Gujarati News

Gujarati News

News of Friday, 29th May 2020

લોકડાઉન-૫.૦ દેશના ૧૩ શહેરો પુરતુઃ બાકી બધે મળશે છૂટછાટો

કેન્દ્રીય ગૃહમંત્રી અને ગૃહ સચિવે તમામ રાજ્યો સાથે મંત્રણા કરીઃ અમદાવાદ-મુંબઈ-દિલ્હી સહિત ૧૩ શહેરોમાં જ મોટાભાગના પ્રતિબંધો રહેશેઃ આવતીકાલે જારી થશે નવા દિશાનિર્દેશોઃ ૧૩ શહેરોને બાદ કરતા બીજે બધે વધુ સમય સુધી બજારો ખોલવા, એક રાજ્યથી બીજા રાજ્ય સુધી પરિવહન સુવિધાને વધુ સુગમ બનાવવા, સોશ્યલ ડીસ્ટન્સ સાથે ધાર્મિક સ્થળો ખોલવા, મહિનાની અંદર શાળાઓ શરૂ કરવા વગેરે છૂટછાટો મળશેઃ ૭૦ ટકા કોરોનાના કેસ આ ૧૩ શહેરોમાં જ છેઃ કેન્દ્ર સરકાર હવે આ ૧૩ શહેરો ઉપર વધુ ધ્યાન કેન્દ્રીત કરશે

નવી દિલ્હી, તા. ૨૯ :. લોકડાઉન ૪.૦ની મુદત રવિવારે સમાપ્ત થઈ રહી હોવાથી કેન્દ્ર સરકારે લોકડાઉન ૫.૦ની તૈયારી શરૂ કરી દીધી છે. કેન્દ્રીય ગૃહમંત્રી શાહે આ સંબંધમાં તમામ મુખ્યમંત્રીઓ સાથે ફોન ઉપર વાતચીત કરી છે અને ૩૧મી પછી લોકડાઉન વધારવા પર તેમના વિચારો જાણ્યા હતા. આ ઘટનાક્રમમાં ગઈકાલે કેબીનેટ સચિવ રાજીવ ગૌબાએ રાજ્યોના મુખ્ય સચિવો અને સ્વાસ્થ્ય સચિવો સાથે વાત કરી હતી. જેમા કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત ૧૩ શહેરોના કમિશ્નરો, કલેકટરો અને એસપીને સામેલ કરી સરકારે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે લોકડાઉન ૫ દરમિયાન મુખ્ય ભાર હોટસ્પોટ પર રહેશે અને દેશના બાકી ભાગોમાં પહેલેથી વધુ છૂટછાટ અપાશે. ૩૧મી પછી મોટાભાગના રાજ્યો માત્ર કન્ટેન્મેન્ટ ઝોનમાં જ પ્રતિબંધો ઈચ્છે છે. જો કેન્દ્ર સરકાર મંજુરી આપે તો પછી રાજ્ય સરકારો પહેલા કરતા વધુ બજારો ખોલવા, એક રાજ્યથી બીજા રાજ્ય સુધી પરિવહન સુવિધાને વધુ સુગમ બનાવવા, સોશ્યલ ડીસ્ટન્સીંગ સાથે ધાર્મિક સ્થળો ખોલવા જેવા ફેંસલા લઈ શકે છે. અમુક રાજ્યો મહિનાની અંદર સ્કૂલો ફરીથી ખોલવા ઈચ્છે છે.

લોકડાઉનના ચોથા તબક્કામાં કેન્દ્રએ રાજ્યોને ઝોન અંગે નિર્ણય લેવા જણાવ્યુ હતું. અનેક રાજ્યોમાં દુકાનો ખુલી ગઈ છે. રેલ્વે અને વિમાન સેવા પણ શરતોને આધીન શરૂ થયા છે. કોરોનાના કેસની ઝડપથી વધતી સંખ્યા સરકાર માટે ચિંતાની બાબત છે, પરંતુ રાહતની વાત એ છે કે કોરોનાના ૭૦ ટકાથી વધુ કેસ ૧૩ શહેરો પુરતા સીમીત છે. જેમાં મુંબઈ, ચેન્નઈ, દિલ્હી, અમદાવાદ, થાણે, પૂણે, હૈદરાબાદ, ઈન્દોર, જયપુર, જોધપુર, ચેન્ગલપટ્ટુ અને તેરૂવલ્લુર છે. આ શહેરોમાં જો કોરોના કેસને યોગ્ય રીતે પકડવામાં આવે તો તેને દેશના બાકીના ભાગમાં ફેલાતો અટકાવી શકાશે.

લોકડાઉન ૫.૦મા હોટસ્પોટવાળા વિસ્તારોમાં જ પ્રતિબંધો પર ભાર મુકાશે. જો કે માસ્ક અને સોશ્યલ ડીસ્ટન્સીંગ ચાલુ રાખવુ પડશે. હોટસ્પોટ સિવાય બાકીના ભાગોમાં છૂટછાટો મળી જશે. ૧૩ શહેરો સિવાય બાકીના હિસ્સા માટે પણ કેબીનેટ સચિવે એલર્ટ રહેવાના નિર્દેશો આપ્યા. જેમાં યુપી, બિહાર, પ.બંગાળ અને ઓડિસા છે જ્યાં પ્રવાસી મજુરો પાછા ફરી રહ્યા છે.

આ અંગે આવતીકાલે નિર્ણય લેવામાં આવે તેવી શકયતા છે. કેટલીક સેવાઓ ઉપર પ્રતિબંધ રહેશે બાકીનાને છૂટ આપી દેવામાં આવશે. સરકાર આ ૧૩ શહેરોમાં પુરેપુરી તાકાત લગાડી કોરોનાને નિયંત્રણમાં લેવા પ્રયાસ કરશે. લોકડાઉન ૫ની ચાવી હવે આ ૧૩ શહેરો પાસે જ રહેશે. સમગ્ર ફોકસ એ ૧૩ શહેરોમાં લગાવાશે. શહેરોની અંદર જો વધુ ચેકીંગ થાય તો આવતા ૧૦ દિવસમાં સંક્રમણની સંખ્યા ૭૦ ટકા સુધી ઘટાડી શકાશે. ૧૩ શહેરો સિવાય બાકીના ભાગોમાં અમુક નિયંત્રણો રાખી કામકાજની છૂટછાટો આપી દેવાશે

(11:13 am IST)
  • ભારતમાં કોરોનાએ ફૂફાડો માર્યો : છેલ્લા 24 કલાકમાં આજે અત્યાર સુધીના સૌથી વધુ 8101 કેસ વધ્યા: રાત્રે 12-30 વાગ્યા સુધીમાં દેશમાં કોરોનાના કુલ 1, 73,458 કેસ નોંધાયા : 85,840 એક્ટિવ કેસ : રિકવરીમાં જબરો વધારો :11,729 દર્દીઓ રિકવર થયા જબરો વધારો : કુલ 82,627 દર્દીઓ રિકવર થયા :વધુ 269 દર્દીના મોત સાથે કુલ મૃત્યુઆંક 4980 થયો :મહારાષ્ટ્રમાં સૌથી વધુ નવા 2682 કેસ સાથે કુલ સંક્રમિતની સંખ્યા 62,228 થઇ : તામિલનાડુમાં નવા 874 કેસ :દિલ્હીમાં 1105 નવા કેસ નોંધાયા access_time 12:53 am IST

  • મોદી - શાહ વચ્ચે મહત્વની બેઠક : લોકડાઉન-૫ પૂર્વે આજે અત્યારે ૧૧ાા વાગે ગૃહપ્રધાન અમિતભાઇ શાહ વડાપ્રધાનને મળી રહયાનું જાણવા મળે છે. આ પૂર્વે અમિતભાઇએ તમામ રાજયોના મુખ્યમંત્રીઓ સાથે મંત્રણા કરી લોકડાઉન અંગે તેમના મન જાણ્યા હતા. ૩૧ મે પછી કોરોના અંગે શું રણનીતી અમલમાં મુકવી તેની અંતિમ ચર્ચા ચાલી રહી છે. access_time 11:51 am IST

  • ... તો ૨૮ દિવસ માટે બધા જ કોરનટાઇન : સુરતમાં કોઈ પણ સોસાયટી કે એપાર્ટમેન્ટમાંથી કેસો મળશે તો ૨૮ દિવસ સુધી કવોરન્ટાઈન કરાશે : સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનું પાલન ન કરતી ૧૨૭ શોપને બંધ કરાવાઈ access_time 11:49 am IST