Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

પૂજા કરતી વખતે બંધ રૂમમાંથી મહિલા ગાયબ થઇ ગઇ અને પરિવારજનોએ ચમત્કાર માનીને એ રૂમમાં મંદિર બનાવી દીધું

રાજસ્થાનના બાડમેર પાસેના રતનપુરા ગામમાં ૨૬ વર્ષની લીલાદેવી નામની મહિલાના પરિવારજનોએ દાવો કર્યો છે કે તે પૂજા માટે રૂમનાં બારણાં બંધ કરીને અંદર બેઠી હતી અને અચાનક ત્યાંથી ગાયબ થઇ ગઇ હતી. આ સમાચાર સ્થાનિક વિસ્તારોમાં વાયુવેગે પ્રસરી ગયા છે. લોકો એને ચમત્કાર માનવા લાગ્યા છે. વાત એટલે સુધી પહોંચી છે કે એ રૂમને જ મંદિર બનાવી દેવાયું છે. હવે સેંકડો લોકો રોજ આ મંદિરે આવે છે અને કંઇકને કંઇક ચઢાવો લઇને ત્યાં મૂકે છે. આટલું ઓછું હોય એમ કેટલાક સાધુઓ પણ ત્યાં આવીને ધ્યાન-સાધના કરવા લાગ્યા છે. પરિવારજનોનું કહેવું છે કે લીલાદેવી બહુ ધાર્મિક હતી. તે આખો દિવસ પૂજાપાઠ અને ભગવાનના ધ્યાનમાં જ લીન રહેતી હતી. એક વાર તે એમ જ બારણાં બંધ કરીને પૂજા કરી રહી હતી અને ત્યાંથી અંતર્ધાન થઇ ગઇ હતી. આ સમાચાર પ્રસરતાં લોકોએ રૂમ જોવા આવવા લાગ્યા. એમાં વચોવચ પડેલા રાખના ઢગલાની લોકો પૂજા કરવા લાગ્યા. બીજી તરફ પોલીસને મહિલાનું આ રીતે ગાયબ થઇ જવું શંકાસ્પદ લાગી રહ્યું છે અને આ મહિલા કયાં ગાયબ થઇ ગઇ એની શોધ ચાલી રહી છે. મામલો ધાર્મિક હોવાથી સીધેસીધી દખલ કરવાનું ટાળ્યું છે.

(4:07 pm IST)