Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

કાલે શપથગ્રહણ સમારોહઃ મોદી-શાહની બેઠકમાં મંત્રીમંડળની ફોર્મ્યુલા ઘડાઈ

ગઈકાલે સાંજે મોદી-શાહ વચ્ચે ચાર કલાક બેઠકઃ આજે સાંજ સુધીમાં ભાવિ પ્રધાનોને નામોની જાણ કરી દેવાશેઃ નવા અને જૂનાઓનું મિશ્રણ જોવા મળશેઃ દિગ્ગજોને હરાવનારને પણ પ્રધાન બનાવાશેઃ સાથી પક્ષોને તથા વિવિધ પ્રદેશોને પુરતુ પ્રાધાન્ય આપવા પ્રયાસઃ સૌની નજર શાહ ઉપરઃ મંત્રીમંડળમાં જોડાશે ?

નવી દિલ્હી, તા. ૨૯ :. શપથગ્રહણ પહેલા ભાજપ અધ્યક્ષ અમિત શાહ ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. બન્ને વચ્ચે લંબાણપૂર્વક બેઠક ચાલી હતી. જેમાં મંત્રી મંડળની  ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી હતી. માનવામાં આવે છે કે આ બેઠકમાં મંત્રી મંડળના ભાવિ સ્વરૂપને લઈને માળખુ તૈયાર કરવામાં આવ્યુ હતું. આજે સાંજે ભાવિ પ્રધાનોને તેની માહિતી આપી દેવામાં આવશે. ભાજપના મહાવિજય બાદ મંત્રી મંડળને લઈને અટકળોનું બજાર ગરમ છે.

ગઈકાલે સાંજે પીએમ અને ભાજપ અધ્યક્ષ વચ્ચે ૪ કલાક લાંબી બેઠક ચાલી હતી. જેમાં માપદંડ પણ નક્કી થયા અને ભાવિ પ્રધાનોના નામ પણ નક્કી કરવામાં આવ્યા હતા. ભાજપની સાથે સાથે સાથી પક્ષો તરફથી પણ આવેલા નામો પર ચર્ચા થઈ હતી અને જીતેલી બેઠકોના આધાર પર પ્રધાનોની સંખ્યાની ફોર્મ્યુલા પણ નક્કી થઈ હતી.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે નવા મંત્રી મંડળમાં અનેક જૂના ચહેરાઓ હશે અનેક નવાઓ પણ હશે. જોવાનુ એ રહે છે કે અમિત શાહ મંત્રી મંડળમાં આવશે કે નહિ ? મંત્રી મંડળના શપથગ્રહણ સમારોહ માટે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓને આમંત્રણ અપાયા છે. ઉપરાંત નેપાળ, ભુટાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, થાઈલેન્ડ અને મ્યામારને  પણ આમંત્રણ અપાયુ છે. આ બધા તેમા હાજર રહેશે.

મોદી સરકારમાં પહેલીવાર સાંસદ બનેલા નેતાઓને પણ નેતા બનવાની આશા છે. આમા એવા પણ કેટલાક છે જેમણે વિરોધ પક્ષના ટોચના નેતાઓને હરાવ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે પહેલીવાર મંત્રી બનવા માટે યુપીથી સત્યદેવ પચોરી, વિનોદ સોનકર, ઓડીશાથી અપરાજીતા સારંગી, સંગીતાસિંહ દેવ, છત્તીસગઢથી મોહન મંડાવી, ગુહરામ અજગલે, હરીયાણાથી અરવિંદ શર્મા વગેરેના નામો છે. દેવગૌડાને હરાવનાર વાસવરાજ પાટીલ, ખડગેને હરાવનાર ઉમેશ જાધવ, જ્યોતિરાદિત્ય સિંધીયાને હરાવનાર કે.પી. યાદવના નામ પણ ચર્ચામાં છે. આ ઉપરાંત રીટા બહુગુણા જોશી, ભાવના ગવલી, એસ.પી.એસ. બધેલ, ભાનુપ્રતાપ વર્મા, રેખા વર્મા, અનિલ દેસાઈ, સુખબીર બાદલ, ચિરાગ પાસવાનના નામ પણ ચર્ચામાં છે.

(10:07 am IST)