Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

જીએસટી રિટર્ન ફ્રીમાં ફાઇલ કરી શકાશે

૧II કરોડથી જેનો વેપાર ઓછો હોય તેવા ૮૦ લાખ વેપારીઓ મતમાં એકાઉન્ટીંગ-બિલિંગ કરી શકશે

નવી દિલ્હી, તા.૨૯: જીએસટીએન નેટવર્ક (GSTN Network) દ્વારા મંગળવારે એક મહત્વની જાહેરાત કરતા જણાવાયું છે કે, રૂ.૧.૫૦ કરોડ સુધીનો વાર્ષિક વેપાર ધરાવતા માઈક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઈઝિસ (MSME)ને મફતમાં એકાઉન્ટિંગ તથા બિલિંગ અંગેનું સોફ્ટવેર આપવામાં આવશે. તેનાથી લગભગ ૮૦ લાખ જેટલા નાના વેપારીઓને ફાયદો થશે. આ અગાઉ GSTની પ્રક્રિયાને વધુ સરળ બનાવવા અને તેમાં તેજી લાવવા માટે નાણા મંત્રાલય દ્વારા GST રિફંડની મંજૂરી અને પ્રોસેસિંગ બંને કામ એક જ નિગમ પાસે કરાવાનો નિર્ણય લેવાયો હતો.

GSTN દ્વારા બહાર પાડવામાં આવેલા એક નિવેદનમાં જણાવાયું છે કે, આ સોફ્ટવેર કંપનીઓને બિલ અને જમા-ઉધારની વિગતો તૈયાર કરવામાં, ગોડાઉનમાં રહેલા માલ-સામાનની વિગતો તૈયાર રાખવામાં અને જીએસટી રિટર્ન તૈયાર કરવામાં મદદ મળશે. આ સોફ્ટવેર પોર્ટલ www.gst.gov.inમાં આપવામાં આવેલા ડાઉનલોડ વિકલ્પ પર કિલક કરીને મફતમાં મેળવી શકાશે.

GSTN નેટવર્કના નિવેદનમાં જણાવાયું છે કે,''GSTN દ્વારા નાણાકિય વર્ષમાં રૂ.૧.૫૦ કરોડથી ઓછો વેપાર ધરાવતા MSMEનેસોફ્ટવેર ઉપલબ્ધ કરાવવા માટે બિલ અને એકાઉન્ટિંગ સોફ્ટવેર વિક્રેતાઓ સાથે કરાર કરવામાં આવ્યો છે. તેના માટે કરદાતાઓએ કોઈ ફી ચૂકવવાની રહેશે નહીં.''

GSTNના જણાવ્યા મુજબ દેશમાં લગભગ ૮૦ લાખ MSME એવા છે, જેનો વાર્ષિક વેપાર રૂ.૧.૫૦ કરોડથી ઓછો છે. GSTNના મુખ્ય કાર્યકારી અધિકારી પ્રકાશ કુમારે જણાવ્યું કે, આ પહેલથી સુક્ષ્મ, લદ્યુ અને મધ્યમ ઉદ્યોગ ડિજિટલ પ્રણાલી તરફ આગળ વધશે અને ડિજિટલ ક્રાંતિ સાથે જોડાઈ જશે. તેમની કાર્યક્ષમતા વધશે અને નિયમોના પાલન કરવામાં તેમની મુશ્કેલીઓ ઓછી થશે.

(3:48 pm IST)