Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

જેટ એરવેઝ બંધ થવાનો સીધો ફાયદો ઇન્ડિગો, સ્પાઇસ જેટને

બન્ને કંપનીઓએ વધારે નફો રળ્યો છે અને સાથો સાથ વધારે મુસાફરોને પ્રવાસ કરાવ્યો છે

મુંબઇ તા. ર૯ :.. દેશની એક સમયની સૌથી મોટી ખાનગી ક્ષેત્રની વિમાની સેવા જેટ એરવેઝ દેવું સમયસર ભરપાઇ નહીં કરવા માટે અને પગાર ચૂકવી નહીં શકતાં અત્યારે બંધ છે. આ સ્થિતીનો સીધો જ ફાયદો ઇન્ડિગો અને સ્પાઇસ જેટને થયો છે. બન્ને કંપનીઓએ વધારે નફો રળ્યો છે અને સાથોસાથ વધારે મુસાફરોને પ્રવાસ કરાવ્યો છે.

મંગળવારે સ્પાઇસ જેટે માર્ચ, ર૦૧૯ ના રોજ પૂરા થતા કવોર્ટરનાં પરિણામ જાહેર કર્યા હતાં. સ્પાઇસ જેટનો નફો રૃા. પ૬.ર૯ કરોડ નોંધાયો છે જે ગત વર્ષે માર્ચમાં રૃા. ૪૬.૧પ કરોડ હતો એટલે કે રર ટકાનો વધારો થયો છે. બજારમાં જેટ એરવેઝ બંધ હોવાથી કંપની વધારે મુસાફરોને પ્રવાસ માટે સેવા આપી શકે તે માટે એપ્રિલ અને મે મહિનામાં પોતાની સેવામાં રપ વિમાનો જોડયાં હતાં. કંપનીએ આગામી એક વર્ષમાં વધુ ૩પ વિમાનો ઉમેરવાની જાહેરાત પણ કરી હતી.

વધારે વિમાન ઉમેર્યા છતાં પ્રવાસી ક્ષમતા ર૧ ટકા વધી હતી, જયારે સ્પાઇસ જેટ દ્વારા ભાડામાં પણ ૧૧ ટકાનો વધારો જાહેર કરવામાં આવ્યો હતો.

દરમ્યાન, સોમવારે ઇન્ડિગો એરલાઇન્સે માર્ચ, ર૦૧૯ ના કવોર્ટરમાં પોતાનો નફો પાંચ ગણો વધી રૃા. પ૮૯.૬ કરોડ થયો હોવાની જાહેરાત કરી છે. ગત વર્ષે આ સમય ગાળામાં કંપનીનો નફો રૃા. ૧૧૭.૬૦ કરોડ હતો. ઇન્ડિગો પાસે અત્યારે પ૦ ટકા બજાર હિસ્સો છે. ઇન્ડિગોની આવક માર્ચના અંતે રૃા. ૮રપ૯.૮૦ કરોડ રહી હતી, જે ગત વર્ષે રૃા. ૬૦૯૭.૭ કરોડ હતી. જો કે, નાણાકીય વર્ષ ર૦૧૮-૧૯ માં કંપનીનો નફો રૃા. રર૪ર કરોડ સામે ૯૩ ટકા ઘટી રૃા. ૧પ૬.૧ કરોડ રહ્યો હતો. ભારતીય ચલણમાં ઉતાર - ચડાવ અને ઇંધણના વધતા ભાવના  કારણે નફો ઘટયો હોવાનું કંપનીના મેનેજમેન્ટે જણાવ્યું હતું.

(11:55 am IST)