Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

પાકમાં એલઓસી પર ૧૬ ત્રાસવાદી કેમ્પો ફરી સક્રિય

કાશ્મીર ખીણમાં ઘુસણખોરી કરવા માટે તૈયારી : મુસાના ખાત્મા બાદથી આતંકવાદીઓની કમર તુટી ગઈ હોવા છતાં ફરીવાર બેઠા થવાના પ્રયાસ : હુમલાનો ખતરો

શ્રીનગર, તા. ૨૯ : ભારતીય સેના અને સુરક્ષા દળો કાશ્મીર ખીણમાં આતંકવાદીઓને સફાયો કરવામાં લાગેલા છે ત્યારે બીજી બાજુ એલઓસી પેલેપાર આતંકવાદી કેમ્પ ફરી એકવાર સક્રિય થઇ રહ્યા છે. એલઓસી પાર સક્રિય થયેલા કેમ્પોથી સંકેત મળી રહ્યા છે કે, ખીણમાં આતંકવાદીઓ ઘુસણખોરી કરવા માટે તૈયાર થઇ રહ્યા છે. ભારતે બે વખત પાકિસ્તાનમાં ઘુસીને સર્જિકલ સ્ટ્રાઇક અને હવાઈ હુમલા આતંકવાદીઓના કેમ્પ ઉપર કર્યા હતા પરંતુ ત્રાસવાદીઓ ફરી સક્રિય થઇ રહ્યા છે. ભારતીય ગુપ્તચર સંસ્થાઓને મળેલા અહેવાલ મુજબ પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં ફરી ૧૬ આતંકવાદી કેમ્પો સક્રિય થઇ ગયા છે. આ કેમ્પમાં ત્રાસવાદીઓને ભારતમાં ઘુસાડવાની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. આતંકવાદી સંગઠન જૈશને પુલવામાં હુમલા બાદ મોટો ફટકો પડી ચુક્યો છે. કારણ કે, કાશ્મીર ખીણના સ્થાનિક યુવાનો તરફથી કોઇપણ પ્રકારની મદદ મળી રહી નથી. સુરક્ષા દળો પણ ઓપરેશન મારફતે ત્રાસવાદીઓના કમાન્ડર અને તેમના કેડરનો ખાત્મો કરવામાં લાગેલા છે. જાકીર મુસાના મોત બાદ આતંકવાદીઓની કમર તુટી ગઈ છે. આતંકવાદીઓનો ખાત્મો કરવા યુદ્ધસ્તર પરકામ ચાલી રહ્યું છે. પુલવામા હુમલા બાદ ઓપરેશનમાં જૈશના અનેક સ્થળોનો સફાયો કરવામાં આવી ચુક્યો છે. આતંકવાદી સંગઠનો ભાંગી પડ્યા છે. અલકાયદા સાથે સંબંધ ધરાવનાર આતંકવાદી સંગઠન અન્સાર ગજવત ઉલ હિન્દના પ્રમુખ જાકીર મુસાને ગયા સપ્તાહમાં જ પુલવામામાં ઠાર કરી દેવામાં આવ્યો હતો. આઈએસના ભારતમાં ઘુસણખોરી કરવાના એક પ્રશ્નના જવાબમાં સેનાએ કહ્યું છે કે, આતંકવાદી સંગઠનની કોઇ યોજના સફળ સાબિત થઇ રહી નથી. સતત તેમના કાવતરા નિષ્ફળ થઇ રહ્યા છે. ઇસ્લામિક સ્ટેટના આતંકવાદીઓ આઈએસના ધ્વજ અને બીજી વાંધાજનક સામગ્રી કાશ્મીરમાં વેચી રહ્યા છે. તેમને કોઇપણ પ્રકારની પ્રતિક્રિયા કાશ્મીરમાં મળી રહી નથી. જાણકાર લોકોનું કહેવું છે કે, ખીણમાં હજુ પણ ૨૭૫થી વધુ આતંકવાદીઓ સક્રિય થયેલા છે. જે સાબિતી આપે છે કે, સુરક્ષા દળોને આતંકવાદનો ખાત્મો કરવામાં હજુ પણ મુશ્કેલી નડશે. જમ્મુ કાશ્મીરના ડીજીપી દિલબાગસિંહે કહ્યું છે કે, રાજ્યમાં હજુ ૨૭૫ આતંકવાદીઓ સક્રિય થયેલા છે જેમાં ૭૫ આતંકવાદીઓ વિદેશી હોવાનું જાણવા મળ્યું છે. ડીજીપીનું કહેવું છે કે, કાશ્મીર ખીણમાં ત્રાસવાદી કલમ અમલી કરવામાં આવ્યા બાદ આતંકવાદી ગતિવિધિમાં યુવાોના જોડાવવાની સંખ્યામાં ઘટાડો થયો છે. છેલ્લા પાંચ મહિનામાં ૪૦ સ્થાનિક યુવાનો આતંકવાદી ગતિવિધિમાં જોડાયા છે.

(7:28 pm IST)