Gujarati News

Gujarati News

News of Tuesday, 29th May 2018

મુદ્રા યોજના હેઠળ ૧૨ કરોડ લોકોને લોન : જેમાં ૭૫% મહિલાઓઃ નરેન્દ્રભાઇ

નમો એપથી યોજનાના લાભાર્થીઓ સાથે વાત કરતા વડાપ્રધાન

 નવી દિલ્હીઃ નરેન્દ્રભાઇ મોદીએ આજે નમો એપ દ્વારા પ્રધાનમંત્રી મુદ્રા યોજનાના લાભાર્થીઓ સાથે વાત કરી. મોદીએ કહ્યું-  'અમે આઝાદી પછીથી જ લાયસન્સ રાજ જોયું. લોન તેને જ મળતી હતી જેમનું મોટું નામ હોય, જેની ભલામણ થયેલી હોય. ગરીબોને સિસ્ટમની બહાર રાખી દીધા હતા. તેઓ પોતાના કામનો વિસ્તાર જ નહોતા કરી શકતા. મુદ્રા યોજનાએ વ્યાજખોર લોકોની ચુંગાલમાંથી દેશના યુવાધનને બચાવ્યું છે.  મુદ્રા યોજનાથી સામાન્ય માણસની પ્રતિભાને ઓળખ મળી છે.' ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાને ગઇકાલે જ ઉજ્જલવા યોજનાનો લાભ મેળવનારી દેશભરની મહિલાઓ સાથે વાત કરી હતી.

 નરેન્દ્રભાઇએ મોદીએ કહ્યું, કે મુદ્રા એક એવી યોજના છે જેમાં લક્ષ્યથી વધુ લોન આપવામાં આવી છે. સૌથી ખુશીની વાત એ છે કે જે ૧૨ કરોડ લોકોને લોન આપી છે તેમાં ૭૪ ટકા એટલે કે ૭૫ ટકા આસપાસ આપણી માતાઓ એટલે કે મહિલાઓ છે. ૫૫ ટકા પછાત વર્ગ એટલે કે એસસી-એશટી અને ઓબીસી સમાજની મહિલાઓને મળી છે. દેશને આપણે ગરીબીના નામ પર કેવી જુદી-જુદી રીતે ગેરમાર્ગે દોરાતો જોયો છે. કેવા-કેવા નારાઓ આપણે સાંભળ્યા છે. ત્રીસ-ચાલીસ વર્ષોથી આ સાંભળતા-સાંભળતા ગરીબનો તો વિશ્વાસ જ ઊઠી ગયો છે. જે કાફલો બેંકો સાથે શરૂ થયો હતો, આજે તેમાં અનેક સંસ્થાઓ પણ જોડાતી ગઇ. તેમાં ૧૧૦ બેંકો જ નહીં માઇક્રો ફાઇનાન્સ સંસ્થાઓ પણ મુદ્રા લોન આપી રહી છે. બેંકોએ આ લોનને આપવાની પ્રક્રિયા સરળ બનાવવાનું કામ કર્યું છે.

 મોદીએ વધુમાં કહ્યું,  ઉદ્યમશીલ યુવાઓ અને બહેનો સાથે વાતચીત કરવાનો મને આ અવસર મળ્યો છે. હવે એ લોકો છે જે બાંધેલા રસ્તે ચાલવાને બદલે પોતાના રસ્તા પોતે નક્કી કરે છે. દેશની સમૃદ્ઘિ અને સાહસમાં તમારી આ પહેલનું મહત્વનું સ્થાન છે. આજે મારી સાથે આખો દેશ તમારી આ યાત્રાના સંસ્મરણોને સાંભળવા માટે આ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જોડાયો છે. ગત દિવસોમાં મને મુદ્રા યોજનાના કેટલાક લાભાર્થીઓ સાથે વાત કરવાનો મોકો મળ્યો હતો. તેમની કહાનીઓ સંતોષ આપે છે અને ગૌરવાન્વિત કરે છે. ત્યારે જ મેં નક્કી કર્યું કે દેશભરના મુદ્રા યોજનાના લાભાર્થીઓ સાથે વાત કરીશ.

   પીએમ મોદીએ જણાવેલ કે બેંક ગેરંટી વગર, ઓછા વ્યાજગરો પર લોન મળવાથી યુવાનો પોતાના શહેર અથવા ગામડામાં રહીને જ પોતાના દમ પર કોઇને કોઇ રોજગાર શરૂ કરી શકે છે. આજે ગરીબમાં ગરીબ વ્યકિતને પણ મુદ્રા લોન મળી રહી છે. સામાન્ય વ્યકિત પણ મુદ્રા લોનની મદદથી ઉદ્યોગપતિ બની શકે છે.

 મુદ્રા યોજનાના લાભાર્થી નાસિકના હરિ ગણૌર ઠાકુરે જણાવ્યું કે આ યોજનાએ તેમની જિંદગી બદલી નાખી.

 ''મુદ્રા યોજનાના લાભાર્થી કર્ણાટકના મંજુનાથે જણાવ્યું કે તેમણે સરકારી નોકરીની જગ્યાએ મુદ્રા યોજનાથી લોન લઇને પોતાનો બિઝનેસ શરૂ કર્યો. હવે તેઓ સમયસર લોન પણ ચૂકવી રહ્યા છે અને ૪ લોકોને રોજગાર પણ આપી રહ્યા છે.''

'' મુદ્રા યોજનાના લાભાર્થી આસામના હૃદય ડેકાએ જણાવ્યું કે મુદ્રા લોન લઇને તેમણે પોતાના ચાના બિઝનેસને આગળ વધાર્યો. મેં કહ્યું અચ્છા, તમે પણ મારા જેવા જ છો.'''' મોટા લોકો લોન લઇને ભાગે છે, ગરીબ લોકો લોન ચૂકવીને સન્માનની જિંદગી જીવવાનું જાણે છે. ''

 નરેન્દ્રભાઇએ અંતમાં જણાવેલ કે,  ''દેશના ભવિષ્યમાં તમારા જેવા ઉદ્યમીઓનું મોટું યોગદાન છે. આજથી ૨૫-૩૦ વર્ષ પહેલા લોન મળતી હતી પરંતુ રાજકીય સિદ્ઘાંતો રાખતા ચેલાઓ બેંકોમાંથી રૂપિયા મારી લેતા હતા. ૨૫-૩૦ વર્ષ પહેલા રાજકીય ફાયદાઓ માટે લોનમેળા થતા હતા. અમે મુદ્રા યોજનાની એવી પ્રોડકટ તૈયાર કરી જે દેશવાસીઓ માટે મોટો અવસર બની ગઇ. અમે અમારા નવયુવાનો પર ભરોસો કર્યો. તેમને મુદ્રા યોજના હેઠળ લોન આપી, જેથી તેઓ પોતાનો વેપાર ખોલી શકે. પોતાની પ્રોડકટ બજારમાં લાવવાની રીતો શોધી શકે. તેનાથી ન ફકત સ્વરોજગારની તકો ઊભી થઇ, પરંતુ લોકોને રોજગારનો મોકો મળ્યો.''

(1:22 pm IST)