Gujarati News

Gujarati News

News of Tuesday, 29th May 2018

સંઘના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા પ્રણવ મુખરજી સંમત

કોંગ્રેસ પાર્ટીમાં નારાજગીનું મોજુ ફેલાઇ ગયું : સાતમી જૂનના દિવસે નાગપુરમાં રાષ્ટ્રવાદના મુદ્દા ઉપર પ્રણવ મુખર્જી સંબોધન કરશે : કોંગીની ભાજપ દ્વારા ટિકા

નવી દિલ્હી,તા. ૨૯ : પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી દ્વારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યક્રમમાં સામેલ થવાનું આમંત્રણ સ્વીકારી લેવામાં આવતા આને લઇને કોંગ્રેસ પાર્ટીમાં નારાજગીનું મોજુ ફરી વળ્યું છે. કોંગ્રેસના નેતા સંદીપ દિક્ષીતે આના પર પ્રશ્નો ઉભા કરીને નવી સમસ્યા સર્જી છે. બીજી બાજુ ભાજપે કોંગ્રેસ ઉપર વળતા પ્રહારો કર્યા છે. સંઘ સાથે લાંબા સમયથી જોડાયેલા ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું છે કે, આરએસએસ કોઇ પાકિસ્તાની સંગઠન નથી જેને લઇને વિવાદ કરી શકાય. ગડકરીએ કહ્યું છે કે, લોકો શરાબની દુકાન ઉપર પહોંચી જાય છે. લેડીઝ બારમાં પણ પહોંચી જાય છે. આવી સ્થિતિમાં જો પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યક્રમમાં હાજરી આપવા માટે પહોંચે છે તો તેને કોઇ મુદ્દો બનાવવો જોઇએ નહીં. તેમણે કહ્યું હતું કે, રાજકીય અશ્યપૃશ્યતા સારી બાબત નથી. સંઘના કાર્યક્રમમાં જવાને લઇને કોઇ ટિપ્પણી કરવી જોઇએ નહીં. બીજી બાજુ સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે ખુબ જ સાવધાનીપૂર્વકની પ્રતિક્રિયા આપી છે અને કહ્યું છે કે, તેઓ આ મામલામાં કોઇ ટિપ્પણી કરવા માંગતા નથી પરંતુ એટલું ચોક્કસપણે કહેશે કે સંઘની વિચારધારાથી દેશને બચાવવાની જરૂર છે. સંદીપ દિક્ષીતે કહ્યું હતું કે જે સંઘના વિરુદ્ધમાં વિચારધારા ધરાવે છે તેઓ હવે તેમના કાર્યક્રમમાં જવા માટે તૈયાર થઇ રહ્યા છે. કાર્યક્રમમાં પ્રણવ મુખર્જી શું કહે છે તે બાબત મહત્વની બની ગઈ છે. દિક્ષીતે કહ્યું છે કે, પ્રણવ મુખર્જી સાંપ્રદાયિકતા અને હિંસાને લઇને સંઘની ભૂમિકા પર અગાઉ પ્રશ્નો ઉઠાવી ચુક્યા છે. સંઘને આ બાબતની માહિતી હશે. જો સંઘના લોકો તેમને પોતાના કાર્યક્રમમાં બોલાવી રહ્યા છે તો પ્રણવ મુખર્જીએ પોતાની વિચારધારા બદલી છે કે પછી સંઘમાં કોઇ સ્વાભિમાન જેવી બાબત રહી નથી. બીજી બાજુ ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું છે કે, પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી પણ સંઘના કામોની પ્રશંસા કરી ચુક્યા છે. જવાહરલાલ નહેરુ પણ સંઘને પૂર્ણ સન્માન આપતા હતા. આજે દુનિયાના જુદા જુદા ક્ષેત્રોમાં સંઘને એક અલગ ઓળખ મળી છે. પ્રણવ મુખર્જી કાર્યક્રમમાં હાજરી આપી શું નિવેદન કરે છે તે બાબત ઉપયોગી રહેશે. સ્વામીએ કહ્યું છે કે, જ્યારે પરિસ્થિતિ બદલે છે ત્યારે વલણ પણ બદલે છે. લાલબહાદુર શાસ્ત્રીએ પણ સંઘને મહત્વ આપ્યું હતું. આજે કોંગ્રેસનું પતન થઇ રહ્યું છે. પ્રણવ મુખર્જીને ચોક્કસપણે દેશની ચિંતા રહેલી છે. બીજી બાજુ સત્તાવારરીતે કોંગ્રેસ પાર્ટીએ આ સંબંધમાં કોઇ પ્રતિક્રિયા આપી નથી. પ્રણવ મુખર્જી ૭મી જૂનના દિવસે નાગપુરમાં યોજાનાર સંઘના કાર્યક્રમમાં ભાગ લેશે. રાષ્ટ્રવાદ પર નિવેદન કરવા માટે તેમને કહેવામાં આવ્યું છે. પ્રણવ મુખર્જી નિમંત્રણ સ્વીકારી પણ ચુક્યા છે. તેઓ નાગપુરમાં સંઘના એવા કાર્યકરોને સંબોધન કરશે જે લોકો સંઘના શૈક્ષણિક પાઠ્યક્રમના તૃતીય શિક્ષણ વર્ગને પાસ કરી ચુક્યા છે. આ ટ્રેનિંગ પાસ કરનાર લોકો આગળ જઇને પૂર્ણકાલિન પ્રચારક બની શકે છે. રાષ્ટ્રપતિ ભવનમાં અગાઉ પ્રણવ મુખર્જીને સંઘના લોકો પણ મળી ચુક્યા છે. સુત્રોના કહેવા મુજબ સરસંઘ ચાલક મોહન ભાગવતે અગાઉ મુખર્જીને આમંત્રણ આપ્યું હતું તે વખતે મુખર્જી રાષ્ટ્રપતિ તરીકે હતા. તે વખતે પ્રણવ મુખર્જીએ ઇન્કાર કરી દીધો હતો અને કહ્યું હતું કે, એક બંધારણીય હોદ્દા ઉપર હોવાથી તેઓ ભાગ લઇ શકે નહીં. રાષ્ટ્રપતિ ભવનમાં તે વખતે મુખર્જીને મળનાર ભાગવતે પૂર્વ કોંગ્રેસી નેતાને રાષ્ટ્રપતિ પદથી હટી ગયા બાદ પણ વાતચીત કરી હતી. પ્રણવ મુખર્જીએ રાષ્ટ્રવાદ ઉપર પોતાની વાત રજૂ કરવાની વાત દર્શાવી છે. સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ પર સંઘની પોતાની વિચારધારા છે. વર્ષોથી સંઘ કોંગ્રેસની સામે એક વૈચારિક પડકાર ફેંકે છે. મહાત્મા ગાંધીની હત્યા બાદ સંઘ પર પ્રતિબંધ પણ મુકવામાં આવ્યો હતો. મોડેથી સંઘે પોતાના રાજકીય ફ્રન્ટ જનસંઘની સફળતા મારફતે પોતાને નવારુપમાં રજૂ કરવામાં સફળતા મેળવી હતી. જનસંઘના નેતાઓએ જ ત્યારબાદ મળીને ભાજપની રચના કરી હતી. નાગપુરમાં એક સંઘના અધિકારીએ કહ્યું છે કે, ૨૫ દિવસ સુધી ચાલનાર ટ્રેનિંગ કાર્યક્રમ સાતમી જૂને પૂર્ણ થશે. પ્રણવ મુખર્જી સાતમી જૂનના દિવસે નાગપુરમાં સંઘના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

(7:39 pm IST)