Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

GSTમાં મસમોટી રાહતો આપવા તૈયારી

જૂનના પ્રથમ સપ્તાહમાં કાઉન્સીલની બેઠકઃ જીએસટી દરોના સ્લેબ ઘટાડવા તૈયારીઃ ૧૨ ટકા અને ૧૮ ટકાના દરોને બદલે એક નવો દર લવાશેઃ જીએસટીને સરળ બનાવવા કવાયતઃ રીફંડમાં પણ રાહત અપાશે

નવી દિલ્હી, તા. ૨૯ :. બીજીવાર સત્તામાં આવેલ મોદી સરકાર જીએસટીના મોર્ચે મોટા પગલાઓ લેવા જઈ રહી છે. સરકારી સૂત્રોનું માનવામાં આવે તો સરકાર જીએસટી હેઠળ હાલના ચાર સ્લેબના દરો ઘટાડવાની યોજના પર કામ કરી રહી છે.

નાણા મંત્રાલયમાં આ બાબતે નિર્ણય લેવાઈ ગયો છે કે નવી સરકાર બન્યા પછી થનારી જીએસટી પરિષદની બેઠકમાં જીએસટી દરોને મર્જ કરવાની શકયતાઓની રૂપરેખા તૈયાર કરવા બાબતે ચર્ચા થશે. મંત્રાલયના અધિકારીઓએ આના માટેની પ્રાથમિક તૈયારીઓ પુરી કરી લીધી છે. સૂત્રોએ જણાવ્યુ છે કે આવતા સપ્તાહે મળનારી બેઠકમાં આ બાબતે નક્કી કરવામાં આવશે કે દેશમાં જીએસટીના દરો કેટલા હોવા જોઈએ. સાથે જ તે પ્રસ્તાવિત દરોને હાલના સ્લેબના સામાનોને કઈ રીતે મુકવા, જાણકારી અનુસાર દરોના મર્જરના પ્રસ્તાવને મંજુરી મળ્યા પછી આ કેસ જીએસટીની ફીટમેન્ટ કમિટિને મોકલી દેવાશે. આ કમીટીમાં કેન્દ્ર અને રાજ્યોના અધિકારીઓ સામેલ છે. દરો પર તેમના રીપોર્ટ પછી જ તેને અમલમાં મુકાશે. અત્યારે દેશમાં મુખ્યત્વે ચાર સ્લેબ છે. જેમાં કોઈ પણ વસ્તુ કે સેવા ઉપર ૫, ૧૨, ૧૮ અને ૨૮ ટકાના દરે જીએસટી લાગે છે.  લકઝરી અને આરોગ્ય માટે હાનિકારક પદાર્થોને છોડીને બાકીની ચીજો માટે ૨૮ ટકાનો દર તબક્કાવાર સમાપ્ત કરવામાં આવી રહ્યો છે. હવે સરકારની આગલી પ્રાથમિકતા ૧૨ ટકા અને ૧૮ ટકાના સ્લેબને મર્જ કરીને એક જ સ્લેબ બનાવવાની છે. આ અંગેનો નિર્ણય બહુ જલ્દી વેવાઈ શકે છે.  જીએસટીને સરળ બનાવવા માટે સરકાર તેમાં સતત સુધારાઓ કરી રહી છે. તેના સ્લેબ ઓછા કરવા બાબતે તો નાણામંત્રી અરૂણ જેટલી પર ઘણીવાર બોલી ચૂકયા છે. આગામી બેઠકમાં પણ તેને વધુ સરળ બનાવવા માટે કેટલાય ફેરફારો પર ચર્ચા થશે. ખાસ કરીને નિકાસકારોને રાહત આપવા માટે તેમનું જીએસટી રીફંડ રાજ્ય અને કેન્દ્રના અધિકારીઓની મંજુરીની જગ્યાએ એક જ જગ્યાની મંજુરી દ્વારા મેળવી શકવાના પ્રસ્તાવને પણ મંજુરી મળી શકે છે. લોટરી અંગેના અલગ અલગ સ્લેબ અંગે પણ પરિષદ પોતાનું વલણ સ્પષ્ટ કરી શકે છે.

(11:26 am IST)