Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

મધ્યપ્રદેશમાં કેશ સ્કેન્ડલ બાદ કમલનાથની મુશ્કેલી વધી શકે

ઓડિયો ટેપમાં કેટલીક ચોંકાવનારી વિગતો ખુલી : ઓડિયો ટેપમાં લેવડદેવડ અને સરકારી અધિકારીઓને ધમકીઓ મળી રહી છે : ઉંડી તપાસની સ્વામીની માંગ

ભોપાલ, તા. ૨૮ : લોકસભાની ચૂંટણીમાં કારમી હાર થયા બાદ કર્ણાટકની સાથે સાથે મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં કોંગ્રેસ સરકાર સામે પણ અનેક પડકારો આવી ગયા છે. મધ્યપ્રદેશમાં ઓડિયોથી કમલનાથની મુશ્કેલી વધે તેવા સંકેત દેખાઈ રહ્યા છે. લોકસભાની ચૂંટણીથી પહેલા કેશ સ્કેન્ડલને લઇને હાહાકાર મચી ગયો છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથ અને તેમના ઓએસડી પ્રવિણ કક્કડના એક ઓડિયોથી હોબાળો મચી ગયો છે. લોકસભાની ચૂંટણીથી પહેલાના આ ઓડિયોમાં કહેવામાં આવ્યું છે કે, પૈસાની લેવડદેવડ અને સરકારી અધિકારીઓને ધાક ધમકી આપવાની વિગતો ખુલી રહી છે. આવકવેરા વિભાગના ડોઝિટરમાં લોકસભા ચૂંટણીથી પહેલા એક મોટા કેશ સ્કેન્ડલનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આની શંકા દર્શાવવામાં આવી રહી છે. ઓડિયોના શરૂઆતમાં હવાલા દેવડદેવડ અને ચૂંટણી જીતવા માટે અધિકારીઓને ધાક ધમકી આપવામાં આવી રહી છે. આ વિડિયોમાં કમલનાથ પોતાના ઓએસડી કક્કડ સાથે વાતચીત કરતા પણ નજરે પડી રહ્યા છે. કમલનાથ માઇનિંગ અને પરિવહન વિભાગના અધિકારીઓ પર ચૂંટણીના સંદર્ભમાં દબાણ લાવવા કહેવામાં આવી રહ્યું છે. એવા અહેવાલ પણ મળ્યા છે. આવકવેરા વિભાગે મુખ્યમંત્રી કમલનાથ સહિત અનેક મોટા કોંગ્રેસી નેતાઓ ઉપર કાયદાકીય પગલા લેવા માટે ડોઝિયર તૈયાર કરી લીધા છે. જો કે, કમલનાથે આ પ્રકારના આક્ષેપોને રદિયો આપી દીધો છે. આવક વેરા વિભાગના અધિકારીઓએ આ સંદર્ભમાં કોઇ વાત કરી નથી. લોકસભા ચૂંટણી પહેલા એપ્રિલ મહિનામાં આવકવેરા વિભાગે કમલનાથના નજીકના સાથી પ્રવિણ કક્કડના આવાસ ઉપર અને ઓફિસ ઉપર મોટાપાયે દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન મોટા પ્રમાણમાં રોકડ રકમ જપ્ત કરવામાં આવી હતી. દરોડા દરમિયાન ૩૦ કરોડની રોકડ રકમ મળી આવી હતી. બીજી બાજુ ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ ઓડિયો ટેપની તપાસ કરવાની માંગ કરી છે અને કહ્યું છે કે, આ ખુલાસા બાદ કેટલીક એવી ચીજો સપાટી ઉપર આવી છે જેમાં તપાસ થવી જોઇએ.

(12:00 am IST)