્છા હોય છે જેથી કરીને મુસાફરીમાં કોઈ તકલીફ પડે નહીં. હવે તમારી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ભારતીય રેલવેએ ટિકિટના એડવાન્સ બુકિંગના નિયમોમાં ફેરફાર કર્યો છે.

ભારતીય રેલવેએ રેલવે મુસાફરોના હકમાં એક મોટો નિર્ણય લીધો છે. મુસાફરો હવે ૩ મહિના પહેલા જ પોતાની મુસાફરી માટેની ટિકિટ એડવાન્સમાં બુક કરાવી શકે છે. તેનાથી ટિકિટ મળવામાં અને મુસાફરીની યોજના બનાવવામાં મદદ મળશે. અત્રે જણાવવાનું કે અત્યાર સુધી તમે ફકત એક મહિના પહેલા જ એડવાન્સ બુકિંગ કરાવી શકતા હતાં. ૩ મહિના અગાઉટિકિટ બુક કરાવવાની સાથે રેલવેએ આ ટ્રેનમાં કરન્ટ સીટ બુકિંગ, તત્કાળ કોટા બુકિંગ અને વચ્ચેના સ્ટેશનોથી પણ ટિકિટ બુક કરાવવાની સેવાઓ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. વેબસાઈટ zeebiz.com ના અહેવાલ મુજબ આ તમામ ફેરફાર ૩૧મી મેની સવારથી લાગુ થઈ જશે.

હાલ ૨૩૦ સ્પેશિયલ ટ્રેનમાં મુસાફરી માટે ઓનલાઈન ટિકિટ બુક થઈ શકે છે. જો કે સરકારે દેશભરમાં બે લાખથી વધુ કોમન સર્વિસ સેન્ટર (CSC)થી પણ ટિકિટ બુક કરાવવાની સગવડ આપી છે. આ ટ્રેનોમાં હવે સામાનનું પણ બુકિંગ કરાવી શકાય છે. આ ટ્રેનો માટે મોબાઈલ એપ, કેટલાક મર્યાદિત રેલવે સ્ટેશનના કાઉન્ટર, પોસ્ટ ઓફિસ, મુસાફરી ટિકિટ સુવિધા કેન્દ્ર (YTSK), અધિકૃત એજન્ટ, પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમથી પણ ટિકિટ બુક કરાવી શકો છે.

(11:15 am IST)