Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

અભણ વ્યકિત રાહદારી માટે જોખમી

જે લોકો સાઇન બોર્ડ-ચેતવણીના સંકેતો-સિગ્નલ સમજી શકતા ન હોય તેઓના લાયસન્સ રદ કરશે

રાજસ્થાન હાઇકોર્ટનો મહત્વનો આદેશ

જયપુર/નવી દિલ્હી, તા.૨૯: રાજસ્થાન હાઈકોર્ટની સિંગલ બેન્ચના અવલોકન મુજબ, અભણ વ્યકિત રાહદારીઓ માટે વાસ્તવિક જોખમ છે. હાઈકોર્ટે રાજય સરકારને આદેશ આપ્યો કે, જે લોકો રસ્તા પરના સાઈન બોર્ડ, ચેતવણીના સંકેતો અને અન્ય સિગ્નલ ના સમજી શકતાં હોય તેમના લાઈસન્સ પાછા ખેંચી લેવામાં આવે. હાઈકોર્ટે ટ્રાન્સપોર્ટ ઓથોરિટીને યોગ્ય સૂચના, માર્ગદર્શિકા આપવાનો નિર્દેશ કર્યો છે સાથે જ લખી-વાંચી ન શકતા લોકોને લાઈસન્સ આપવામાં આવ્યું હોય તેમની સામે પગલાં લેવા. અમારા સહયોગી TOI પાસે કોર્ટના ઓર્ડરની કોપી છે.

દીપક સિંહ નામના અભણ વ્યકિતએ રિટ પિટિશનમાં રજૂઆત કરી કે, તેને હેવી મોટર વ્હીકલ (HMV) ડ્રાઈવિંગ લાઈસન્સ આપવા માટે હાઈકોર્ટ ટ્રાન્સપોર્ટ વિભાગને સૂચના આપે. દીપક સિંહની રિટ પિટિશન રદ કરતાં જસ્ટિસ સંજીવ પ્રકાશ શર્માએ કહ્યું, 'કોર્ટના મતે, મોટર વ્હીકલના નિયમો માત્ર લાઈસન્સ વાંચ્છુક વ્યકિતઓના હિત માટે નહીં પણ રસ્તાનો ઉપયોગ કરતાં લોકોને પણ ધ્યાનમાં રાખીને બનવા જોઈએ.'

જસ્ટિસ સંજીવ પ્રકાશ શર્માએ આગળ કહ્યું, 'અભણ વ્યકિતને કોઈપણ પ્રકારનું વાહન ચલાવવા માટે લાઈસન્સ આપવાની મંજૂરી ના આપી શકાય કારણકે તે રાહદારીઓ માટે વાસ્તવિક જોખમ સાબિત થઈ શકે. અભણ વ્યકિત માણસોની સુરક્ષા માટે હાઈવે અને શહેરની અંદરના રોડ પર લગાવેલી સાઈન અને ચેતવણીની નોટિસો સમજવામાં અસક્ષમ હોય છે.' આ સાથે જ કોર્ટે અરજીકર્તા દીપક સિંહનું લાઈટ મોટર વ્હીકલ (LMV) લાઈસન્સ પણ પાછું ખેંચી લેવાનો આદેશ આપ્યો છે.

કેંદ્ર સરકારના અધિકારીઓએ કહ્યું કે, સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સ (CMVR)માં નોન-કોમર્શિયલ LMV ડ્રાઈવિંગ લાઈસન્સ મેળવવા માટે લદ્યુત્ત્।મ લાયકાતની જોગવાઈ નથી પણ દરેક અરજી કરનાર વ્યકિતએ ટેસ્ટ પાસ કરવી પડે છે. જેમાં રોડ પરની સાઈન, ટ્રાફિક સાઈન અને કેટલાક ઓબ્જેકિટવ સવાલના જવાબ આપવાના હોય છે. જયારે કોમર્શિયલ વ્હીલકલ લાઈસન્સ મેળવવા વ્યકિત પાસે ધોરણ ૮ પાસ કર્યાનું સર્ટિફિકેટ હોવું જરૂરી છે.

(10:06 am IST)