Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

ટીએમસીના બે ધારાસભ્ય, ૫૦ કાઉન્સિલર અંતે ભાજપમાં ઇન

લોકસભાની ચૂંટણી બાદ મમતા બેનર્જીને વધુ એક ફટકો પડ્યો : ટીએમસીને લોકસભાની ચૂંટણીની જેમ સાત તબક્કામાં એક પછી એક ફટકા અપાશે : ટીએમસીના વધુ સભ્યો ભાજપમાં જોડાઇ શકે : મમતા બેનર્જી મુશ્કેલીમાં

કોલકાતા,તા. ૨૮ : પશ્ચિમ બંગાળમાં લોકસભાની ચૂંટણીમાં ૧૮ બેઠકો જીતનાર ભારતીય જનતા પાર્ટીએ હવે મુખ્યમંત્રી મમતા બેનર્જીના નેતૃત્વમાં ટીએમસીને વધુ એક મોટો ફટકો આપી દીધો છે. જેના ભાગરુપે આજે બંગાળમાં શાસક પક્ષ ટીએમસીના બે ધારાસભ્યો અને આશરે ૫૦ ટીએમસી કાઉન્સિલરો ભાજપમાં જોડાઈ ગયા હતા. ટીએમસીના મોટી સંખ્યામાં લોકો ભાજપમાં સામેલ થતાં મમતા બેનર્જી હચમચી ઉઠ્યા છે. આ સંદર્ભમાં વાત કરતા ભાજપના વરિષ્ઠ નેતાઓનું કહેવું છે કે, આતો માત્ર શરૂઆત થઇ છે. બંગાળમાં હજુ પણ ટીએમસીના મોટી સંખ્યામાં લોકો ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઇ રહ્યા છે. ભાજપના રાષ્ટ્રીય જનરલ સેક્રેટરી કૈલાશ વિજયવર્ગીય દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, સભ્યો હજુ પણ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઇ શકે છે. મમતા બેનર્જીના ગઢમાં ગાબડા પડવાની શરૂઆત થઇ ચુકી છે. સૌથી પહેલા લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ૧૮ બેઠકો જીતીને જોરદાર સપાટો બોલાવ્યો હતો જ્યારે બીજી બાજુ હવે લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ ટીએમસીના બે અને સીપીએમના એક ધારાસભ્ય ભાજપમાં જોડાઈ ગયા છે. ૫૦ કાઉન્સિલરો પણ ટીએમસીમાં જોડાઈ ગયા છે. દિલ્હીમાં આ તમામ નેતાઓએ ભાજપની મેમ્બરશીપ લઇ લીધી હતી. ૨૦૧૭માં ભાજપમાં સામેલ થયેલા ટીએમસીના પૂર્વ દિગ્ગજ નેતા મુકુલ રોયના પુત્ર સુભ્રાંશુ રોય સહિત ત્રણ ધારાસભ્ય ભાજપમાં જોડાઈ ગયા છે. એક ધારાસભ્ય ડાબેરી પક્ષ સીપીએમના છે. સુભ્રાંશુ રોય બીજપુરમાંથી ધારાસભ્ય છે જ્યારે વિષ્ણુપુરમાંથી ટીએમસીના ધારાસભ્ય તુષાર કાંતિ ભટ્ટાચાર્ય, હેમતાબાદમાંથી સીપીએમના ધારાસભ્ય દેવેન્દ્ર રોય પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. ભાજપમાં આ નેતાઓ સામેલ થયા બાદ બંને પક્ષો વચ્ચે હિંસા ભડકે તેવા સંકેત દેખાઈ રહ્યા છે.

લોકસભાની ચૂંટણીમાં પશ્ચિમ બંગાળમાં જોરદાર દેખાવ બાદ ભાજપ વધુ આક્રમક વલણ અપનાવીને ટીએમસી અને મમતા બેનર્જીને પડકાર ફેંકવાના મૂડમાં છે. રોય પોતે ૨૦૧૭માં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. મુકુલ રોયના પુત્ર સુભ્રાંશુને ટીએમસી પાર્ટી વિરોધી ગતિવિધિના આરોપમાં પહેલાથી જ સસ્પેન્ડ કરી ચુક્યા છે. કાચરાપારા મ્યુનિસિપલના ૧૭ કાઉન્સિલરો ભાજપમાં સામેલ થયા છે. મ્યુનિસિપલના ચેરમેન અને વાઇસ ચેરમેન સહિત  ૧૭ કાઉન્સિલરો ભાજપમાં સામેલ થઇ ગયા છે. એકંદરે ૨૬ કાઉન્સિલરો વાળા આ ગૃહના ૧૭ સભ્યોના ભાજપમાં સામેલ થવાથી અહીં ભારતીય જનતા પાર્ટીની સત્તામાં એન્ટ્રી થઇ છે. આ ઉપરાંત અન્ય બે મ્યુનિસિપાલિટી પર ભાજપે કબજો જમાવી લીધો છે. ત્રણ મ્યુનસિપાલટીના આશરે ૫૦ કાઉન્સિલરો સામેલ થઇ ગયા છે. ધારાસભ્યો અને કાઉન્સિલરોને ભાજપમાં સામેલ કરાવતી વેળા પાર્ટીના મહાસચિવ કૈલાશ વિજયવર્ગીય ટીએમસીને હજુ પણ વધુ મોટા ફટકા આપવાનો સંકેત આપ્યો છે. વિજયવર્ગીયએ કહ્યું છે કે, આ પ્રથમ ચરણ છે જે રીતે ચૂંટણીમાં સાત તબક્કા થયા હતા તે જ રીતે સાત રાઉન્ડમાં ટીએમસીના નેતાઓ પણ ભાજપમાં સામેલ કરવામાં આવશે.

(12:00 am IST)