Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

ઓરિસ્સામાં પટનાયક પરિવારનું ત્રણ દાયકાથી નેતૃત્વઃ સેવા, સાદગી અને સરળતાનો પર્યાય

બીજૂ પટનાયક પાયલોટ હતાઃ તેમણે જમ્મુ- કાશ્મીરમાં ભાગલા વખતે લેન્ડીંગ કરેલઃ ઈન્ડોનેશીયાની આઝાદીમાં પણ મહત્વનું યોગદાનઃ રાષ્ટ્રીય રાજકીય સંકટમાં બીજૂને જ યાદ કરાતા : નવીન પટનાયકે પિતા બીજૂ પટનાયકના પગલે ચાલી નવી પાર્ટી બનાવેલઃ ૨૦૦૦ની સાલથી સતત મુખ્યમંત્રી રહ્યાઃ ૨૦૧૪માં મોદી લહેરમાં પણ ૨૧માંથી ૨૦ બેઠકો ઉપર બીજેડીનો વિજય થયેલઃ પાંચમીવાર મુખ્યમંત્રી પદના શપથ લીધા

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીના પરિણામો આવી ગયા છે. જેમાં ભાજપને સ્પષ્ટ બહુમતિ મળતા આવતીકાલે નરેન્દ્રભાઈ સરકારના શપથ ગ્રહણ યોજાનાર છે. લોકસભાની સાથો- સાથ ઓરીસ્સામાં વિધાનસભાની ચૂંટણી પણ યોજાઈ હતી. જેમાં સતત ૪ ટર્મથી મુખ્યમંત્રી એવા નવીન પટનાયકનો ફરી પ્રચંડ વિજય થતા તેમણે આજે પાંચમીવાર મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા.

પટનાયક પરિવારનો ઈતિહાસ ખુબ જ રસપ્રદ રહ્યો છે. હાલના ઓરીસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયકના પિતા બીજૂ પટનાયક પણ ઓરિસ્સાના મુખ્યમંત્રી રહી ચૂકયા છે. જોવા જઈએ તો પટનાયક પરિવાર ૧૯૯૦થી ઓરિસ્સામાં ધુરા સંભાળી રહ્યું છે.

બીજુ પટનાયકનો જન્મ ૫ માર્ચ ૧૯૧૬ના રોજ થયો હતો. લક્ષ્મી નારાયણ પટનાયકના ઘરે જન્મેલ બીજુ પટનાયકને નાનપણમાં નેતા બનવાની કોઈ ઈચ્છા ન હતી. સ્કૂલ કાળમાં તેઓ સારા સ્પોર્ટસમેન હતા. ઉપરાંત તેઓ ફુટબોલ- હોકી સહીતની રમતોમાં યુનિર્વસીટી કક્ષાએ ચેમ્પિયન રહેલ. તેમણે ઓરોનોટીકલ ટ્રેનીંગ ઈન્સ્ટીટયુટ ઓફ ઈન્ડીયામાં એડમીશન લીધેલ અને ૧૯૩૬માં તેમણે રોયલ ઈન્ડીયન અરેફોર્સમાં નોકરી મળી ગયેલ. ત્યાં જ બીજા વિશ્વયુધ્ધની શરૂઆત થઈ અને બીજૂને તેમાં જોડાવાનો મોકો મળ્યો. ત્યારે પાયલોટ ઓછા હોવાથી તેમની ઓળખાણ સીધા રાજનેતાઓ સાથે થતી. આ દરમિયાન જ આઝાદ ભારતના પહેલા વડાપ્રધાન નહેરૂ અને બીજૂ પટનાયક એક- બીજાની નજીક આવ્યા હતા. હજુ ભારત આઝાદ થયેલ ન હતું.

નહેરૂ સ્વતંત્રતા સંગ્રામમાં પ્રમુખ નેતાઓમાં એક હતા. જયારે બીજૂ પટનાયક એર ટ્રાન્સપોર્ટ કમાન્ડના પ્રમુખ હતા. ઓકટોબર ૧૯૪૭માં ભારત- પાકિસ્તાનના ભાગલાથી સ્થિતિ વણસી હતી. કોઈ જમ્મુ- કાશ્મીર જવા તૈયાર ન હતુ. ત્યારે નહેરૂના કહેવાથી બીજૂ પટનાયક ૧૭ જવાનોની ટૂકડી સાથે શ્રીનગર ગયેલ. ઉપરાંત ઈન્ડોનેશીયા પણ ડચ લોકોથી આઝાદીની લડત લડી રહયું હતું. ૧૯૪૮માં પણ ઈન્ડોનેશીયાની મદદ માટે નહેરૂએ બીજૂને ઓલ્ડ ડકોટા એરક્રાફટ લઈ સીંગાપુર થઈ જકાર્તા પહોંચેલ. પણ અહીં તેમના ઉપર હુમલો થયેલ પણ સુઝબુઝથી તેઓ જકાર્તાથી પ્રમુખ નેતાઓ સુલ્તાન શહચ્યાર અને સુકર્ણોને લઈ દિલ્હી પહોંચેલ અને નહેરૂ સાથે ગુપ્ત બેઠક યોજેલ.

થોડા સમયમાં ઈન્ડોનેશીયા આઝાદ થતા ડો.સૂકર્ણો પહેલા રાષ્ટ્રપતિ બન્યા હતા. તેમણે બીજૂને ઈન્ડોનેશીયાના નાગરીકતાની સાથે સર્વોચ્ચ સન્માન ''ભૂમિપૂત્ર'' પણ એનાયત કરેલ. સૂકર્ણોની પૂત્રી મેઘાવતીનું નામ પણ બીજૂએ જ રાખ્યુ હતુ. તેમણે ૧૯૪૬માં ઓડીશામાં પ્રથમવાર ચૂંટણી લડેલ. ત્યારબાદ ૧૯૫૨ અને ૧૯૫૭માં ચૂંટણી જીતી હતી. ૧૯૬૧માં તેમના નેતૃત્વમાં કોંગ્રેસે ઓરિસ્સાની ૧૪૦માંથી ૮૨માં જીત મેળવી મુખ્યમંત્રી બન્યા હતા. ૧૯૬૨ના ચીન સાથેના યુધ્ધમાં નહેરૂએ બીજૂ પટનાયકને ખાસ સલાહકાર બનાવેલ. ૧૯૬૩માં તેમણે કામરાજ પ્લાન હેઠળ રાજીનામુ આપેલ અને ઈન્દીરા ગાંધીના સંપર્કમાં આવેલ. ૧૯૬૯માં કોંગ્રેસી નેતાઓ સાથે અનબનના કારણે કોંગ્રેસ છોડી ઉત્કલ કોંગ્રેસ બનાવેલ.

બીજૂ પટનાયકે ૧૯૯૦માં ફરી રાજય ઓરિસ્સા તરફ વળ્યા હતા અને વિધાનસભામાં જીત મેળવી મુખ્યમંત્રી બન્યા હતા. ૧૯૯૭માં પિતા બીજૂ પટનાયકના અવસાન બાદ તેમના જ પગલે ચાલતા નવીન પટનાયકે બીજૂ જનતા દળનું ગઠન કર્યુ. નવીન પટનાયક પણ પિતાની જેમ પહેલેથી રાજકારણમાં સક્રિય ન હતા. તેમનું પ્રાથમીક શિક્ષણ દૂન સ્કૂલમાં થયેલ જયારે આર્ટસમાં ગ્રેજયુએશન દિલ્હી યુનિર્વસીટીથી કર્યુ હતુ. તેમણે સૌ પ્રથમ પિતાની ખાલી  પડેલ બેઠક ઉપરથી ચૂંટણી લડી લોકસભાના સભ્ય બન્યા હતા.

ત્યાર બાદ તેમણે બીજદનું ભાજપ સાથે ગઠબંધન કર્યુ અને ખાણ- ખનીજ મંત્રી બન્યા હતા. અટલ બિહારી બાજપેયના નેતૃત્વમાં રાષ્ટ્રીય જનતાંત્રીક ગઠબંધન બનાવાયુ ત્યારે નવીન પટનાયક તેના મુખ્ય આધારસ્તંભ તરીકે ઉભા હતા.

વર્ષ ૨૦૦૦ની સાલમાં ઓડીશાની વિધાનસભા ચૂંટણી યોજાયેલ ત્યારે બીજેડીએ ભાજપ સાથે મળી ચૂંટણી લડી અને પિતાની જેમ ઓરિસ્સાના મુખ્યમંત્રી બન્યા. ત્યાર બાદ પિતાથી આગળ નિકળી તેઓ સતત ચાર વખતથી મુખ્યમંત્રી તરીકે ફરજ નિભાવી  રહ્યા છે. ૨૦૦૪ લોકસભામાં એનડીએને મળેલ હાર બાદ પણ પટનાયકે ઓરિસ્સામાં અનેડીએને સુરક્ષીત રાખવામાં સફળ રહ્યા હતા. પણ એનડીએથી દૂર થઈ ગયા. ૨૦૦૯માં પોતાના દમ ઉપર ચૂંટણી લડી ઓરિસ્સાના મુખ્યમંત્રી બન્યા. જેમાં તેમણે ૧૪૭માંથી ૧૦૩ બેઠકો મેળવી અને લોકસભામાં પણ ૨૧માંથી ૧૪ બેઠકો જીતી હતી.

મોદીની ૨૦૧૪ની લહેરમાં પણ ઓરિસ્સામાં નવીન પટનાયકે ઈતિહાસ રચી ૨૧ લોકસભામાંથી ૨૦ બેઠકો જીતી હતી. ૨૦૧૯માં પણ નવીન પટનાયકનો જાદુ યથાવત રહ્યો છે. તેમણે સતત પાંચમીવાર આજે મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કર્યા છે.

(3:12 pm IST)