Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

ઓનલાઇન અને ચીનની કંપનીઓના આક્રમક વેચાણથી

૪૩થી ૫૫ ઇંચનાં TVભાવ રૂ.૧૫,૦૦૦ ઘટશે

કોલકાતા, તા.૨૮: ઓનલાઇન અને ચીનની કંપનીઓના આક્રમક વેચાણથી ગભરાયેલી સેમસંગ અને LGને TVના ભાવમાં અત્યાર સુધીનો સૌથી તીવ્ર ઘટાડો કરવાની ફરજ પડી છે.

એકિઝકયુટિવ્સના જણાવ્યા અનુસાર બંને કંપની દિવાળી સુધીમાં ૪૩-૫૫ ઇંચની સ્ક્રીન સાઇઝના TVના ભાવમાં લગભગ ૨૦ ટકાનો ઘટાડો કરશે. જેની શરૂઆત આગામી મહિને ૮-૧૨ ટકાના દ્યટાડા સાથે થવાની શકયતા છે.

ચાલુ મહિનાના અંતે ક્રિકેટ વિશ્વ કપ શરૂ થઈ રહ્યો છે અને આ ગાળામાં TVના વેચાણમાં મોટો વધારો થાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સપ્ટેમ્બર સુધીમાં TVના ભાવમાં લગભગ ઈં ૮,૦૦૦-૧૫,૦૦૦નો ઘટાડો નોંધાશે. સેમસંગ અને LG શાઓમી, TCL, થોમસન અને Vu જેવી ઓનલાઇન અને ચાઇનીઝ બ્રાન્ડ્સના ભાવની બરાબરી કરવા માંગે છે અથવા તેમની સરખામણીએ માત્ર ૫-૧૦ ટકા પ્રીમિયમનો ઇરાદો ધરાવે છે. એકિઝકયુટિવ્સના જણાવ્યા અનુસાર અન્ય કંપનીઓ દ્વારા ભાવમાં ઘટાડાને કારણે સોનીને પણ વધુ પ્રાઇસ-કટની ફરજ પડશે. ઉલ્લેખનીય છે કે, કંપનીએ ગયા મહિને ૪૦ ઇંચથી ઓછા કદના TVના ભાવમાં ૭-૮ ટકા ઘટાડો કર્યો હતો.

સોની, LG અને સેમસંગને છેલ્લા એક વર્ષમાં ચાઇનીઝ અને ઓનલાઇન બ્રાન્ડ્સની તીવ્ર સ્પર્ધાથી ૩૨ ઇંચ સ્ક્રીનની કેટેગરીમાં મોટો ફટકો પડ્યો છે. એટલે તે ૪૩-૫૫ ઇંચની સ્ક્રીન સાઇઝમાં બજારહિસ્સો જાળવી રાખવા માંગે છે. કારણ કે ઓનલાઇન બ્રાન્ડ્સ હવે આ કેટેગરીમાં સક્રિય થવાના સંકેત છે. સેમસંગ અને LGને આ મુદ્દે મોકલાયેલા ઇ-મેઇલનો કોઈ જવાબ મળ્યો ન હતો.

ગ્રેટ ઈસ્ટર્ન રિટેલના ડિરેકટર પુલકિત બૈદે જણાવ્યું હતું કે, 'મોટી બ્રાન્ડ્સનું ફોકસ હવે ૩૨ ઇંચથી ખસીને ૪૩-૫૫ ઇંચની કેટેગરી પર કેન્દ્રિત થઈ રહ્યું છે. જેથી આ સેગમેન્ટમાં એટલા જ ભાવમાં મળતી ચાઇનીઝ બ્રાન્ડ્સ સાથે સ્પર્ધા કરી શકાય.' તેમણે કહ્યું હતું કે, 'ભાવમાં ગયા વર્ષે આક્રમક ઘટાડાને કારણે ૪૩ ઇંચનું UHD TV સેગમેન્ટ સૌથી ઝડપી વૃદ્ઘિ દર્શાવી રહ્યું છે.' બૈદના મતે આગામી ત્રણ મહિનામાં ૫૫ ઇંચથી ઓછી કેટેગરીમાં આક્રમક ભાવદ્યટાડો થશે. ગ્રેટ ઈસ્ટર્ન રિટેલ ૫૮ સ્ટોર્સનું સંચાલન કરે છે.

(10:05 am IST)