Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

ઓકટોબરમાં ભારત આવશે જિનપિંગ

અમદાવાદ પછી હવે મોદી ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગને લઇ જશે કાશીઃ યોજાશે બેઠક

નવીદિલ્હી, તા.૨૯:  ભારત અને ચીન વચ્ચે અનઔપચારિક વાર્તા માટે આ વર્ષે ઓકટોબરમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ભારત આવવાના છે. વડાપ્રધાન મોદીના લોકસભા ચૂંટણી જીત્યા બાદ આ ચીન સાથે પ્રથમ અનઔપચારિક વાર્તા હશે. પ્રાપ્ત વિગતો અનુસાર આ સમિટ માટે વડાપ્રધાન મોદીએ પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીની પસંદગી કરી છે. જિનપિંગ અને મોદી વચ્ચે આ વાર્તા ૧૧ ઓકટોબરના રોજ વારાણસીમાં થઈ શકે છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ભારત દ્વારા આ વાર્તાને વારાણસીમાં આયોજિત કરવા માટે ચીન સરકારને પ્રસ્તાવ મોકલવામાં આવ્યો છે. ચીની સરકારે આ મામલે સહમતિ નથી આપી પરંતુ તેમને આ પ્રસ્તાવ ખૂબ પસંદ આવ્યો છે. આપને જણાવી દઈએ કે ૨૭-૨૮ એપ્રિલ ૨૦૧૮માં વડાપ્રધાન મોદી અને જિનપિંગે ચીનના વુહાન પ્રાંતમાં બે દિવસ વિતાવ્યા હતા. જો કે ચીની કોમ્યુનિસ્ટ પાર્ટીના પાર્લામેન્ટરી બોર્ડમાં આ પ્રસ્તાવને રજૂ કરી દીધો છે.

વારાણસીને જ આ માટે પસંદ કરવામાં આવ્યું, કારણ કે વડાપ્રધાન મોદી ઈચ્છતા હતા કે ચીનના રાષ્ટ્રપતિ પણ મારા સંસદીય ક્ષેત્રનો પ્રવાસ કરે. જિનપિંગે પણ વડાપ્રધાન મોદીને શીમેન પ્રાંતનો પ્રવાસ કરાવ્યો હતો, જયાં આશરે ૩૦ વર્ષ પહેલા તેમણે કમ્યુનિસ્ટ પાર્ટીના ઓફિસ બૈરિયર તરીકે રાજનૈતિક જીવનની શરુઆત કરી હતી. ઉલ્લેખનીય છે કે મોદીએ પણ વર્ષ ૨૦૧૪માં પોતાના ગૃહ રાજય ગુજરાતના અમદાવાદમાં જિનપિંગ સાથે સમય વિતાવ્યો હતો અને વર્ષ ૨૦૧૫મી મે મહિનામાં જિનપિંગે ફરીથી મોદીને તેમના ગૃહ રાજય શાંશી પ્રોવિંસની રાજધાની શિયાનનો પ્રવાસ કરાવ્યો હતો.

આપને જણાવી દઈએ કે ઓકટોબર પહેલા જિનપિંગ અને મોદીની મુલાકાત શાંદ્યાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન સમ્મેલન દરમિયાન કિર્ગિસ્તાનના બિશ્કેકમાં થવા જઈ રહી છે. આ સંમેલન ૧૩ થી ૧૪ જૂનના રોજ બિશ્કેકમાં આયોજિત કરવામાં આવશે અને જિનપિંગ જ નહી પરંતુ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે પણ મોદીની દ્વિપક્ષીય વાર્તા થશે.

આ દરમિયાન મોદીની પાકિસ્તાની વડાપ્રધાન ઈમરાન ખાન સાથે પણ મુલાકાત થઈ શકે છે. જો કે ભારત સ્પષ્ટ કરી ચૂકયું છે કે ઈમરાન ખાનને મળવાનો હજી સુધી કોઈ પ્લાનિંગ નથી.

(4:10 pm IST)