Gujarati News

Gujarati News

News of Friday, 29th May 2020

શું લોકડાઉન ૫.૦ની ચાલી રહી છે તૈયારી?

અમિત શાહે કરી મુખ્યમંત્રીઓ સાથે વાત

નવી દિલ્હી, તા.૨૯: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકડાઉન-૪ પર ગુરૂવારે બધા રાજયોના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી છે. તેમણે લોકડાઉન ૪.૦ના લઈને રાજયના મુખ્યમંત્રીઓના વિચાર જાણ્યા છે. અમિત શાહે લોકડાઉન ૪.૦ના વર્તમાન સ્થિતિ પર ચર્ચા કરી હતી. ગૃહમંત્રીએ રાજયોના મુખ્યમંત્રીઓ પાસે ૩૧ મે બાદ લોકડાઉન પર તેમના રાજયોનો અભિપ્રાય અને આગળ શું વિચારે છે તેના પર તેમના વલણો જાણ્યા હતા. શું દેશમાં લોકડાઉન ૫.૦ લાગૂ થશે, હાલ બધાની નજર તેના પર છે.

પરંતુ સરકારનું લોકડાઉન ૫.૦ પર મંથન ચાલી રહ્યું છે. લોકડાઉન ચાર પૂરુ થતાં પહેલા લોકડાઉન-૫ આવવાની શકયતા જોવા મળી રહી છે. ૩૧ મેએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી મનકી બાત કરશે. સૂત્રોનું કહેવું છે કે પીએમ મોદી મનકી બાતમાં ઘણું સ્પષ્ટ કરી શકે છે. સૂત્રોએ તે પણ જણાવ્યું કે, બે સપ્તાહ માટે લોકડાઉન વધવાનું નક્કી છે.

સરકાર વધુ છૂટ આપીને અર્થવ્યવસ્થાને પાટા પર લાવવાનો પ્રયાસ કરતી જોવા મળી રહી છે. પરંતુ જે જિલ્લા કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત છે, તેને આ વખતે પણ રાહત મળવાની આશા ઓછી છે. સૂત્રો પ્રમાણે, લોકડાઉન ૫માં ૧૧ શહેરો પર કડક પગલાં જારી રહેશે. આ તે શહેર છે જયાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે.

આ શહેરોમાં યથાવત રહી શકે છે પ્રતિબંધો

જે શહેરોમાં પ્રતિબંધો યથાવત રહી શકે છે તેમાં દિલ્હી, મુંબઈ, બેંગલુરૂ, પુણે, ઠાણે, ઇન્દોર, ચેન્નઈ, અમદાવાદ, જયપુર, સુરત અને કોલકત્તા છે. આ ૧૧ શહેરોમાં ભારતના કુલ સંક્રમિત કેસોના ૭૦ ટકા મામલા સામે આવ્યા છે, જયારે અમદાવાદ, દિલ્હી, પુણે, કોલકત્તા અને મુંબઈમાં આ વધુ ખતરનાક છે. અહીં દેશના કુલ દર્દીઓના ૬૦ ટકા લોકો છે.

(11:21 am IST)