Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

નવો ઇતિહાસ રચાયો : લોકસભામાં સૌથી વધુ 78 મહિલા સાંસદો જીત્યા:સૌથી વધુ ભાજપના ચૂંટાયા: કોંગ્રેસથી માત્ર સોનિયા ગાંધી

ભાજપના 40 મહિલા સાંસદ બન્યા :27 મહિલાઓ બીજીવાર જીત્યા :યુપી અને બંગાળમાંથી સૌથી વધુ 11-11 મહિલા ચૂંટાયા

નવી દિલ્હી :લોકસભા 2019ની ચૂંટણીના પરિણામ જાહેર થતા ભાજપને પ્રચંડ બહુમતી મળી છે, ત્યારે કોંગ્રેસ માત્ર 52 બેઠકો પર સમેટાઈ ગઈ છે. આ વખતે જીતનાર સાંસદોની લિસ્ટમાં મહિલાઓની સંખ્યા 78 છે. જેમાંથી 40 મહિલા સાંસદો ભાજપની ટિકિટ પર જીતી છે.78માંથી 27 મહિલા સાંસદો બીજી વાર જીત્યા છે. મહિલાઓની ભાગીદારીમાં યુપી અને બંગાળ આગળ છે, આ બંને રાજ્યોમાંથી 11-11 મહિલા સાંસદો ચૂંટાયા છે.

    અત્રે ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણીમાં કુલ 8049 ઉમેદવારો મેદાનમાં હતા. તેમાં 724 મહિલા ઉમેદવારો હતા. હાલની લોકસભામાં મહિલા સાંસદોની સંખ્યા 64 છે. કોંગ્રેસે સૌથી વધુ 54 અને ભાજપે 53 મહિલા ઉમેદવારોને ચૂંટણી લડાવી હતી.

 અન્ય રાષ્ટ્રીય પક્ષોમાં બસપાએ 24, તૃણમુલ કોંગ્રેસે 23, માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટીએ 10, ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીએ 4, એનસીપીએ એક મહિલા ઉમેદવારને ટિકિટ આપી હતી. જ્યારે અપક્ષ મહિલા ઉમેદવારોની સંખ્યા 222 હતી

 આ વખતે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને અમેઠીમાં હરાવનાર એક મહિલા જ છે. રાહુલ ગાંધીને ભાજપના સ્મૃતિ ઈરાહીને હરાવ્યા છે. તો બીજી તરફ કોંગ્રેસ તરફથી એક માત્ર મહિલા સાંસદ સોનિયા ગાંધી છે, જે રાયબરેલીથી જીત્યા છે. યુપીમાં કોંગ્રેસ આ એક જ બેઠક જીતી શકી છે. પ્રજ્ઞા ઠાકુરે પણ ભોપાલમાં દિગ્વિજયસિંહને મોટી લીડથી હરાવ્યા છે.

  ચૂંટણી હારનારી મહિલા ઉમેદવારોમાં સૌથી મોટું નામ સપા અધ્યક્ષ અખિલેશ યાદવના પત્ની ડિમ્પલ યાદવનું છે. ડિમ્પલ યાદવ ક્ન્નૌજ બેઠક પરથી હાર્યા, તો રામપુર બેઠક પરથી અભિનેત્રી જયાપ્રદાએ હાર સહન કરવી પડી. આસનસોલથી ટીએમસીના ઉમેદવાર મુનમુન સેન, સિલચરથી કોંગ્રેસની સુષ્મિતા દેવ, સુપૌલથી કોંગ્રેસની સંજીત રંજને પણ હારનો સામનો કરવો પડ્યો.

મથુરાથી હેમા માલિની, ચંદીગઢથી કિરણ ખેર, સુલ્તાનપુરથી મેનકા ગાંધી, મિર્ઝાપુરથી અપના દલની અનુપ્રિયા પટેલ, નવી દિલ્હીથી મિનાક્ષી લેખી ભાજપના પ્રમુખ મહિલા સાંસદો છે. આ તમામ સાંસદો બીજી વાર જીત્યા છે

   મહિલા સાંસદોની સૌથી ઓછી સંખ્યા 9મી લોકસભામાં હતી. 9મી લોકસભામાં માત્ર 28 મહિલાઓ હતી જ્યારે આ વખતે 78 મહિલા સાંસદોએ નવો ઈતિહાસ રચ્યો છે. નવી લોકસભામાં મહિલા સાંસદોની સંખ્યા કુલ સંખ્યાના 14 ટકા છે

(11:37 am IST)